સ્ટૉક : ઉછીનાં નાણાં મેળવવા માટે અન્ય પ્રકારના કોઈ એકમના બદલે ફક્ત નાણાંના એકમમાં બહાર પાડવામાં આવતી જામીનગીરીઓ (બૉન્ડ). સરકાર સ્થાનિક સત્તાવાળાઓ અને કંપનીઓ તરફથી દેશમાં જે નાણું પ્રચલિત હોય, તેવા ચલણના નિશ્ચિત એકમમાં બહાર પાડેલી જામીનગીરીઓ સ્ટૉક તરીકે ઓળખાતી હતી. સામાન્ય રીતે તેની કિંમત રૂ. 100 અથવા પાઉન્ડનું ચલણ ધરાવતા ઇંગ્લૅન્ડ જેવા દેશમાં તેની કિંમત ₤ 100 હોય છે; તેથી ઊલટું, કંપનીઓએ લાંબા ગાળા માટે પોતાને આવશ્યક હોય તેવી મૂડી મેળવવા માટે ચલણના એકમને બદલે પોતાને જરૂરી મૂડીના (સાંખ્યિક) ભાગ પાડીને, તેવી સંખ્યાના નિશ્ચિત એકમમાં બહાર પાડેલી જામીનગીરીઓ શૅર તરીકે ઓળખાય છે; દા. ત., કોઈ કંપની રૂપિયા એક કરોડની મૂડી મેળવવા માટે રૂ. 100ની કિંમતનો એક એવા એક લાખ શૅર બહાર પાડી શકે છે. સ્ટૉક અને શૅર વચ્ચેનો આ સૂક્ષ્મ તફાવત ધીમે ધીમે ભુલાવા માંડ્યો છે; આમ છતાં સરકાર, સ્થાનિક સત્તાવાળાઓ અને કંપનીઓેએ ટૂંકા ગાળા અથવા મધ્યમ ગાળા માટે જરૂરી હોય તેવી મૂડી મેળવવા માટે નિશ્ચિત દરનું વ્યાજ અને ઉછીનાં નાણાં એકસામટાં ચૂકવવાની નિશ્ચિત તારીખ દર્શાવીને બહાર પાડેલી અધ્ધર જામીનગીરીઓ સ્ટૉક તરીકે; પરંતુ વ્યવહારમાં મોટા ભાગે બૉન્ડ તરીકે ઓળખાય છે. બૉન્ડ સર્ટિફિકેટમાં દર્શાવેલા વ્યાજના દર અને ચુકવણીની તારીખના આધારે તેમનું વર્તમાન મૂલ્યાંકન કરીને શૅરબજારમાં તેમની ઓછાવત્તા પ્રમાણમાં લે-વેચ થાય છે.
અશ્વિની કાપડિયા