સ્ટેફાયલોકોકસ : જીવાણુઓની એક પ્રજાતિ. આ જીવાણુઓ ગ્રામઋણી ગોલાણુ છે. તેમનો વ્યાસ 1થી 2 માઇક્રોન (m) (1 મિલિમીટરનો 10–3મો ભાગ) છે. તેઓ હલનચલન કરી શકતા નથી અને ઝૂમખામાં રહે છે. (‘સ્ટેફાયલોકોકસ’નો અર્થ દ્રાક્ષનું ઝૂમખું થાય છે.) આ જીવાણુઓ ક્રમાનુસાર ત્રણ વખત સપાટી સાથે કાટખૂણે વિભાજન પામે છે અને સંતતિ જીવાણુઓ (વંશજો) એકબીજાથી સંપૂર્ણ છૂટાં પડતાં નથી. તેથી ઝૂમખા સ્વરૂપે જોવા મળે છે. તેમના DNAમાં G + C(ગ્વાનીન + સાયટોસીન)નું પ્રમાણ 30થી 35 મોલ % છે.

આ જીવાણુઓની કોષદીવાલમાં પેપ્ટિડોગ્લાયકન સ્તર અને ટેકોઇક ઍસિડ (Teichoic acid) આવેલા હોય છે. તેઓ જારક શ્વસન અને અજારક શ્વસન બંને કરી શકે છે. તેઓ શર્કરાનું આથવણ કરીને સારી પેઠે લૅક્ટિક ઍસિડ ઉત્પન્ન કરે છે. આ જીવાણુઓમાં હેમ (Hem) રંગદ્રવ્ય આવેલું હોય છે. મોટા ભાગના સભ્યો પીળા રંગનું કોષીય કેરોટિનૉઇડ રંગદ્રવ્ય ઉત્પન્ન કરી શકે છે. તેઓ હવાની હાજરીમાં કૅટેલેઝ (હાઇડ્રોજન પેરૉક્સાઇડનું પાણી અને ઑક્સિજનમાં રૂપાંતર કરનાર) ઉત્સેચક ઉત્પન્ન કરે છે. આ જીવાણુની અમુક ઉપજાતિઓ કોએગ્યુલેઝ (લોહીના પ્લાઝમાના ગંઠાવા માટે જવાબદાર) અને a-હિમોલાયસીન (હિમોલાયસીન – રક્તકણોને ઓગાળવા માટે જવાબદાર) ઉત્પન્ન કરે છે.

તેઓ ચામડી પર રહેતા સ્થાનિક જીવાણુસમૂહ પૈકીના એક છે. સામાન્ય રીતે તેઓ સસ્તન પ્રાણીઓની શ્લેષ્મ ત્વચા પર જોવા મળે છે.

1980ની સાલમાં લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે પરુવાળા ગૂમડામાંથી સ્ટેફાયલોકોકસનું અલગીકરણ કર્યું. આ જીવાણુઓની વસાહત અપારદર્શક, ગોળ, નિયમિત આકારની અને બહિર્ગોળ પ્રકારની હોય છે. મોટા ભાગની ઉપજાતિઓ ચોક્કસ રસાયણો ધરાવતા માધ્યમ પર સંવર્ધન પામે છે. (દા. ત., ગ્લુકોઝ, મિનરલ સૉલ્ટ, એમીનોઍસિડ, થાયમીન અને નિકોટિનિક ઍસિડ ધરાવતું માધ્યમ.) અમુક ઉપજાતિઓ ઉષ્માપ્રતિકારક છે. તેઓ ક્ષારપ્રતિકારકતા પણ બતાવે છે. અમુક ઉપજાતિઓનું 6.5 % ક્ષાર ધરાવતા માધ્યમ પર સમૃદ્ધીકરણ કરવામાં આવે છે.

સ્ટેફાયલોકોકસની 30 કરતાં વધારે જાતિઓ છે. તેમાંથી તબીબીકીય રીતે અગત્યની ત્રણ જાતિઓ છે :

(1) સ્ટેફાયલોકોકસ ઓરિયસ (Staphylococcus oreus) : સોનેરી પીળા રંગનું પ્રસરે નહિ તેવું રંગદ્રવ્ય ઉત્પન્ન કરે છે અને જટિલ માધ્યમ પર સંવર્ધન પામે છે. 25°થી 43° સે. તાપમાનના ગાળામાં અને 4.8થી 9.4 pHના ગાળામાં સંવર્ધન પામે છે. કોએગ્યુલેઝ અને a-હિમોલાયસીન ઉત્પન્ન કરે છે. ઘનિષ્ઠ વાતકરણ કરીએ તો 30થી 40 મિનિટમાં તે વિભાજન પામે છે.

સ્ટેફાયલોકોકસની આ જાતિ અનેક રોગો માટે જવાબદાર છે. તેઓ ઊંડા અને સપાટી પરનાં પરુવાળાં ગૂમડાં, એન્ડોકાર્ડિટિસ (હૃદયની આંતરત્વચાનો ચેપ), મેસ્ટાઇટિસ (સ્તનનો ચેપ), સિસ્ટાઇટિસ (મૂત્રાશયનો ચેપ), ઑસ્ટિઓમાયલાઇટિસ (હાડકાનો ચેપ), ઇમ્પેટિગો (ત્વચાનો ચેપ), ન્યુમોનિયા, સાઇનસ, આંજણી વગેરે રોગો માટે જવાબદાર છે.

આ જાતિ એન્ટેરોટૉક્સિન નામનું ઝેર ઉત્પન્ન કરીને ખોરાકનું ઝેરીકરણ કરે છે. આવો ખોરાક જો ખાવામાં આવે તો ઝાડા, ઊલટી અને તાવ જેવાં ચિહનો જોવા મળે છે.

(2) સ્ટેફાયલોકોકસ એપિડર્મિડિસ (staphylococcus epidermidis) ત્વચા પર રહેતા સ્થાનિક જીવાણુસમૂહ પૈકીના છે.

(3) સ્ટેફાયલોકોકસ સેપ્રોફાઇટિકસ (staphylococcus saprophyticus) મૂત્રજનનતંત્રની શ્લેષ્મ ત્વચા પર જોવા મળે છે.

નીલા ઉપાધ્યાય