સ્ટેફાન, ગૅરી (Stefan, Gary) (જ. 1942, અમેરિકા) : આધુનિક અલ્પતમવાદી (minimalist) શિલ્પી અને ચિત્રકાર. ન્યૂયૉર્ક નગર ખાતેની પ્રૅટ (Pratt) ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનનો અભ્યાસ કર્યા પછી તેમણે ચિત્રણાનો આરંભ કર્યો અને અલ્પતમવાદી અમૂર્ત ચિત્રો અને શિલ્પોનું સર્જન શરૂ કર્યું. તેમની નેમ આ કલાસર્જન દ્વારા ભાવકના દિમાગમાં વિચારસંક્રમણનો આરંભ કરવાની છે. ભૌમિતિક આકૃતિઓના મિશ્રણ સમી તેમની કલાકૃતિઓ હકીકતમાં ચિત્ર અને શિલ્પના મિશ્રણરૂપ હોય છે; કેમ કે તેમાં શિલ્પ જેવી ઉપસાવેલી સપાટીઓ પર રંગલેપન જોવા મળે છે. યુવાનીમાં સ્ટેફાને પ્રખ્યાત અમેરિકન આધુનિક ચિત્રકાર જાસ્પર જોન્સના સ્ટુડિયોમાં મદદનીશ તરીકે કામ કરેલું.
અમિતાભ મડિયા