સ્ટેનલી (Stanley) : (1) પર્વત : પૂર્વ આફ્રિકાના મધ્યભાગમાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 4° 19´ દ. અ. અને 15° 15´ પૂ. રે.. તે ઝાયર અને યુગાન્ડા વચ્ચેની સીમા પર આવેલી રુવેન્ઝોરી હારમાળાનો એક ભાગ છે. આ હારમાળામાં ઊંચાં શિખરોના છ સમૂહો આવેલા છે. સ્ટેનલી શિખર સમૂહ સરેરાશ 4,900 મીટર ઊંચાઈવાળો છે, તે પૈકીનું માર્ગેરિટા શિખર આશરે 5,130 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેના પર વિસ્તૃત હિમનદીઓ અને ઘણાં હિમનદીજન્ય સરોવરો પણ છે. અહીં હિમરેખા (snow-line) આશરે 4,500 મીટરની ઊંચાઈએ આવેલી છે. હેન્રી મૉર્ટન સ્ટેનલી 1888માં અહીં પહોંચનાર સર્વપ્રથમ યુરોપિયન હતો. આ પર્વતનું નામ તેના નામ પરથી અપાયું હોવાનું કહેવાય છે.
(2) શહેર : દક્ષિણ ઍટલૅન્ટિક મહાસાગરમાં આવેલા ફૉકલૅન્ડ ટાપુઓનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 51° 42´ દ. અ. અને 57° 51´ પ. રે.. અગાઉ તે માત્ર નગર અને બંદર જ હતું; પરંતુ 1842માં તેને પાટનગરનો મોભો મળ્યો છે. આ શહેર પૂર્વ ફૉકલૅન્ડ ટાપુના ઈશાન કાંઠા પર પૉર્ટ વિલિયમના દરિયાઈ ફાંટાના દક્ષિણ ઢોળાવ પર વસેલું છે. અગાઉના વખતમાં બ્રિટિશ લોકો વહાણો લઈને અવરજવર કરતા અને અહીંનાં અંદરનાં તેમજ બહારનાં બારાં પર વહાણોને રક્ષણ મળી રહેતું. ઍન્ટાર્ક્ટિકા પ્રદેશમાં વહેલ પકડવાની ક્રિયા માટેનું સ્થાન તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે નૌકામથક રહેલું; હવે મોટે ભાગે તે વેપારી જહાજો માટે બંદર તરીકે ઉપયોગમાં લેવાય છે.
સ્ટેન્લીના ફૉકલૅન્ડ ટાપુનું દૃશ્ય
ફૉકલૅન્ડની આશરે અડધી વસ્તી સ્ટેનલી શહેરમાં રહે છે. અહીંથી થતી નિકાસમાં ઊન, ઘેટાંની ખાલ અને સીલ માછલીનું તેલ તથા આયાતમાં ખાદ્યપદાર્થો, કોલસો, ખનિજતેલ અને લાકડાંનો સમાવેશ થાય છે. સ્ટેનલી ખાતે વાયરલેસ-મથક અને હવાઈ મથક આવેલાં છે, તેનો નિભાવખર્ચ બ્રિટિશ સરકાર ભોગવે છે. શહેરમાં ક્રાઇસ્ટ ચર્ચ કેથીડ્રલ (1892) અને ટાપુઓના લોકો માટે તબીબી સુવિધા આપતી હૉસ્પિટલ આવેલાં છે. અહીંના નગરગૃહમાં પુસ્તકાલય, જાહેર કાર્યાલયો તથા જાહેર સેવાઓના નિભાવખર્ચને પહોંચી વળવા કર ઉઘરાવતું ટાઉન કાઉન્સિલનું સ્થળ આવેલાં છે. 1982માં આર્જેન્ટિનાનાં દળોએ હુમલો કરેલો, જેમાં તે હારેલાં. ત્યાર બાદ 1983માં સ્ટેનલી ખાતે બ્રિટિશ દળોનો કાફલો રાખવામાં આવેલો છે.
વસ્તી : 2,379 (2001 મુજબ).
(3) જળાશય : મધ્ય આફ્રિકામાં આવેલું જળાશય (સરોવર). ભૌગોલિક સ્થાન : 4° 17´ દ. અ. અને 15° 20´ પૂ. રે.. તે કૉંગો (પશ્ચિમ) અને ઝાયર (પૂર્વ) વચ્ચે આવેલા લિવિંગ્સ્ટન ધોધના ઉપરવાસ તરફ કૉંગો નદીમાં તૈયાર થયેલો વિસ્તૃત જળરાશિ હોવાથી તેને સરોવર સમકક્ષ ગણવામાં આવે છે. તેનો વિસ્તાર 450 ચોકિમી. જેટલો છે. આ સરોવરની મહત્તમ ઊંડાઈ 16 મીટર જેટલી છે. તેની મધ્યમાં આશરે 180 ચોકિમી. વિસ્તાર ધરાવતો બામુ ટાપુ આવેલો હોવાથી તે ઊંડા ફાંટામાં વહેંચાઈ ગયેલું છે, તે નૌકાસફર માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ સરોવરના વાયવ્ય અને નૈર્ઋત્ય કાંઠા પર કૉંગોનું બ્રાઝાવિલે તથા ઝાયરનું કિન્શાશા આવેલાં છે.
1888માં અહીં પહોંચનાર સર્વપ્રથમ યુરોપિયન હેન્રી મૉર્ટન સ્ટેનલી હતો; તેની યાદમાં આ જળાશય સ્ટેનલી નામથી ઓળખાય છે. અહીંના સ્થાનિક લોકો તેને માલેબો સરોવર નામથી પણ ઓળખે છે.
ગિરીશભાઈ પંડ્યા