સ્ટેનલી વેન્ડલ મેરેડીથ

January, 2009

સ્ટેનલી, વેન્ડલ મેરેડીથ (. 16 ઑગસ્ટ 1904, રીજવીલે, ઇન્ડિયાના, યુ.એસ.; . 15 જૂન 1971, સાલામાન્કા, સ્પેન) : અમેરિકન જીવવૈજ્ઞાનિક, વિષાણુ વૈજ્ઞાનિક તથા નોબેલ પારિતોષિક વિજેતા.

વેન્ડલ મેરેડીથ સ્ટેનલી

રીજવીલે, ઇન્ડિયાનામાં જન્મેલા સ્ટેનલીએ રસાયણવિજ્ઞાનમાં બી.એસસી. ડિગ્રી રીચમન્ડ, ઇન્ડિયાનાની અર્લહામ કૉલેજમાં મેળવી. ત્યાર બાદ યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉયમાં 1927માં M.S. (એમ.એસ.) અને 1929માં રસાયણમાં Ph.D. ડિગ્રી મેળવી. તેમણે એક સુંદર પુસ્તક ‘Chemistry : A Beautiful Thing’ લખ્યું. જેની પુલિત્ઝર ઇનામ માટે વરણી પણ કરવામાં આવેલી.

નૅશનલ રિસર્ચ કાઉન્સિલના અન્વયે તેઓ જર્મનીના નોબેલ પારિતોષિક-વિજેતા હેન્રિક વિલેન્ડ (Heinrich Wieland) સાથે પોસ્ટ-ડૉક્ટરલ સંશોધક તરીકે જોડાયા અને 1931માં યુ.એસ.માં પાછા ફર્યા, જ્યાં તેઓ રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ રિસર્ચમાં જોડાયા અને ત્યાં તેઓએ 1948 સુધી સંશોધનકાર્ય કર્યું. તેઓ બર્કલે યુનિવર્સિટી, કૅલિફૉર્નિયામાં જીવરસાયણવિજ્ઞાન(biochemistry)ના પ્રોફેસર બન્યા તથા 1958માં તે જ શાખાના વડા નિમાયા.

સ્ટેનલીનું શરૂઆતનું સંશોધન રક્તપિત્તનિવારક ઔષધો, ડાઇફિનાઇલ વ્યુત્પન્નોનું અવકાશ રસાયણ તથા સ્ટેરોલ્સ ઉપર કેન્દ્રિત હતું. 1930ની શરૂઆતમાં જ્હોન નોરથ્રોપ (John Northrop) દ્વારા પેપ્સિન અને અન્ય ઉત્સેચકોનું સ્ફટિકીકરણ કરવામાં આવ્યું. આ ઉપરથી સ્ટેનલીને તમાકુના છોડ ઉપર મોઝેઇક નામનો રોગ વિષાણુઓ દ્વારા થતો તે અંગે સંશોધન કરવાનો વિચાર સ્ફુર્યો. તેમણે આવા રોગિષ્ઠ છોડમાંથી એક ન્યૂક્લિયોપ્રોટીન અલગ તારવ્યું. આ રસાયણ રોગ માટે કારણભૂત જણાયું. તેમણે 1935માં આ ટોબેકોમોઝેઇક વાયરસનું સ્ફટિકીકરણ કરી તેના સોય આકારના સ્ફટિકો મેળવ્યા. આ સ્ફટિકો પોતાનો વિષાણુ ગુણધર્મ (ચેપ લગાડવાનો) જાળવી રાખે છે તે પણ તેમણે શોધ્યું. આ રીતે અત્યાર સુધી ઘણા વૈજ્ઞાનિકોની માન્યતા હતી કે સજીવનું સ્ફટિકીકરણ (માત્ર પ્રોટીન અપવાદ) થઈ શકે નહિ તે ખોટી ઠરાવી. આ એક ખૂબ મહત્વનું સંશોધન ગણાયું, જેને આધારે તેમને 1946નું રસાયણનું નોબેલ પારિતોષિક નોરથ્રોપ અને સુમ્નેર (Sumner) સાથે સંયુક્ત રીતે મળ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ ઇન્ફ્લુએન્ઝાના વિષાણુ તથા તેના પ્રતિકાર માટેની રસી ઉપર સંશોધન કરતા રહ્યા.

1948માં બર્કલે યુનિવર્સિટી, કૅલિફૉર્નિયામાં તેમણે વિષાણુઓ ઉપર સંશોધન માટેની પ્રયોગશાળા સ્થાપી અને નિવૃત્ત થતાં સુધી તેના નિયામક તરીકે રહ્યા.

નોબેલ પારિતોષિક ઉપરાંત તેમણે રોઝેનબર્ગર ચંદ્રક, આલ્ડર પારિતોષિક, સ્કૉટ પારિતોષિક ઉપરાંત અમેરિકન મેડિકલ ઍસોસિયેશનનો AMA Scientific Achievement Award પણ મળેલા. અમેરિકન તથા અન્ય યુનિવર્સિટીઓ હાર્વર્ડ, યેલ, પ્રિન્સટન યુનિ. ઑવ પૅરિસ દ્વારા તેમને માનદ ઉપાધિઓ મળેલી.

અહીં નોંધવું જોઈએ કે તેમનાં નોબેલ પારિતોષિક વિજેતા સંશોધનો હવે સંપૂર્ણપણે સાચાં ઠર્યાં નથી. (જેમ કે તેમણે જાહેર કરેલું કે મોઝેઇક વાયરસના સ્ફટિકો શુદ્ધ પ્રોટીન હતા તથા તે સ્વત:ઉદ્દીપક (autocatalysis) દ્વારા સમુચ્ચય (સમૂહ) પામે છે તે સાચું ઠર્યું નથી.)

વિષાણુઓ ઉપરની કૉન્ફરન્સમાં (1971) હાજરી દરમિયાન તેઓ અવસાન પામ્યા. તેમને ત્રણ દીકરીઓ તથા એક દીકરો હતાં.

તેઓના માનમાં બર્કલે યુનિવર્સિટીની સ્ટેનલી બાયોસાયન્સીસ અને બાયોએન્જિનિયરિંગ ફૅકલ્ટી નામ આપવામાં આવ્યું છે, જે અગાઉ સ્ટેનલી હૉલ તરીકે ઓળખાતું. આ ઉપરાંત અર્લહામ કૉલેજ, રીચમન્ડ, વર્જિનિયામાં પણ સ્ટેનલી હૉલ નામ આપવામાં આવેલું છે.

નીલા ઉપાધ્યાય