સ્ટુઅર્ટ, જૅમ્સ (જ. 20 મે 1908, ઇન્ડિયાના, પેન્સિલ્વેનિયા; અ. 2 જુલાઈ 1997, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા) : અમેરિકાના નામી ફિલ્મ-અભિનેતા. તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટી ખાતે સ્થાપત્યકલાનો અભ્યાસ કર્યો હતો. 1935માં તેમણે ફિલ્મ અભિનયનો પ્રારંભ કર્યો. ‘યુ કાન્ટ ટૅક ઇટ વિથ યુ’ (1938), ‘ડેસ્ટ્રી રાઇડ્ઝ અગેન’ (1939) અને ઑસ્કાર ઍવૉર્ડ-વિજેતા હાસ્યરસિક ચિત્ર ‘ફિલાડેલ્ફિયા સ્ટોરી’ (1940) તથા ‘ઇટ્સ એ વંડરફુલ લાઇફ’માંના અભિનય દ્વારા તેમણે પ્રતિભાસંપન્ન અને સંનિષ્ઠ પાત્રાભિનયની પ્રતીતિ કરાવી હતી.
જેમ્સ સ્ટુઅર્ટ
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના હવાઈદળમાં અસાધારણ ગુણવત્તા સાથે તેમણે સેવા બજાવી. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે 1950–1955 દરમિયાન પશ્ચિમી ઉત્તર અમેરિકાના જીવન વિશે શ્રેણીબદ્ધ ચિત્રોમાં અભિનય કર્યો. એ ઉપરાંત ‘રિયર વિન્ડૉ’ (1954) તથા ‘વર્ટિગો’ (1958) જેવાં હિચકોકનાં બંને અતિખ્યાત ચિત્રોમાં પણ પ્રશંસનીય અભિનય આપ્યો. તેમનાં ઉત્તરાર્ધનાં ચિત્રોમાં વિવિધ પ્રકારનો ચરિત્ર-પાત્રાભિનય સાતત્યપૂર્વક તેમના ચાહકોને ખુશ કરતો રહ્યો; તેમાં મુખ્ય છે ‘ફૂલ્સ પરેડ’ (1971) અને ‘રાઇટ ઑવ્ વૅ’ (1982).
1980માં તેમને ‘અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ લાઇફ ઍચીવમેન્ટ ઍવૉર્ડ’ અને 1985માં માનાર્હ ઑસ્કાર ઍવૉર્ડ અપાયા હતા.
મહેશ ચોકસી