સ્ટીરિયોસ્કોપી : બે આંખોથી એકસાથે જોવાની ઘટના કે જે ત્રિપરિમાણમાં દૃશ્યનો અનુભવ કરાવે. અવકાશમાં વસ્તુઓના સાપેક્ષ અંતર તાદૃશ અવગમન (perception) કરાવે છે. આ અનુભવમાં અવલોકનકાર આંખોથી જુદા જુદા અંતરે સ્થિત વસ્તુઓ વચ્ચેની જગ્યાને જોતો જણાય છે. સ્ટીરિયોસ્કોપીની એક એવી વિશિષ્ટ અસર છે કે જેને તેની ક્ષમતા ન હોય તેને સમજાવી શકાય નહિ. સ્ટીરિયોસ્કોપિક દૃષ્ટિ એટલે કે સ્ટીરિયોપ્સિસ વ્યક્તિને વસ્તુના સાપેક્ષ ઊંડાણનું સંવેદન કરાવે છે અને જે કાર્યોમાં જોઈને વસ્તુનું સ્થાન નક્કી કરવાનું હોય તેમાં સ્ટીરિયોસ્કોપિક દૃષ્ટિ અતિ મહત્વની છે.
સ્ટીરિયોસ્કોપિક દૃષ્ટિ
સ્ટીરિયોપ્સિસ(ત્રિપરિમાણી દૃષ્ટિક્ષમતા)નો આંખોની રેટિના અને દૃષ્ટિ સંબંધી દિમાગનો ભાગ એટલે કે દૃષ્ટિ સંબંધી વલ્કુટની શારીરિક અને શરીરક્રિયાત્મક સંરચનામાં જન્મજાત ઉદભવ થયો હોય તેમ માનવામાં આવે છે. દ્વિનેત્રી (બાયનૉક્યુલર) દૃષ્ટિમાં તે સામાન્ય રીતે હોય છે. કારણ કે બે આંખો અવકાશ(space)માં કોઈ વસ્તુને બે જુદાં જુદાં બિંદુઓથી જુએ છે, તેમ એક જ વસ્તુનાં બિંદુઓની રેટિના પર રચાતાં પ્રતિબિંબોની ભાત બન્ને આંખોમાં સહેજ જુદી હોય છે. સ્ટીરિયોસ્કોપ (ત્રિપરિમાણી દર્શક) કે જેનાથી બે જુદાં જુદાં ચિત્રોને દરેક આંખ સમક્ષ મૂકવામાં આવે છે તે ઊંડાણના સ્ટીરિયોસ્કોપિક અવગમન અને એકનેત્રી (મૉનોક્યુલર) દૃશ્યથી થતી અંતર અને ઊંડાણની સંકલ્પના (conception) વચ્ચેનો મૂળભૂત તફાવત દર્શાવે છે.
આકૃતિમાં બે પૈકી દરેક આંખ પૂઠાંઓ પર દોરેલી બે ઊર્ધ્વરેખાઓ A અને Bની જોડને જુએ છે. આ રેખાઓ વચ્ચેનું જુદાપણું જમણી આંખ માટે ડાબી આંખ કરતાં વધારે છે. જો આ બંને પૂઠાંઓની રેખાઓ વચ્ચે જે જુદાપણું દેખાય છે તે બહુ વધારે ન હોય તો તે રેખાઓનાં પ્રતિબિંબોનું સંલયન થઈ જશે. અલબત્ત બે આંખથી બે લક્ષ્યો જોતાં આવું લાગશે. તે વખતે તુરત જ સ્ટીરિયોસ્કોપિક ઊંડાણનો અનુભવ થશે. તેમાં એવું લાગશે કે બન્ને રેખાઓ અવકાશમાં રહેલી છે. રેખા B ચોક્કસપણે રેખા Aથી દૂર જણાશે. આ ઊંડાણનો અનુભવ દરેક લક્ષ્ય એકલાને જ જોવામાં આવે તો થશે નહિ. બંને આંખોમાં દેખાતાં પ્રતિબિંબોનો તફાવત સ્ટીરિયોસ્કોપિક અનુભવને ઉદ્દીપ્ત કરે છે.
સ્ટીરિયોસ્કોપિક તીક્ષ્ણતા અને સ્ટીરિયોપ્સિસ(ત્રિપરિમાણી દૃષ્ટિ-ક્ષમતા)ની કસોટી માટે કેટલીક રીતો અને ઉપકરણો છે. તેમાં હાથમાં પકડી શકાય તેવું સ્ટીરિયોસ્કોપ, વેક્ટોગ્રાફ લક્ષ્યો, હોવાર્ડ-ડોલમાન કીલક કસોટી, વેર્હોફ સ્ટીરિયોપ્ટર, હેરિંગની પતન પામતા મણકાની કસોટી, નજીકની દૃષ્ટિ માટે રંગબેરંગી ટોપકાંવાળી પાટિયા પર ખોસેલી ટાંચણીઓની કસોટી વગેરે છે.
વિહારી છાયા