સ્ટીફન નૈપ (જ. 29 સપ્ટેમ્બર 1950) (આધ્યાત્મિક નામ શ્રી નંદનંદન દાસ) : અમેરિકી લેખક, સંશોધક, વક્તા અને આધ્યાત્મિક ઉપદેશક, ભારતીય પરંપરાઓ તેમજ સનાતન (હિંદુ) ધર્મને સમજીને તેને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હોવાને લઈને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક રાજદૂત તરીકે પ્રસિદ્ધિ પામેલા ‘પદ્મશ્રી’ પુરસ્કૃત વિદ્વાન.

સ્ટીફન નૈપ

નવ વર્ષની ઉંમરે પોતે કોણ છે અને આ જન્મમાં મારે શું કરવાનું છે એ પ્રશ્ન ઊઠ્યો, જેનો જવાબ શોધવા પુસ્તકો વાંચવા માંડ્યાં. સંગીતનો સહારો લીધો. 16 વર્ષની ઉંમર સુધીમાં જગતના મુખ્ય ધર્મોના ગ્રંથોના મુખ્ય ઉપદેશ આત્મસાત્ કરવા પ્રયત્ન કર્યો, છેવટે હિંદુસનાતન ધર્મમાં એમને એમના પ્રશ્નોનું સમાધાન મળ્યું. આથી 1976માં શ્રીલ ભક્તિવેદાંત પ્રભુપાદસ્વામી પાસે દીક્ષા લીધી અને વૈષ્ણવપંથના માધ્વ ગૌડીય સંપ્રદાયમાં જોડાઈ શ્રી નંદનંદનદાસ નામ પામ્યા. ડેટ્રોઇટના ઇસ્કોન મંદિરમાં 1986 સુધી હિંદુ ધર્મનાં શાસ્ત્રો વેદ, ઉપનિષદ, ભગવદગીતા તેમજ શ્રીમદ્ ભાગવતનું વિશેષ અધ્યયન, મનન અને ચિંતન કર્યું, એમને જણાયું કે પોતાને જે પ્રશ્નો ઊઠે છે તે પ્રશ્નો આ પ્રાચીન વૈદિક સાહિત્યમાં ઊઠેલા છે અને તેના સચોટ ઉત્તરો પણ એમાં અપાયેલા છે. પોતાને ‘હરે રામ હરે કૃષ્ણ’ની ધૂનથી જે ઊર્જા પ્રાપ્ત થાય છે અને ‘રાધે રાધે’ના ઉચ્ચારણથી જગતમાં જે ઊર્જા પ્રસરે છે તેનો અનુભવ થયો અને ત્યારથી પોતે જનકલ્યાણ અને જગતકલ્યાણ અર્થે લેખો, પુસ્તિકાઓ, કૅસેટો અને ગ્રંથો પ્રકાશિત કરવાનો પ્રારંભ કર્યો.

આમ ભારતીય સંસ્કૃતિના વર્તમાન જગતમાં પ્રસાર-પ્રચાર માટેનું કાર્ય શ્રી સ્ટીફન નૈપનું મહત્ત્વનું પ્રદાન છે. તેમનાં સેંકડો લેખો, 55 પુસ્તકો, વૈદિક પરંપરાઓ અને દર્શને દુનિયાભરના સાધકોને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એમના ગ્રંથોમાં ધી સિક્રેટ ટીચિંગ્ઝ ઑફ ધી વેદાઝ’, ‘પ્રૂફ ઑફ વૈદિક કલ્ચર્સ ગ્લોબલ એક્ઝિસ્ટન્સ’ અને ‘ધી હાર્ટ ઑફ હિન્દુઇઝમ’ મુખ્ય છે. તેમણે ભગવદગીતા, શ્રીમદ્ ભાગવત અને ઉપનિષદો જેવા પ્રાચીન ભારતીય શાસ્ત્રગ્રંથોની સરળ અને સુગમ વ્યાખ્યા કરી તેને આંતરરાષ્ટ્રીય ભાવકો માટે સુલભ કરી આપી છે. પોતાનાં વ્યાખ્યાનો અને લેખન દ્વારા સ્ટીફને ભારતીય આધ્યાત્મિકતાનું સમર્થન કરવાની સાથોસાથ ભારતીય સંસ્કૃતિ અંગે જે ખોટી ધારણાઓ પ્રવર્તી છે તેને દૂર કરવા અને એનું એ ધારણાઓની સત્યતાનું ખુલ્લેઆમ સમર્થન કરવા અથાક પ્રયત્નો કર્યા છે.

વર્તમાનમાં તેઓ અમેરિકાના ડેટ્રોઇટના ઇસ્કોન મંદિરના અધ્યક્ષ છે. તેમણે કૃષ્ણમંદિરોના વહીવટમાં 50થી વધુ વર્ષો વિતાવ્યાં છે. ભારતમાં પણ બધાં ઇસ્કોન મંદિરો ઉપરાંત પ્રાચીન મંદિરોની યાત્રાઓ કરી છે. ડેટ્રોઇટમાં એમણે ‘વૈદિક મિત્ર સંઘ’ની સ્થાપના કરી છે અને આ મિત્ર સંઘમાં દુનિયાભરના વિદ્યાર્થીઓને વૈદિક સંસ્કૃતિના અન્ય લેખકો, વિદ્વાનો અને ઉપદેશકો સાથે સાંકળ્યા છે. શ્રી સ્ટીફને ‘વર્લ્ડ રિલીફ નેટવર્ક’ની સ્થાપના કરીને વૈદિક આધ્યાત્મિકતાને વૈશ્વિક સ્તરે સમજાવતી પુસ્તિકાઓ અને મીડિયા કિફાયત દરે વિતરણ કરવાની મહત્ત્વની કામગીરી કરી છે.

શ્રી નૈપ ભારત અને વિદેશોમાં ભારતીય મંદિરો અને ‘હેરિટેજ’ સ્થળોનાં સંરક્ષણ, તેમની પ્રતિષ્ઠા તેમજ પ્રશંસાના પોતે સબળ સમર્થક છે. એમણે ભારતનાં આ અણમોલ પ્રાચીન વારસારૂપ સ્થાપત્યો, શિલ્પકલા તેમજ નગર-રચનાઓ પ્રત્યે દુનિયાના લોકોનું ધ્યાન દોર્યું છે અને એમના પ્રયાસોથી ભારત પ્રત્યે સાંસ્કૃતિક પર્યટકને ભારે વેગ મળ્યો છે. પરિણામે ભારતની આધ્યાત્મિક કેન્દ્ર રૂપે એક વૈશ્વિક છબી ઊપસી છે.

સ્ટીફન નૈપને સાહિત્ય અને ઉપદેશ-શિક્ષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને વિશ્વફલક પર મૂકી આપવા સબબ જાન્યુઆરી, 2025નો પદ્મશ્રી પુરસ્કાર ભારત સરકાર વતી રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મૂના હસ્તે 28 એપ્રિલ, 2025ના રોજ અર્પણ થયો છે.

પ્રવીણચંદ્ર પરીખ