સ્ટિફન આલ્બર્ટ (જ. 1884; અ. 1963) : સ્વિટ્ઝર્લૅન્ડના નવલકથાકાર અને નાટ્યકાર. સ્વિસ ભાષાના ગણનાપાત્ર સાહિત્યકાર. સ્ટિફનની પ્રારંભિક કાળની કૃતિઓમાં આધુનિક યંત્રવિદ્યા-આધારિત સંસ્કૃતિનાં ભયંકર પરિણામો સામે લાલબત્તી ધરતો સંદેશ પ્રગટ થાય છે. માનવ-સંબંધોમાં દેખાતી વિકૃતિઓનું વિશ્લેષણ તે કૃતિઓમાં છે. 1907માં સ્ટિફન ઍન્થ્રોપોસૉફિકલ સોસાયટીના સભ્ય બન્યા અને એ તત્ત્વચિંતન પ્રગટ કરતી અનેક કૃતિઓ પ્રગટ કરીને તેના અગ્રણી પુરસ્કર્તા તરીકેનું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું. આ સોસાયટીના મુખપત્ર ‘દાસ ગટેનમ’ના તંત્રી તરીકે પણ તેમણે સેવાઓ આપી અને તે સોસાયટીના અધ્યક્ષ પણ બન્યા. ત્યાર પછી તેઓ હંમેશને માટે સારાં-નરસાં આધિભૌતિક તત્વોથી છવાયેલા વિશ્વનું પોતાનું દર્શન તેમની કૃતિઓમાં આપતા રહ્યા. માનવજીવન અને માનવસંબંધોમાં ધર્મનિષ્ઠ મૂલ્યો, ધર્મનિરપેક્ષતા, પાપ-પુણ્યના ખ્યાલ વગેરેનું ચિંતન તેમની કૃતિઓમાં છતું થાય છે. માનવી યંત્રવિદ્યાના યુગમાં કેવો બન્યો છે અને તેનું ભાવિ કેવું હશે તેની ચિંતા પણ તેમની કૃતિઓમાં પ્રગટ થાય છે. માનવસમાજના ભાવિને ચિંતિત નજરે જોનાર આ સાહિત્યકારને બહોળો વાચક વર્ગ પ્રાપ્ત થયો હતો. તેમની મુખ્ય નવલકથાઓમાં ‘ડાઈ અર્નેયુરંગ’ (1913) અને ‘ઓસ જ્યૉર્જ આર્કિબાલ્ડ્ઝ લેબેન્સલોફ’(1950)નો સમાવેશ થાય છે અને તેમનાં મુખ્ય નાટકોમાં ‘હાઇરમ ઍન્ડ સલોમો’ (1927), ‘દાસ ટોડઝરલેબ્નિસ દ’ મેન્સ’ (1934) તથા 1949માં લખાયેલ ‘બાર્બરાઝ’ તથા 1950માં લખાયેલ ‘ક્રિસ્ટ’નો સમાવેશ થાય છે. તેમણે લખેલા ચિંતનાત્મક નિબંધોમાંથી તેમની વિચારધારા અને માનવજીવન અંગેના ચિંતનનો ખ્યાલ આવે છે. તેમના મુખ્ય નિબંધસંગ્રહોમાં ‘દર કંસ્લર ઝવાઇશેન વેસ્ટન ઍન્ડ ઑસ્ટેન’ (1925) તથા ‘ધી આર્ટિસ્ટ બિટ્વિન વેસ્ટ ઍન્ડ ઈસ્ટ’ (1946) ગણી શકાય. 1939માં સર્જાયેલ તેમની કૃતિ ‘બુચ દર રુકશો’ – એ આત્મકથાનક પ્રકારનો ગ્રંથ છે. ઍન્થ્રોપોસૉફિકલ ચળવળના પુરસ્કર્તા તરીકે તેમના ચિંતનનો પ્રભાવ સ્વિટ્ઝર્લૅન્ડ અને અન્ય દેશોમાં ખૂબ રહેલો.
પંકજ જ. સોની