સ્ટિગ્લિટ્ઝ જૉસેફ ઇ.
January, 2009
સ્ટિગ્લિટ્ઝ, જૉસેફ ઇ. (જ. 9 ફેબ્રુઆરી 1943, ગૅરી, ઇન્ડિયાના, અમેરિકા) : જાણીતા અમેરિકન અર્થશાસ્ત્રી, વિશ્વવ્યાપાર સંગઠનના પ્રખર હિમાયતી અને વર્ષ 2001ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. શરૂઆતનું શિક્ષણ વતન ગૅરી ખાતેની પબ્લિક સ્કૂલોમાં, જ્યાં નાનપણથી જ વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેને કારણે જાહેર નીતિમાં રસ જાગ્યો. 1960–1963ના ગાળામાં માત્ર પુરુષ-વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી ઍમહર્સ્ટ કૉલેજ, ન્યૂ ઇંગ્લૅન્ડમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. ત્રીજા વર્ષમાં ભણતા હતા ત્યારે અર્થશાસ્ત્રના અભ્યાસમાં રુચિ વધી. આ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ પ્રાપ્ત કરી. આ જ સંસ્થાએ તેમને 1974માં ડૉક્ટરેટની માનદ પદવી બહાલ કરી હતી. ત્યાર બાદ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)એ એક વ્યાવસાયિક અર્થશાસ્ત્રી તરીકે તેમનું ઘડતર કર્યું. ત્યાં તેઓ બે વર્ષ સુધી ભણ્યા અને અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ ડૉક્ટરેટ માટેનો મહાનિબંધ લખવાનો પ્રારંભ કર્યો. તે અરસામાં ચાર નોબેલ પારિતોષિકવિજેતા અર્થશાસ્ત્રીઓ પ્રો. પૉલ સૅમ્યુઅલ્સન, પ્રો. રૉબર્ટ સોલો, પ્રો. મેડિગ્લિયાની અને પ્રો. ઍરો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરતા રહ્યા. પૉલ સૅમ્યુઅલ્સનના સંશોધનલેખોના સંગ્રહનું સંપાદન કરવાની તક પણ સ્ટિગ્લિટ્ઝને સાંપડી હતી. 1965–1966 દરમિયાન ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફૂલબ્રાઇટ ફેલોશિપ પ્રાપ્ત કરી. લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના જાણીતા પ્રોફેસર જોન રૉબિન્સન તેમના માર્ગદર્શક (ટ્યૂટર) હતા. તે ગાળામાં સ્ટિગ્લિટ્ઝે જે સંશોધનલેખો લખ્યા તેમાં સૌથી મહત્ત્વનો સંશોધનલેખ હતો ‘ધ ડિસ્ટ્રિબ્યૂશન ઑવ્ ઇન્કમ ઍન્ડ વેલ્થ અમંગ ઇન્ડિવિડ્યૂઅલ્સ’. તેના દ્વારા તેમને ઘણી પ્રશંસા પ્રાપ્ત થઈ. એક વર્ષ પછી કૅમ્બ્રિજથી પાછા આવ્યા બાદ એમ.આઇ.ટી.માં આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યા અને એક વર્ષ બાદ યેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. અનિશ્ચિતતાના અર્થશાસ્ત્ર(economics of uncertainty)ના અધ્યયનમાંથી અસમપ્રમાણતા (asymmetry) ધરાવતી અપૂર્ણ માહિતીને આધારે આર્થિક વિકાસના ક્રમ અને વ્યાપના વિશ્લેષણ પર ભાર મૂક્યો અને તે ક્ષેત્રમાં તેમણે કરેલા સંશોધન માટે વર્ષ 2001માં તેમને અમેરિકાના બીજા બે અર્થશાસ્ત્રીઓ ક્રમશ: બર્કલે (કૅલિફૉર્નિયા) યુનિવર્સિટીના જૉર્જ ઍકરલોફ તથા સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીના માઇકેલ એ. સ્પેન્સની સાથે અર્થશાસ્ત્ર માટેનું નોબલ પારિતોષિક એનાયત થયું હતું.
દરમિયાન માર્ચ 1992માં તત્કાલીન રાષ્ટ્રાધ્યક્ષ બિલ ક્લિન્ટનની અર્થશાસ્ત્રની સલાહકાર સમિતિમાં શરૂઆતમાં તેના સભ્ય તરીકે અને પાછળથી તેના ચૅરમૅન-પદે કામ કર્યું (1993–1997) અને ત્યાર બાદ વિશ્વબૅંકના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ઇકૉનૉમિસ્ટનું પદ સંભાળ્યું (1997–2000).
જૉસેફ ઇ. સ્ટિગ્લિટ્ઝ
વૈશ્વિક સ્તર પર હાલ અર્થતંત્રોના વૈશ્વિકીકરણની જે ઝુંબેશ ચાલે છે તેના સ્ટિગ્લિટ્ઝ સૂક્ષ્મ નિરીક્ષક છે. તેઓ એવું માને છે કે છેલ્લા એક દાયકામાં (1996–2006) વૈશ્વિકીકરણની પ્રક્રિયા દરમિયાન તેના જે લાભ છતા થયા છે તે લાભ હજુ સુધી વિશ્વના બધા જ દેશોને સમાન ધોરણે પ્રાપ્ત થયેલા નથી; દા.ત., આફ્રિકાના સહારા પ્રદેશના દેશોને તેના કોઈ લાભ મળવાને બદલે ગેરલાભ જ થયા છે, જ્યારે ભારત જેવા દેશોને તેના લાભ વધુ પ્રમાણમાં મળ્યા છે. અમેરિકા જેવા જૂજ દેશોને વૈશ્વિકીકરણના લાભ સૌથી વધારે મળ્યા છે; તેમ છતાં આ અર્થશાસ્ત્રી એમ પણ દૃઢતાથી માને છે કે તે અંગે જો ઇષ્ટ આર્થિક નીતિ ઘડવામાં આવે, તો જુદા જુદા દેશો વચ્ચે વૈશ્વિકીકરણના લાભની વહેંચણી વધુ ન્યાયિક ધોરણે કરી શકાશે. ભારતમાં છેલ્લા આશરે બે દાયકા (1991–2007) દરમિયાન શિક્ષણ અને ટૅકનૉલૉજીના ક્ષેત્રે થયેલા મૂડીરોકાણને કારણે સેવાઓની નિકાસના ક્ષેત્રે ભારતે જે પ્રગતિ કરી છે તેને કારણે ભારતને વૈશ્વિકીકરણના લાભ અન્ય ઘણા દેશો કરતાં પ્રમાણમાં વધારે મળ્યા છે. સ્ટિગ્લિટ્ઝ એમ પણ માને છે કે વૈશ્વિક સ્તર પર બજારોનું જેમ જેમ વધારે વિસ્તરણ થતું જશે તેમ તેમ તેમાં સક્રિય ભાગ લેનાર દેશો વૈશ્વિકીકરણના વધુ લાભ મેળવી શકશે. એ દૃષ્ટિએ વિચારતાં સ્ટિગ્લિટ્ઝ પણ ઍડમ સ્મિથ જેવા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જેમ મુક્ત અર્થતંત્રને લગતી વિચારસરણીના હિમાયતી ગણાય.
વૈશ્વિકીકરણ અંગેના તેમના ગ્રંથ ‘ગ્લોબલાઇઝેશન ઍન્ડ ઇટ્સ ડિસ્કન્ટેન્ટ્સ’નો વિશ્વની પાંત્રીસ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે અને વર્ષ 2007 સુધી તેની દસ લાખ નકલો વેચાઈ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે