સ્ટિગ્લર, જૉર્જ જે. (જ. 17 જાન્યુઆરી 1911, રેન્ટન, વૉશિંગ્ટન, અમેરિકા; અ. 1 ડિસેમ્બર 1991, શિકાગો, ઇલિનોય, અમેરિકા) : વર્ષ 1982ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. તેમણે 1931માં વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની પદવી લીધા બાદ 1932માં નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી વ્યવસ્થાપનક્ષેત્રની પદવી તથા 1938માં શિકાગો યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. 1936–1938ના બે વર્ષના ગાળામાં તેમણે આયોવા સ્ટેટ કૉલેજમાં, 1938–1946 દરમિયાન મિનેસોટા યુનિવર્સિટીમાં, 1946–47માં બ્રાઉન યુનિવર્સિટીમાં, 1947–1958 દરમિયાન કોલંબિયા યુનિવર્સિટીમાં અને 1958થી નિવૃત્તિ સુધી શિકાગો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયનું શિક્ષણકાર્ય કર્યું હતું. 1963થી તેમણે ચાર્લ્સ આર. વાલગ્રીન ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ પ્રોફેસર ઑવ્ અમેરિકન ઇન્સ્ટિટ્યૂશન્સના પદ પર કામ કર્યું હતું અને 1981માં તેમને સન્માનનીય પ્રોફેસર(emeritus professor)નું પદ આપવામાં આવ્યું હતું. 1977માં તેમણે શિકાગો ખાતે ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑવ્ ધ ઇકૉનૉમી ઍન્ડ ધ સ્ટેટ’ નામના સંશોધનકેન્દ્રની સ્થાપના કરી હતી.

અર્થશાસ્ત્રમાં તેમનું પ્રદાન બે પ્રકારનું છે : (1) કાર્યક્ષમ બજારની પ્રક્રિયાઓમાં માહિતીના અર્થશાસ્ત્રના ફાળાનું વિશ્લેષણ જેને ‘ઇકૉનૉમિક્સ ઑવ્ ઇન્ફર્મેશન’ તરીકે ઓળખવામાં આવે છે. (2) બજારના નિયંત્રણ અને નિયમનનાં પરિણામોનું અધ્યયન. આ અંગે તેમણે તેમના અભ્યાસમાંથી એવું તારણ કાઢ્યું છે કે બજારનું નિયમન કરવાના પ્રયાસો કોઈ ખાસ અસરો ઉપજાવતા નથી; એટલું જ નહિ, પરંતુ બજારનું નિયમન ઉપભોક્તાઓનાં હિતોને નુકસાનકારક નીવડે છે.

જૉર્જ જે. સ્ટિગ્લર

અર્થશાસ્ત્ર વિષય પર તેમણે વિપુલ ગ્રંથરચના કરી છે, જેમાં નોંધપાત્ર છે : (1) ‘ધ થિયરી ઑવ્ પ્રાઇસ’ (1942), ‘અ ટેક્સ્ટ-બુક ઑવ્ માઇક્રોઇકૉનૉમિક્સ’; ‘ધી ઇન્ટલેક્ટ્યુઅલ ઍન્ડ ધ માર્કેટ પ્લેસ’ (1964); ‘એસેઝ ઇન ધી હિસ્ટરી ઑવ્ ઇકૉનૉમિક થૉટ’ (1965), ‘ધ સિટિઝન ઍન્ડ ધ સ્ટેટ’ (1975) તથા ‘ધી ઇકૉનૉમિસ્ટ એઝ પ્રીચર, ઍન્ડ અધર એસેઝ’ (1982).

બજારની પ્રક્રિયાઓના સંદર્ભમાં તેમણે કરેલ બિનરૂઢિચુસ્ત અને ભેદક સંશોધન તથા સરકાર દ્વારા લાદવામાં આવતાં આર્થિક નિયંત્રણોની અસરો પર તેમણે પાડેલ પ્રકાશ માટે તેમને 1982નું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે