સ્ટાર વૉર્સ (star wars) : અમેરિકાનો અંતરીક્ષસ્થિત સંરક્ષણ-કાર્યક્રમ. મૂળભૂત રીતે Space-based Missile Defence System (BMD) એટલે કે પ્રક્ષેપાસ્ત્રોના આક્રમણ સામે સંરક્ષણ મેળવવાનો તેનો હેતુ હતો. આ કાર્યક્રમ Strategic Defence Initiative (વ્યૂહાત્મક સંરક્ષણ અભિગમ) અથવા ‘સ્ટાર વૉર્સ’ના લોકપ્રિય નામથી જાણીતો બન્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત કરાવતાં 23 માર્ચ 1983ના રોજ અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રીગને અમેરિકન ટેલિવિઝન ઉપર આપેલા ભાષણમાં કહ્યું હતું કે ‘‘જે અમેરિકન વૈજ્ઞાનિકોએ આપણને ન્યૂક્લિયર શસ્ત્રોની ભેટ આપી છે એ જ વૈજ્ઞાનિકોને હું અપીલ કરું છું કે માનવજાતના રક્ષણ અને વિશ્વશાંતિ માટે હવે તેઓ તેમની શક્તિ આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્રો(Inter-continental Ballistic Missiles – ICBM)ના સંભવિત આક્રમણ અંગે અંતરીક્ષસ્થિત સાધનો વડે આગોતરી માહિતી મેળવીને એ પ્રક્ષેપાસ્ત્રો લક્ષ્ય સુધી પહોંચે તે પહેલાં જ સ્વયંસંચાલિત સાધનો વડે તેમને નષ્ટ કરીને નાકામયાબ બનાવી દેવા માટે અગ્રિમ ટૅક્નૉલૉજીનો વિકાસ કરે.’’

સ્ટાર વૉર્સ કાર્યક્રમમાં વાતાવરણસ્થિત પારરક્ત દૂરબીનો તથા રડારતંત્રની મદદથી પ્રક્ષેપાસ્ત્રોનું પગેરું શોધવા માટે આવશ્યક ટૅક્નૉલૉજી વિકસાવવામાં આવી હતી. આ ઉપરાંત કમ્પ્યૂટર નિયંત્રિત શક્તિશાળી લેસરકિરણો પ્રવેગિત પ્રોટૉન/ઇલેક્ટ્રૉન અથવા તટસ્થ હાઇડ્રોજન પરમાણુઓના જોરદાર મારાથી પ્રક્ષેપાસ્ત્રોને નષ્ટ કરવાં તથા આક્રમણ કરતાં પ્રક્ષેપાસ્ત્રોની ગરમીને અનુસરીને તેમનો નાશ કરે તેવાં પ્રતિપ્રક્ષેપકો અંગેની ટૅક્નૉલૉજીના વિકાસ અંગે ઘણું સંશોધન કાર્ય કરવામાં આવ્યું હતું. કાંઈક અંશે અશક્ય લાગતા આ કાર્યક્રમ પાછળ અમેરિકાએ અઢળક ખર્ચ કર્યો હતો.

ઘણા વૈજ્ઞાનિકો, જુદાં જુદાં રાજકીય વર્તુળો તથા જનમાધ્યમો દ્વારા સ્ટાર વૉર્સના કાર્યક્રમની આકરી ટીકા પણ થઈ હતી; કારણ કે વિનાશકારી લેસરયંત્રો પૃથ્વીની વસ્તી માટે ઘણાં જોખમી હોય છે.

પરંતપ પાઠક