સ્ટાર ઑવ્ સાઉથ આફ્રિકા : દક્ષિણ આફ્રિકામાંથી મળેલો તત્કાલીન સર્વપ્રથમ મોટા કદનો હીરો. 1869માં ઑરેન્જ નદીકાંઠેથી ત્યાંના વતની એક ભરવાડના છોકરાને મળેલો, તેણે તે હીરો બોઅર વસાહતીને 500 ઘેટાં, 10 બળદ અને 1 ઘોડાના બદલામાં વેચેલો. મૂળ સ્થિતિમાં તેનું વજન 84 કૅરેટ હતું. તે પછીથી તેને કાપીને 48 કૅરેટનો બનાવાયેલો. આ મોટા કદના હીરાના સમાચાર યુરોપ પહોંચતાંની સાથે તુરત જ હીરાઓ લેવા-મેળવવા માટેનો ધસારો (diamond rush) શરૂ થયેલો. ડડલીના અર્લે તે ખરીદેલો, તે પરથી તેનું નામ ‘ડડલી હીરો’ પડેલું છે.

ક્યુલિનન હીરામાંથી કાપીને બનાવેલા ‘સ્ટાર ઑવ્ આફ્રિકા’ નામના ઘણા મોટા કદના હીરા સાથે લગભગ સરખા નામવાળા આ હીરાને ગણવાની ભૂલ ન થાય એ ઇષ્ટ છે.

સ્ટાર ઑવ સાઉથ : બ્રાઝિલમાંથી મળેલો 129 કૅરેટનો શ્વેતરંગી, પરંતુ ગુલાબી આભા દર્શાવતો મોટા કદનો હીરો. મૂળ કુદરતી સ્થિતિમાં મળેલો ત્યારે તેનું વજન 262 કૅરેટ હતું. 1853માં મિનાસ જેરાઇસ રાજ્યમાંની બૅગાજેમ નદીમાંથી એક ગુલામ સ્ત્રીને તે મળી આવેલો. આ હીરાના બદલામાં તેને ઇનામ તરીકે ગુલામીમાંથી મુક્તિ તેમજ નિવૃત્તિવેતન અપાયેલું.

ગિરીશભાઈ પંડ્યા