સ્ટાર વૉર્સ : વિજ્ઞાનકથા ચલચિત્ર-શ્રેણી. 1977માં આ શ્રેણીનું ‘સ્ટાર-વૉર્સ’ (દિગ્દર્શન અને લેખન : જ્યૉર્જ લુકાસ) નામે પ્રથમ ચિત્રનિર્માણ પામ્યું હતું. તેણે ચલચિત્રોની સફળતાના નવા માપદંડ સર્જી દીધા હતા. આ શ્રેણીનાં છ ચિત્રો 1977થી 2005 સુધીનાં 28 વર્ષના સમયગાળામાં આવ્યાં, પણ તમામ ચિત્રોને જબરદસ્ત વ્યાવસાયિક સફળતા મળી હતી. 1977માં સાડા અગિયાર કરોડ ડૉલરના ખર્ચે ‘સ્ટાર વૉર્સ’નું નિર્માણ થયું હતું. એ વખતે દુનિયાનું તે સૌથી ખર્ચાળ ચિત્ર બની રહ્યું હતું, પણ તેમાં સ્પેશિયલ ઇફેક્ટ્સનો જે મોટા પાયે ઉપયોગ કરાયો હતો, તેણે આવાં ચિત્રોનો એક નવો પ્રવાહ ઊભો કરી દીધો હતો.
1970 અને 1980ના દાયકામાં ટી.વી. અને વીડિયોના ભારે આક્રમણને કારણે હૉલિવૂડની સ્થિતિ ભારે કફોડી થઈ ગઈ હતી અને મોટા પડદા તરફ પ્રેક્ષકોને વાળવા શું કરવું એ કોઈને સૂઝતું નહોતું ત્યારે એક યુવાન દિગ્દર્શકે પોતાની કલ્પનાશીલતાનો પરિચય આપીને એવાં ચિત્રો બનાવ્યાં, જે 70 એમ.એમ.ના મોટા પડદા પર જોવાની મજા માણી શકાય. પ્રેક્ષકોને એક કલ્પનાલોકમાં લઈ જતી આ શ્રેણીના પ્રથમ ચિત્રનો પ્રારંભ ‘ઘણા લાંબા સમય પૂર્વે દૂર દૂરના અંતરીક્ષમાં…’ આ અધૂરા વાક્ય સાથે થયો. હૉલિવૂડમાં કોઈ ચિત્રનો બીજો કે ત્રીજો ભાગ બને એ નવાઈની વાત નથી, પણ મોટા ભાગે તો જેમ જેમ શ્રેણી આગળ વધતી જાય તેમ તેમ વાર્તા આગળ વધતી જતી હોય, પરંતુ ‘સ્ટાર વૉર્સે’ તેમાં પણ નવો ચીલો પાડ્યો છે. ‘સ્ટાર વૉર્સ’ શ્રેણીના જે છ ભાગ બન્યા તેમાં પહેલાં ચોથો, પાંચમો અને છઠ્ઠો ભાગ બનાવાયો અને તે પછી પહેલો, બીજો અને ત્રીજો ભાગ બનાવાયા.
‘સ્ટાર વૉર્સ’ શ્રેણી અંતરીક્ષમાં સર્વોપરીતા મેળવવા માટેના ભાવિ યુદ્ધની કલ્પનાની એક સુદીર્ઘ સાંકળ છે. શ્રેણીનું પ્રથમ ચિત્ર 1977માં ‘સ્ટાર વૉર્સ’ પ્રદર્શિત થયા બાદ 1980માં ‘ધ એમ્પાયર સ્ટ્રાઇક બૅક’-(દિગ્દર્શક : ઇરવિન કર્શનર, કથા : જ્યૉર્જ લુકાસ, પટકથા : લે બ્રૅકેટ)નું નિર્માણ થયું હતું. એ પછી 1983માં ‘રિટર્ન ઑવ્ જેડાઈ’ (દિગ્દર્શક : રિચાર્ડ માકર્વોડ, કથા : જ્યૉર્જ લુકાસ, પટકથા : લૉરેન્સ કેસડન) બન્યું. દિગ્દર્શક લુકાસે તે પછી જે ત્રણ ચિત્રો બનાવ્યાં તેને ‘એપિસોડ’ તરીકે જુદાં નામ આપ્યાં. ચોથા ચિત્રને તેમણે ત્રણેય મૂળ ચિત્રોની ‘પૂર્વકથા’ (પ્રિક્વલ) તરીકે રજૂ કર્યું હતું. પ્રથમ ચિત્રમાં જે ઘટનાઓનું નિરૂપણ કરાયું હતું તે પહેલાંના સમયગાળાની આ ચિત્રમાં વાત કરાઈ હતી. એ પછી ‘એપિસોડ ટુ’ અને ‘એપિસોડ થ્રી’ નામે બીજાં બે ચિત્રો બનાવાયાં હતાં.
સળંગ વાર્તા તરીકે શ્રેણીનું પહેલું ચિત્ર 1999માં ‘એપિસોડ વન – ધ ફૅન્ટમ મિનેસ’ (દિગ્દર્શન અને કથા : ‘જ્યૉર્જ લુકાસ’) નામે પ્રદર્શિત થયું હતું. આ પહેલા ચિત્રમાં વાર્તાની માંડણી એ રીતે થાય છે કે એક અમાપ અંતરીક્ષના એક કાલ્પનિક ગ્રહમાં રહેતા લોકોને ટ્રેડ ફેડરેશનના લાલચુ સભ્યો તરફથી ખતરો છે. આ ગ્રહ પર જેડાઈ નામની યુદ્ધકળામાં પારંગત સરદારોમાંનો એક ક્યુઈ ગોન જીન અને તેનો બટકો સાથી ઓબી-વાન કૅનૉબી સાથે મળીને ટ્રેડ ફેડરેશનને હરાવી દે છે, પણ આ યુદ્ધમાં ક્યુઈ ગોન શહીદ થાય છે. એ પછી ઓબીવાન કૅનૉબી પોતે જેડાઈ બને છે અને તે એનાકિન સ્કાયવૉકર નામના એક ગુલામ તરીકે રખાયેલ છોકરાને જેડાઈ બનવાની તાલીમ આપે છે.
સ્ટાર વૉર્સ ચલચિત્રનું દૃશ્ય
શ્રેણીના બીજા ચિત્ર ‘એપિસોડ ટુ – એટૅક ઑવ્ ધ ફ્લોન્સ’ (દિગ્દર્શક અને કથા : જ્યૉર્જ લુકાસ) 2002માં પ્રદર્શિત થયું હતું. ગુલામ એનાકિન હવે યુદ્ધકળાની તાલીમ લઈ ચૂક્યો છે. તાલીમ આપનાર ઓબી-વાન તેને રાણી એમિડાલાનો અંગરક્ષક બનાવે છે; પણ વાર્તામાં કાઉન્ટ ડુકુ નામનો એક ખલનાયક પણ છે. તે રાણી, ઓબી અને એનાકિન – આ ત્રણેયને પકડીને તેમને દેહાંતદંડની સજા આપે છે. બીજી બાજુ યોદા નામનો એક જેડાઈ નિષ્ણાત ક્લોન સૈનિકોની એક સેના તૈયાર કરે છે અને તેમની મદદથી હુમલો કરીને ડુકુના કબજામાંથી રાણી, ઓબી અને એનાકિનને મુક્ત કરાવે છે.
2005માં શ્રેણીનું આખરી ચિત્ર અને સળંગ વાર્તાની દૃષ્ટિએ ત્રીજું ચિત્ર ‘એપિસોડ થ્રી રિવેન્જ ઑવ્ ધ સિથ’ (દિગ્દર્શક અને કથા : જ્યૉર્જ લુકાસ) રજૂ થયું હતું. એક સમયના ગુલામ પણ જેડાઈ નિષ્ણાત બની ગયેલા એનાકિને રાણી એમિડાલા સાથે લગ્ન કરી લીધાં છે; પણ ભાગલાવાદીઓની લાલચમાં તે આવી જાય છે. તે સેનેટર પેલ્પાટાઇન સાથે ભળીને જેડાઈ યોદ્ધાઓનો ખાતમો બોલાવે છે. એ પછી તે ડાર્થ વેડાર નામના સરદાર તરીકે પોતાની નવી ઓળખ ઊભી કરે છે. બીજી બાજુ રાણી એમિડાલા જોડિયાં બાળકો – એક પુત્ર ને એક પુત્રી ને જન્મ આપીને મરણ પામે છે.
1977માં શ્રેણીનું પહેલું ચિત્ર ‘સ્ટાર વૉર્સ’ પ્રદર્શિત થયું હતું, તેનો પૂર્વાર્ધ આ ત્રણ ચિત્રોમાં નિરૂપાયો હતો. ‘સ્ટાર વૉર્સ’ને નવું નામ અપાયું હતું ‘એપિસોડ ફૉર – એ ન્યૂ હોપ’. મૃત્યુ પામી ચૂકેલી રાણી એમિડાલા અને એનાકિનનાં બે સંતાનો – પુત્ર લ્યુક સ્કાયવૉકર અને પુત્રી લિયા હવે મોટાં થઈ ગયાં છે. જોકે તેમનો ઉછેર અલગ અલગ કરવામાં આવ્યો છે. લિયા જે ગ્રહ પર રહે છે તેને ડાર્થ વેડારે મોકલેલા ડેથસ્ટાર નામનું એક સ્પેસશિપ ખતમ કરી નાંખે છે, પણ આ સમાચાર લ્યુક અને ઓબી-વાનને મળતાં જ તેઓ તરત ત્યાં પહોંચી જાય છે અને તેઓ લિયાને બચાવી લે છે; પરંતુ આ યુદ્ધમાં તેમને સૌથી મોટી હાનિ એ થાય છે કે ડાર્થ વેડાર ભાગતી વખતે છેલ્લી ઘડીએ ઓબી-વાનને ખતમ કરી નાંખે છે. પાંચમા ચિત્ર ‘એમ્પાયર સ્ટ્રાઇક બૅક’માં લિયા એક યુવાન હાન સોલોના પ્રેમમાં છે. તે બંને પોતાના ભાઈ લ્યુક સાથે જે ગ્રહ પર રહે છે તે ગ્રહ બરફનો છે. આ બરફના ગ્રહ પર ડાર્થનું લશ્કર આક્રમણ કરે છે. તેઓ આ હુમલાને ખાળી શકતાં નથી. હાન અને લિયાને નાસી જવું પડે છે; જ્યારે લ્યુક હવે જેડાઈ બનવાની તાલીમ લેવા યોદા પાસે જાય છે. વાર્તાની દૃષ્ટિએ શ્રેણીના અંતિમ ચિત્ર ‘રિટર્ન ઑવ્ ધ જેડાઈ’માં લ્યુક જેડાઈ બની ચૂક્યો છે. તે હાનને બચાવી લે છે; પણ ત્યાં સુધી લ્યુકને ખબર નથી કે લિયા તેની પોતાની સગી બહેન છે. આ માહિતી તેને યોદા અને ઓબીનું ભૂત આપે છે. તેમને એ પણ જાણ થાય છે કે હવે ડાર્થ વેડાર બની ગયેલા એનાકિન એમના પિતા છે. જોકે યુદ્ધમાં બાપ-દીકરાને સામસામે આવી જવું પડે છે; પણ અંતે પિતાને ભાન થાય છે કે પોતે શું કરી રહ્યો છે. તે આ યુદ્ધમાં દીકરાના પક્ષે આવી જાય છે અને એમ્પાયર સામે યુદ્ધ લડે છે. આ યુદ્ધમાં અંતે તે શહીદ થાય છે.
1977માં નિર્માણ પામેલા અને 1997માં પુન:પ્રદર્શિત કરાયેલા ચિત્ર ‘સ્ટાર વૉર્સ’માં એવી આધુનિક ટૅક્નીકો અને સ્પેશિયલ ઇફેક્ટનો ઉપયોગ કરાયો હતો કે એ પહેલાં પડદા પર એવું કદી લોકોને જોવા મળ્યું નહોતું. ‘સ્ટાર વૉર્સ’ને આઠ ઑસ્કાર નામાંકન મળ્યાં હતાં, જે પૈકી શ્રેષ્ઠ કલાનિર્દેશન, ધ્વનિ, સંગીત, પોશાકો, સંપાદન અને વિઝ્યુઅલ ઇફેક્ટ માટેના ઑસ્કાર મેળવ્યા હતા. ‘ધ એમ્પાયર સ્ટ્રાઇક બૅક’ને ત્રણ ઑસ્કાર-નામાંકન મળ્યાં હતાં, જે પૈકી શ્રેષ્ઠ ધ્વનિ માટે ઑસ્કાર મળ્યો હતો.
હરસુખ થાનકી