સ્ટાઇન્બર્ગ, વિલિયમ (Steinberg, William) (જ. 1 ઑગસ્ટ 1899, કોલોન (Cologne), જર્મની; અ. 16 મે 1978, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : અમેરિકન સંગીતકાર અને સંગીત-સંચાલક.
કોલોન ઑપેરા કંપનીના સંચાલક ઑટો ક્લેમ્પરરના મદદનીશ તરીકે સ્ટાઇન્બર્ગે સંગીત-સંચાલકની કારકિર્દીનો આરંભ કર્યો. 1924માં સ્ટાઇન્બર્ગ કોલોન ઑપેરાના મુખ્ય સંચાલક બન્યા. 1925થી 1929 સુધી તેમણે પ્રાગ (Prague) ઑપેરા કંપનીના અને 1929થી 1933 સુધી ફ્રૅન્કફર્ટ ઑપેરા કંપનીના સંચાલક તરીકે કામ કર્યું. 1936માં તેમણે બ્રૉનિસ્લાવ હુબેર્માનની સાથે ‘પૅલેસ્ટાઇન સિમ્ફની ઑર્કેસ્ટ્રા’ની સ્થાપના કરી. પછીથી આ વાદ્યવૃંદનું નામ બદલીને ‘ઇઝરાયલ ફિલ્હાર્મોનિક ઑર્કેસ્ટ્રા’ કરવામાં આવ્યું.
વિલિયમ સ્ટાઇન્બર્ગ
1938માં અમેરિકા જઈને સ્ટાઇન્બર્ગે નૅશનલ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશનના સિમ્ફની ઑર્કેસ્ટ્રામાં સંચાલક આર્તુરો તોસ્કાનિનીના સહાયક તરીકે કામ શરૂ કર્યું. ત્યાર બાદ થોડો વખત પિટ્સબર્ગ સિમ્ફની ઑર્કેસ્ટ્રાના સંચાલક તરીકે કામ કર્યા પછી 1958થી 1960 સુધી તેઓ લંડન ફિલ્હાર્મોનિક ઑર્કેસ્ટ્રાના સંચાલક બની રહ્યા. ત્યાર બાદ 1969થી 1972 દરમિયાન એ બૉસ્ટન સિમ્ફની ઑર્કેસ્ટ્રાના સંચાલક બન્યા અને એ પછી 1972થી 1976 સુધી તેઓ પિટ્સબર્ગ સિમ્ફની ઑર્કેસ્ટ્રાના મુખ્ય સંચાલક બન્યા. આમ આધુનિક અમેરિકામાં પ્રશિષ્ટ સંગીતના એક અગત્યના પ્રસારક તરીકે તેમણે અવિરત સેવાઓ આપી છે.
અમિતાભ મડિયા