સ્ટાઇનબર્ગર, જૅક (Steinberger, Jack) (જ. 25 મે, 1921, બાડ કિસિંગન, જર્મની; અ. 12 ડિસેમ્બર, 2020, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : ન્યુટ્રિનો પુંજ કાર્યપદ્ધતિ માટે તથા મ્યુઑન ન્યુટ્રિનોની શોધ દ્વારા લેપ્ટૉનના યુગ્મમાળખા(જોડકા)નો પ્રયોગો દ્વારા નિર્દેશ કરવા માટે 1988નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. મેલ્વિન શ્વૉર્ટ્ઝ અને લેડરમૅન લિયૉન મૅક્સ સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો (અથવા વિભાજિત થયો હતો).
1934ની સાલમાં જર્મનીમાં નાઝીઓના અત્યાચારથી બચવા માટે જૅક સ્ટાઇનબર્ગર યહૂદી (જ્યૂઈશ) નિરાશ્રિત તરીકે અમેરિકા ગયા. તે સમયે શિકાગોની આર્મર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં ઇજનેરી શાખામાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ અમેરિકન સૈન્યમાં જોડાયા અને તે દ્વારા તેમને એમ.આઈ.ટી. (MIT) રેડિયેશન લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેમણે ભૌતિકશાસ્ત્રમાં રસ કેળવ્યો. ત્યાર બાદ શિકાગોમાં પીએચ.ડી.ના અભ્યાસ માટે કૉસ્મિક કિરણોમાં રહેલાં મ્યુઑન પર સંશોધન કર્યાં અને પુરવાર કર્યું કે મ્યુઑનનો ક્ષય એક ઇલેક્ટ્રૉન તથા બે ન્યુટ્રિનોમાં થાય છે. તે પછી તેમણે યુનિવર્સિટી ઑફ બર્કલી, કૅલિફૉર્નિયામાં એક વર્ષ કામ કર્યું અને 1950માં તેઓ યુનિવર્સિટી ઑફ કોલમ્બિયામાં જોડાયા, જ્યાં તેમણે લેડરમૅન અને શ્વોર્ટ્ઝ સાથે મ્યુઑન ન્યુટ્રિનોની શોધ કરી. 1968માં તેઓ CERN (જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ)માં જોડાયા અને 1986માં નિવૃત્ત થયા પછી પણ અહીં કાર્યરત રહ્યા હતા.
જ્યારે કેટલાક મૂળભૂત કણોનો ક્ષય થાય છે ત્યારે ન્યુટ્રિનો ઉત્પન્ન થાય છે – ન્યુટ્રિનો દ્રવ્ય સાથે પ્રક્રિયા કરીને ઇલેક્ટ્રૉન ઉત્પન્ન કરે છે. લિયૉન લેડરમૅન, મેલ્વિન શ્વોર્ટ્ઝ અને જૅક સ્ટાઇનબર્ગરે અધિક ઊર્જા ધરાવતા પ્રવેગકના ઉપયોગથી ન્યુટ્રિનો પુંજ ઉત્પન્ન કર્યો. 1962માં તેમણે શોધ કરી કે કેટલીક ઘટનાઓમાં ઇલેક્ટ્રૉન ઉત્પન્ન થવાને બદલે મ્યુઑન (કે જે ઇલેક્ટ્રૉન કરતાં 200 ગણો વધુ વજનદાર છે) તે ઉત્પન્ન થાય છે, જે એક નવા પ્રકારના ન્યુટ્રિનો – મ્યુઑન ન્યુટ્રિનોના અસ્તિત્વને પુરવાર કરે છે. આ કણો, જે સામૂહિક રીતે ‘લેપ્ટૉન’ કહેવાય છે. તેમનું પદ્ધતિસર વર્ગીકરણ થાય છે.
પૂરવી ઝવેરી