સ્ટર્ન, ઑટો (જ. 17 ફેબ્રુઆરી 1888, સોહરાઉ (Sohrau), અપર સિલેસિયા, જર્મની (હવે ઝોરી, પોલૅન્ડ); અ. 17 ઑગસ્ટ 1969, બર્કલી, કૅલિફૉર્નિયા) : આણ્વિક-કિરણ-પદ્ધતિના વિકાસમાં આપેલ ફાળા તથા પ્રોટૉનની ચુંબકીય ચાકમાત્રા(magnetic moment)ની શોધ બદલ 1943ના વર્ષે ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન વિજ્ઞાની.

ઑટો સ્ટર્ન

1892માં તે પોતાનાં માતા-પિતા સાથે બ્રેસ્લૌ (Breslau) ગયા. ત્યાં રહીને શાલેય શિક્ષણ મેળવ્યું. 1906માં ભૌતિક-રસાયણવિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો. 1912માં બ્રેસ્લૌ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તે જ વર્ષે તેઓ પ્રાગ યુનિવર્સિટીમાં આઇન્સ્ટાઇન સાથે જોડાયા. તે પછી તે ઝુરિક યુનિવર્સિટીમાં ગયા. ત્યાં તે 1913માં EidgenÖssische Technische Hochschule ખાતે ભૌતિક–રસાયણવિજ્ઞાનના Privatdocent બન્યા.

1914માં ફ્રેન્કફર્ટ યુનિવર્સિટીમાં રહી તેમણે 1921 સુધી સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કર્યું. આ સમય દરમિયાન કેટલોક સમય લશ્કરમાં સેવાઓ આપવી પડી. 1921–22માં તેઓએ રોસ્તોક (Rostock) યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનના સંલગ્ન (associate) પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1923માં હેમ્બર્ગ યુનિવર્સિટીમાં ભૌતિક –રસાયણવિજ્ઞાનના પ્રાધ્યાપક અને પ્રયોગશાળાના નિયામક તરીકે જોડાયા. અહીં તે 1933 સુધી રહ્યા. તે જ વર્ષે તે અમેરિકા ગયા અને કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(પિટ્સબર્ગ)માં સંશોધન પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1945 સુધી ત્યાં રહીને સંશોધનકાર્ય કર્યું. ત્યાર બાદ તે ત્યાં જ પ્રતિષ્ઠિત (emeritus) પ્રાધ્યાપક બન્યા.

કારકિર્દીના પ્રારંભે તેમણે સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન-ખાસ કરીને ઉષ્માયાંત્રિકી (thermodynamics) અને ક્વૉન્ટમ સિદ્ધાંત ઉપર મહત્વના સંશોધન-લેખો પ્રગટ કર્યા. 1919 પછી તેઓ પ્રાયોગિક સંશોધનક્ષેત્ર તરફ વળ્યા. તેમણે વિકસાવેલી આણ્વિક-કિરણાવલી પદ્ધતિ અણુઓ, પરમાણુઓ અને પારમાણ્વિક ન્યૂક્લિયસના ગુણધર્મો જાણવા મહત્વની પુરવાર થઈ. વાયુઓ માટે મૅક્સવેલના વેગ-વિતરણના નિયમનની ચકાસણી કરવા આ પદ્ધતિ પ્રથમ વાર પ્રયોજાયેલી. ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને પરમાણુઓના આવર્તનને લગતા ગલાર્કના કાર્યમાં સહયોગ આપી પ્રોટૉન જેવા પેટાકણની ચુંબકીય ચાકમાત્રાનું માપન કર્યું. હાઇડ્રોજન અને હીલિયમના બીમનો ઉપયોગ કરીને તેમણે વ્યતિકરણ(inter-ference)નું નિર્દેશન કરી બતાવ્યું. તે રીતે અણુ અને પરમાણુઓની તરંગ પ્રકૃતિને સ્પષ્ટ કરી બતાવી.

1930માં સ્ટર્નને કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલી)એ એલએલ.ડી.ની ઉપાધિ આપી તે યુ.એસ.ની નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીસ, અમેરિકન ઍસોસિયેશન ફૉર ધી ઍડવાન્સમેન્ટ ઑવ્ સાયન્સ અને ફિલૉસૉફિકલ સોસાયટીના સભ્ય છે. રૉયલ ડેનિસ એકૅડેમી ઑવ્ સાયન્સીસનું વિદેશી સભ્યપદ પણ ધરાવતા હતા.

પ્રહલાદ છ. પટેલ