સ્ટર્ન ઇર્મા (Stern Irma)
January, 2009
સ્ટર્ન, ઇર્મા (Stern, Irma) (જ. 1894, ટ્રાન્સવાલ, દક્ષિણ આફ્રિકા; અ. 1966, કેપટાઉન) : દક્ષિણ આફ્રિકન મહિલા-ચિત્રકાર. એમનું બાળપણ જર્મનીમાં વીત્યું. જર્મનીમાં બર્લિન અને વાઇમાર ખાતેની કળાશાળાઓમાં તેમણે કળાનો અભ્યાસ કર્યો.
ઇર્મા સ્ટર્ન
1917માં જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર મૅક્સ પેખ્સ્ટીન સાથે તેમની મુલાકાત થઈ અને પરિણામે 1918થી 1920 સુધી તેમણે જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકારોનાં બર્લિન ખાતે યોજાતાં સમૂહકળાપ્રદર્શનોમાં ભાગ લીધો. 1927માં તેમણે દક્ષિણ આફ્રિકા પાછાં ફરી કેપટાઉનમાં વસવાટ શરૂ કર્યો. એમણે અભિવ્યક્તિવાદી ઢબે યુરોપિયન તેમજ આફ્રિકાના મૂળનિવાસી શ્યામરંગી માનવીઓનું આલેખન પોતાનાં ચિત્રોમાં કર્યું છે. દક્ષિણ આફ્રિકાના લોકો ઉપરાંત કૉન્ગો અને ઝાંઝીબારના હબસી લોકોનું તેમણે અત્યંત સહાનુકંપાપૂર્ણ આલેખન કર્યું છે. ‘ટુ હાર્લોટ્સ’ (1932) એમનું શ્રેષ્ઠ ચિત્ર ગણાય છે.
અમિતાભ મડિયા