સ્ટર્ક્યુલીઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલીએસી કુળની વૃક્ષ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધમાં – ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયામાં થયેલું છે. ભારતમાં તેની લગભગ 12 જેટલી જાતિઓ થાય છે. તે હિમાલયના પહાડી પ્રદેશોમાં તથા પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતનાં શુષ્ક કે અર્ધશુષ્ક વનોમાં મળી આવે છે. ગુજરાતમાં તેની બે જાતિઓ જોવા મળે છે : (1) Sterculia urens Roxb. (હિં. ગુલર, ગુલુ, કુલુ; મ. કરાઈ, કંડોલ; ગુ. કડાયો, કાગડોલ, કાંડોળી; તે. કાવીલી, તબ્સુ; ત. કાવાલમ, ક. કેમ્યુડલે; મલા. થોન્ડી), અને (2) S. villosa Roxb. (હિં. ઉડલ; મ. કુથાડા, સારદા; ગુ. ઉકલ; તે. કુમ્મારી-પોલીકી; ત. મુરાથ્થમ; ક. સવાયા, ચૌરી; મલા. વક્કા).
S. foetida Linn. (હિં., બં., મ. જંગલી બદામ; ગુ. પૂન; તે. ગુરાપા અથવા ગુટ્ટાપુબાડામુ; ત. પોટ્ટેઇકાવલમ; ક. ભાતાલા પેનારી; મલા. પોટ્ટેકાવલમ) મધ્યમ કદથી માંડી મોટું અને કેટલીક વાર 30 મી. જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરતું વૃક્ષ છે. તે પશ્ચિમના દરિયાકિનારા ઉપર કોંકણથી દક્ષિણ તરફ જોવા મળે છે. તેની છાલ સફેદ રંગની અને પતરીવાળી હોય છે. પર્ણો સંયુક્ત પંજાકાર, શાખાને છેડે એકત્રિત થયેલાં, પર્ણિકાઓ 5થી 9, લગભગ અદંડી, લંબચોરસ–ભાલાકાર (oblong -lanceolate), 10 સેમી.થી 18 સેમી. × 4 સેમી.થી 5 સેમી. હોય છે. પુષ્પો આછાં નારંગી રંગનાં, 2.5 સેમી.થી 4.0 સેમી. વ્યાસ ધરાવતાં, દુર્ગંધવાળાં અને લઘુપુષ્પગુચ્છ-(panicle)માં ગોઠવાયેલાં હોય છે. ફળ એકસ્ફોટી (follicle) 1થી 5, લંબચોરસ, હોડી આકારનાં, 10 સેમી.થી 12 સેમી. લાંબાં, જાડાં, કાષ્ઠમય અને ચકચકિત લાલ રંગનાં હોય છે. બીજ 10થી 15, અંડાકાર, 2.0 સેમી. જેટલાં લાંબાં અને કાળાં હોય છે.
દક્ષિણ ભારતમાં રસ્તાની બંને બાજુએ તેને શોભાના વૃક્ષ તરીકે ઉગાડવામાં આવે છે. જોકે દુર્ગંધ મારતાં પુષ્પો તેનો ગેરલાભ છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા કે પાકી શાખાઓના રોપણ દ્વારા થાય છે. રોપાઓ પ્રથમ વરસાદમાં કોઈ પણ મુશ્કેલી સિવાય રોપી શકાય છે.
બીજ (વજન, 200 ગ્રા.થી 250 ગ્રા./100) કાચાં કે ભૂંજીને ખાવામાં આવે છે. જોકે તે વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો ઊબકા આવે છે અને ભારે રેચક તરીકે વર્તે છે અને ગર્ભપાત કરે છે. તેનું કોકો સાથે અપમિશ્રણ કરવામાં આવે છે. બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 35.6 %, પ્રોટીન 11.4 %, લિપિડ 35.5 % અને ખનિજ-દ્રવ્ય 2.4 %; કૅલ્શિયમ 33 મિગ્રા., ફૉસ્ફરસ 415 મિગ્રા., લોહ 1.7 મિગ્રા., મૅગ્નેશિયમ 274 મિગ્રા., પોટૅશિયમ 517 મિગ્રા., સલ્ફર 122 મિગ્રા., તાંબું 0.82 મિગ્રા., થાયેમિન 0.061 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.081 મિગ્રા., નિકોટિનિક ઍસિડ 1.1 મિગ્રા. અને વિટામિન ‘સી’ 5 મિગ્રા./100 ગ્રા..
બીજ 30 %થી 36 % (મીંજ, 26 %થી 29 %; બીજાવરણનું રસાળ મધ્યસ્તર 4 %થી 7 %) આછું-પીળું મેદીય તેલ ઉત્પન્ન કરે છે; જેની શુષ્કન શક્તિ ઓછી હોય છે. મીંજનું તેલ પ્રવાહી હોય છે; જ્યારે બીજાવરણના રસાળ સ્તરનું તેલ પોચા માખણ જેવું ઘન હોય છે. તેના બંધારણમાં સ્ટર્ક્યુલિક ઍસિડનું પ્રમાણ (71.8 %) પુષ્કળ હોય છે. તેથી તેલને 240° સે. તાપમાને ગરમ કરતાં તેનું બહુલીકરણ (polymerization) થાય છે અને ભારતીય રબર જેવું જેલી ઉત્પન્ન કરે છે; જેનો ઉપયોગ ભારતીય રબરના પ્રતિસ્થાપકો (substitutes) બનાવવામાં થાય છે. તેના બીજના તેલ અને ભિલામા(Semecarpus anacardium)ના કવચના તેલના શુષ્કન ગુણધર્મોનો સંયુક્ત ઉપયોગ કરી તે ઉષ્માસહ (heat proof) મીનાકારી(enamel)માં વપરાય છે. બીજનું તેલ રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવે છે; પરંતુ મોટે ભાગે તેનો ઉપયોગ દીવો સળગાવવામાં થાય છે. ઉદ્યોગોમાં સપાટી ઉપર આવરણ બનાવવા અને સાબુ બનાવવામાં તે ઉપયોગી છે. તે ખસ અને ખૂજલી ઉપર અને અન્ય ત્વચાના રોગો ઉપર લગાડવામાં આવે છે. તાજેતરમાં માતાનું દૂધ છોડેલ નર ઉંદરોને ખોરાકમાં મધ્યમસરનું તેલ આપતાં તેમની વૃદ્ધિ ઓછી થાય છે અને 5 % કે તેથી વધારે આપતાં મૃત્યુ પામે છે. મૃત્યુ તરફ દોરી જતાં લક્ષણો વિટામિન ‘બી’ની ન્યૂનતાથી ઉદભવતાં લક્ષણો જેવાં હોય છે.
તેનું કાષ્ઠ પીળાશ પડતા સફેદથી માંડી રતાશ પડતું બદામી હોય છે. તે સુરેખ-કણિકામય (straight-grained), સમ (even) અને બરછટ પોતવાળું, પોચું અને હલકું (વજન, આશરે 449 કિગ્રા./ઘનમી.) હોય છે. તે ખુલ્લામાં જલદીથી બગડી જાય છે; પરંતુ અંત:સ્થ કાર્ય માટે ટકાઉ હોય છે. તે સરળતાથી વહેરી શકાય છે અને પરિષ્કૃત કરી શકાય છે. કાષ્ઠનો ઉપયોગ સ્થાનિક રીતે હલકા બાંધકામમાં, હોડી, લશ્કર માટે આશ્રયસ્થાનો, હલકાં ખોખાં, ચા માટેની પેટીઓ અને સસ્તું પ્લાયવૂડ બનાવવામાં થાય છે.
છાલ અને પર્ણો મૃદુ વિરેચક (aperient) અને મૂત્રલ (diuretic) હોય છે. ફળોનો ક્વાથ શ્લેષ્મી અને સંકોચક (astringent) હોય છે. કાષ્ઠને બીજના તેલ સાથે ઉકાળતાં તેનો ઉપયોગ સંધિવામાં થઈ શકે છે. વૃક્ષના વિવિધ ભાગોમાં હાઇડ્રૉસાયેનિક ઍસિડ હોય છે. છાલ દોરડાં બનાવવાનો નબળો રેસો ઉત્પન્ન કરે છે. વૃક્ષ ગુંદર ઉત્પન્ન કરે છે, જે ટ્રૅગકૅન્થ જેવો હોય છે. તેનો પુસ્તકો બાંધવામાં ઉપયોગ થાય છે.
આકૃતિ 1 : કડાયો (Sterculia urens)
S. urens (કડાયો) મધ્યમ કદનું પર્ણપાતી (deciduous) વૃક્ષ છે અને 15.0 મી. સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તે બાહ્ય અને ઉપ-હિમાલયના વિસ્તારોમાં ગંગાથી પૂર્વ દિશામાં, ગુજરાત, રાજસ્થાન, મધ્ય ભારત, ડૅક્કન અને પશ્ચિમના દરિયાકિનારે કોંકણ અને ઉત્તર કાનડામાં થાય છે. તે મિઝોરમમાં લુશાઈની ટેકરીઓ પર પણ હોવાનું માલૂમ પડ્યું છે. છાલ ભૂખરી, સફેદ કે રતાશ પડતી અને લીસી હોય છે અને સપાટ કાગળના ટુકડાઓની જેમ છોલી શકાય છે. પર્ણો શાખાઓને છેડે એકત્રિત થયેલાં હોય છે. તેઓ પંજાકાર 5 ખંડી અને 20 સેમી.થી 30 સેમી. વ્યાસ ધરાવે છે. પુષ્પો લીલાશ પડતાં પીળાં, નાનાં અને અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે. ફળ એકસ્ફોટી 4થી 6, અંડાકાર, 2.5 સેમી. વ્યાસવાળાં, ચર્મિલ (coriaceous) અને લાલ હોય છે. તેઓ દંશી રોમ (stinging hair) વડે ઘેરાયેલાં હોય છે. બીજ 3થી 6, લંબચોરસ અને કાળાં હોય છે.
આકૃતિ 2 : કડાયો ગુંદર
કડાયા ગુંદર : આ ગુંદરને કેટલીક વાર ‘ઇન્ડિયન ટ્રૅગકૅન્થ’ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તે વ્યાપારિક અને ઔદ્યોગિક મહત્વ ધરાવે છે. તે Astragalus spp.માંથી પ્રાપ્ત થતા ટ્રૅગકૅન્થ ગુંદર સાથે ગુણધર્મો અને ઉપયોગ બાબતે સામ્ય ધરાવે છે અને તેનો ટ્રૅગકૅન્થ ગુંદરના પ્રતિસ્થાપક તરીકે અને અપમિશ્રક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ટ્રૅગકૅન્થ દક્ષિણ-પશ્ચિમ એશિયાઈ દેશોમાં થાય છે; જ્યારે કડાયા ગુંદર ભારતમાં થાય છે.
સમગ્ર વર્ષ દરમિયાન છાલમાંથી ગુંદર કુદરતી રીતે જ સ્રવે છે; પરંતુ મોટા ભાગનો ગુંદર છાલમાં કાપ મૂકીને કે છાલ ઉતારીને મેળવવામાં આવે છે. છાલમાં વરસાદ પહેલાં એપ્રિલથી જૂન સુધીમાં અને વરસાદ પછી ઑક્ટોબરથી જાન્યુઆરીમાં કાપ મૂકીને ગુંદર પ્રાપ્ત કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળો ગુંદર વરસાદ પહેલાં એકત્રિત થાય છે. તેનું ઉત્પાદન વધારે હૂંફાળા તાપમાનમાં વધે છે. દરેક પુખ્ત વૃક્ષ ગુંદરનું 5 કિગ્રા.થી 25 કિગ્રા. ઉત્પાદન કરે છે. ટેકરીઓના ઢોળાવો પર થતાં રાતી છાલ ધરાવતાં વૃક્ષો વધારે ગુંદર આપે છે.
કડાયા ગુંદર સ્રાવી ગુંદરોમાં સૌથી ઓછો જલદ્રાવ્ય ગુંદર છે. તેના કણો પાણીમાં મૂળ કદ કરતાં અનેકગણાં વધે છે અને આસંજક (adhesive) શ્લેષ્મી જથ્થો બનાવે છે. તે વધારે અણુભાર ધરાવતો જટિલ પૉલિસૅકેરાઇડ છે. તેનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 16.84 %, પ્રોટીન 0.63 %, લિપિડ 0.28 %, રેસો 0.41 %, ઍસિટાઇલ સમૂહ 6.72 %, યુરોનિક ઍસિડ 31.91 % અને ભસ્મ 5.92 %. તેના જલાપઘટન(hydrolysis)થી D-ગૅલેક્ચ્યુરોનિક ઍસિડ 43 %, D–ગૅલેક્ટોઝ 14 % અને L–રહેમ્નોઝ 15 % અને ઍસિટિક ઍસિડ જેવા ઘટકો ઉત્પન્ન થાય છે. ગુંદરના નમૂનામાં L–રહેમ્નોઝ, D–ગૅલેક્ટોઝ અને D–ગૅલેક્ચ્યુરોનિક ઍસિડનો આણ્વિક ગુણોત્તર 4 : 6 : 5 જેટલો હોય છે. ગુંદરમાં 12.3 % ફર્ફ્યુરાલ અને 1.74 મિગ્રા.થી 3.1 મિગ્રા. / 100 ગ્રા. રાઇબોફ્લેવિન હોય છે.
ઉપયોગ : 50 વર્ષ પહેલાં તેનો અપમિશ્રક તરીકે અને ટ્રૅગકૅન્થ ગુંદરના પ્રતિસ્થાપક તરીકે મોટે ભાગે ઉપયોગ થતો હતો; પરંતુ હાલમાં તેનો ઔદ્યોગિક રીતે ઉપયોગ થવા લાગ્યો છે. કેટલાક હેતુઓમાં તે ટ્રૅગકૅન્થ ગુંદર કરતાં વધારે સારો ગણાય છે. વસ્ત્ર-ઉદ્યોગમાં છાપકામની લુગદી બનાવવામાં તેનો પ્રગાઢક (thickening agent) તરીકે ઉપયોગ થાય છે. 15 %થી 18 % ઘન પદાર્થો ધરાવતું ગુંદરનું દ્રાવણ વસ્ત્ર-ઉદ્યોગમાં ઉપયોગી છે. તેનો ઔષધવિજ્ઞાનમાં દવાની ટીકડીઓ (lozenges), પાયસ (emulsions), લોશન (lotions), ફુહાર (sprays) અને મલમો બનાવવા માટે ઉપયોગ થાય છે. તે દંત-સ્થાપક (denture-fixative) પાઉડર અને રેચક બનાવવામાં ઉપયોગી છે. તે ગળાની તકલીફોમાં વપરાય છે. તેના સૌંદર્યપ્રસાધનની વસ્તુઓ બનાવવામાં ઘણા ઉપયોગો છે. કાગળ-ઉદ્યોગમાં તેનો માવાના બંધક તરીકે ઉપયોગ થાય છે. તે લાંબા રેસાવાળા, હલકા અને પાતળા કાગળો બનાવવામાં વપરાય છે. કાગળ અસામાન્યપણે દૃઢ અને લીસું ગઠન ધરાવે છે. ચર્મઉદ્યોગમાં સજાવટ સંઘટન(dressing composition)ના ઘટક તરીકે અને ટેનિન પ્રક્રિયાને વધારે ઝડપી બનાવે છે. બેકિંગ અને ડેરી ઉદ્યોગમાં ચૂર્ણિત ગુંદરનો તેની બંધન અને જલધારણશક્તિને કારણે સજાવટ, ચોપડવા માટે અને માંસની વાનગીઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ગિનિપિગ ઉપર કરેલા પ્રયોગો અનુસાર ગુંદર એલર્જી ઉત્પન્ન કરતો નથી.
રસકાષ્ઠ (sapwood) આછું ભૂખરું બદામી અને અંત:કાષ્ઠ (heartwood) રતાશ પડતું બદામી હોય છે. અંત:કાષ્ઠ સુરેખ-કણિકાયુક્ત, બરછટ પોતવાળું, પોચાથી માંડી મધ્યમસરનું કઠણ અને હલકું (વિ. ગુ. 0.59; વજન 609 કિગ્રા./ઘન મી.) હોય છે. તે ઉચ્ચતાપસહ (refractory) હોતું નથી. રસકાષ્ઠ સહેલાઈથી બગડે છે; પરંતુ અંત:કાષ્ઠ આવરણ હેઠળ સારા પ્રમાણમાં ટકાઉ હોય છે. કાષ્ઠ સહેલાઈથી વહેરી શકાય છે અને તેના પર ખરાદીકામ થઈ શકે છે. અંત:કાષ્ઠને પરિષ્કૃત કરી શકાય છે. તે પૉલિશ સારી રીતે ગ્રહણ કરી શકે છે. ચોથા ભાગનું વહેરતાં કિરણો આકર્ષક દેખાવ આપે છે. ઇમારતી કાષ્ઠનો રમકડાં, ગિટાર, ખોખાં, આશ્રયસ્થાનો, દીવાસળીની પેટીઓ, પૅન્સિલ, સિમેન્ટ બૅરલ, સ્લેટની ફ્રેમો વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. અંત:કાષ્ઠના ચોથા ભાગના વહેરેલા ટુકડાઓમાંથી નાની તકતીઓ (panels) બનાવવામાં આવે છે અને સારું ફર્નિચર બનાવવા આ તકતીઓ જડવામાં આવે છે.
કાષ્ઠમાંથી લગભગ 30.4 % જેટલો માવો બને છે; જેમાં 78.7 % a-સેલ્યુલોઝ હોય છે. કાષ્ઠનો સારા બળતણ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ઉષ્મીય માન (calorific value) : રસકાષ્ઠ 5,194 કૅલરી, 9,350 બી.ટી.યુ. (British thermal unit); અંત:કાષ્ઠ 5,744 કૅલરી, 10,339 બી.ટી.યુ..
ભૂંજીને કે રાંધીને બીજ દાળની જેમ ખાઈ શકાય છે. મીંજ (બીજનું 56.7 % વજન) કાર્બોદિતો 28 %, પ્રોટીન 35 % અને મેદીય તેલ 26 % ધરાવે છે. તેલ ખાદ્ય હેતુઓ માટે અને સાબુ બનાવવા માટે ઉપયોગી છે. S. foetidaમાં હોય છે તે સ્ટર્ક્યુલિક ઍસિડ કડાયાના તેલમાં હોતો નથી.
છાલના રેસાનો દોરડાં બનાવવામાં ઉપયોગ થાય છે. દૂધી(Lagenaria siceraria)ના વન્ય પ્રકારોમાંથી બનાવેલી સ્થાનિક પાણીની બૉટલોની ફરતે છાલનું આવરણ બનાવાય છે. કચરેલી છાલ સ્ત્રીઓને પ્રસૂતિ સરળતાથી થાય તે માટે આપવામાં આવે છે. તે ટેનિન ધરાવે છે. મૂળની છાલમાંથી સ્કોપોલેટિન અલગ કરવામાં આવે છે. પર્ણો અને કોમળ પ્રરોહોને પાણીમાં ભીંજવતાં શ્લેષ્મી નિષ્કર્ષ ઉત્પન્ન કરે છે; જે ઢોરોમાં પ્લુરોન્યુમોનિયા માટે ઉપયોગી છે. પર્ણોમાં વિટામિન ‘એ’ સારા પ્રમાણમાં હોય છે. તેઓનું પોષક મૂલ્ય ઊંચું હોવાથી ચારા તરીકે ઉપયોગી છે. કોમળ મૂળ રાંધ્યા પછી ખાઈ શકાય છે. બીજના પ્રોટીનમાંથી બનાવેલ ગુંદરનો ઉપયોગ પ્લાયવૂડ બનાવવા માટે આસંજક તરીકે થાય છે.
આયુર્વેદ અનુસાર તેનો ઉપયોગ અતિસાર, પ્રમેહ, ધાતુવિકાર, ગરમી, સ્ત્રીના રક્તસ્રાવ, ક્ષીણતા અને વાયુ ઉપર થાય છે.
S. balanghas Linn. (તા., મલા. કાવાલમ) નાનાથી માંડી મધ્યમ કદ ધરાવતું સદાહરિત, પહોળું વિસ્તરતું વૃક્ષ છે અને પશ્ચિમ ઘાટ, કેરળ અને તિરુનેવેલીમાં થાય છે. S. guttata Roxb. (મ. કુહાર, ગોલ્ડવા; ગુ. ગોલદડો; ત. કાવાલમ, થોન્ડી; મલા. કિથોન્ડી) મધ્યમ કદનું 18 મી.ની ઊંચાઈ સુધી પહોંચતું સુંદર વૃક્ષ છે. તે પશ્ચિમ ઘાટમાં કોંકણથી કેરળ સુધી અને આસામમાં થાય છે. S. villosa (ઉડલ) નાનાથી મધ્યમ કદનું ફેલાતું વૃક્ષ છે અને પર્ણપાતી વનોમાં આંદામાનમાં થાય છે. શુષ્ક પ્રદેશમાં ભાગ્યે જ જોવા મળે છે. અન્ય જાતિઓમાં S. indica syn. S. coccinea, S. parviflora syn. S. maingayi, S. roxburghii, S. rubiginosa, S. trichosiphon, S. colorata syn. Erythropsis colorata, S. alata syn. Pterygota alata, S. camanulataનો સમાવેશ થાય છે.
યોગેશ ડબગર
બળદેવભાઈ પટેલ