સ્ક્રીન : મુંબઈથી પ્રગટ થતું પૂર્ણ કદનું અખબાર-સ્વરૂપ ધરાવતું ફિલ્મ સાપ્તાહિક. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબાર જૂથના આ સાપ્તાહિકનો પ્રારંભ 1951ની 26મી સપ્ટેમ્બરે થયો હતો. સ્થાપક તંત્રી હતાં કેરળનાં એક વિદૂષી મનોરમા કાત્જુ. એ સમયે આ સાપ્તાહિકનું કાર્યાલય મુંબઈના કોલાબા ખાતે ફિશરમૅન્સ કૉલોની તરીકે જાણીતા લેન્ડ્ઝ એન્ડ વિસ્તારમાં હતું. પ્રારંભનાં વર્ષોમાં તે દર ગુરુવારે પ્રગટ થતું, પણ છેલ્લાં ઘણાં વર્ષોથી તે દર શુક્રવારે જ પ્રગટ થાય છે.
‘સ્ક્રીન’ ફિલ્મી સાપ્તાહિક હોવા છતાં પ્રારંભથી જ તેનું સ્વરૂપ ફિલ્મજગતના સમાચારપત્ર જેવું રહ્યું છે. ચલચિત્રોના કલાકારો અને કસબીઓ અંગેની સાચીખોટી વાતોને મરીમસાલા ભભરાવીને પીરસવાથી તે મોટા ભાગે દૂર રહ્યું છે. ચલચિત્રજગતમાં બનતી ઘટનાઓ, નવાં ચિત્રોનાં મુહૂર્તો, નવાં ચિત્રો વિશેની માહિતી, કલાકારો અને કસબીઓની મુલાકાતો, તેમના તથા તેમના પરિવાર અંગેની વાતો, સમીક્ષાઓ વગેરેને આ સાપ્તાહિકમાં સ્થાન મળતું રહ્યું છે.
1959માં કેરળના એસ. એસ. પિલ્લાઈને ‘સ્ક્રીન’ના પ્રબંધક તંત્રી નિયુક્ત કરાયા હતા. તેમના નિધન પછી 1978માં ખ્યાતનામ પત્રકાર બી. કે. કરંજિયા ‘સ્ક્રીન’ના તંત્રી બન્યા હતા. કરંજિયાના તંત્રીપદ હેઠળ ‘સ્ક્રીન’માં પ્રગટ થતી સામગ્રીના સ્વરૂપમાં વ્યાપક ફેરફાર થયા હતા. તેમના કેટલાક તંત્રીલેખોએ ખાસ્સા વિવાદ પણ જગાવ્યા હતા, તેને કારણે 1983માં ફિલ્મજગતના કેટલાક અગ્રણીઓએ કરંજિયાને તંત્રીપદેથી દૂર કરવાની તેના પ્રકાશનજૂથ સમક્ષ માગણી મૂકી હતી.
બી. કે. કરંજિયા પછી ‘સ્ક્રીન’ના તંત્રી તરીકેનો કાર્યભાર ઉદયતારા નાયરે સંભાળ્યો હતો. એસ. એસ. પિલ્લાઈના સહાયક તંત્રી તરીકે તેમણે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. જોકે એ પછીનો સમયગાળો ‘સ્ક્રીન’ માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ઊથલપાથલભર્યો બની રહ્યો હતો. તેમાંથી સાપ્તાહિકને બહાર લાવવાનું કામ ખ્યાતનામ અભિનેતા અને વિજ્ઞાપનજગતના મહારથી ગણાતા એલેક પદમશી અને ફિલ્મસમીક્ષક રઉફ એહમદને સોંપવામાં આવ્યું હતું. બંને જણાએ મળીને ‘સ્ક્રીન’નું સ્વરૂપ બદલીને તેને અડધા કદના અખબારનું કરી નાંખ્યું હતું, પણ થોડા મહિનાઓ બાદ ‘સ્ક્રીન’ને તેના અસલ સ્વરૂપમાં લાવી દેવું પડ્યું હતું.
બીજા એક ખ્યાતનામ ફિલ્મ સામયિક ‘ફિલ્મફેર’ની જેમ દર વર્ષે ચલચિત્રોને તથા તેના કલાકારો-કસબીઓની શ્રેષ્ઠતાને નવાજતા ‘સ્ક્રીન ઍવૉર્ડ’ આપવાનું 1995ના વર્ષથી શરૂ કરાયું છે.
હરસુખ થાનકી