સ્ક્રિયાબિન ઍલેક્ઝાન્ડર

January, 2009

સ્ક્રિયાબિન, ઍલેક્ઝાન્ડર (જ. 6 જાન્યુઆરી 1872, મૉસ્કો, રશિયા; અ. 27 એપ્રિલ 1915) : આધુનિક રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. રશિયાના એક ધનાઢ્ય પરિવારમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં પિયાનોવાદક માતા પાસેથી તેઓ પિયાનોવાદન શીખવા પામ્યા. થોડા જ વખતમાં એક બાળ-પિયાનોવાદક તરીકે તેમનું મૉસ્કોમાં નામ થયું. 1886માં ચૌદ વરસની ઉંમરે તેઓ રશિયન લશ્કર માટેની મૉસ્કો કૅડેટ સ્કૂલમાં તાલીમાર્થી તરીકે દાખલ થયા.

ઍલેક્ઝાન્ડર સ્ક્રિયાબિન

ત્યાં પિયાનોવાદક એન. એસ. ઝવેરેવ (Zverev) પાસેથી તેમણે પિયાનોવાદનના પાઠ ગ્રહણ કર્યા; પરંતુ લશ્કરી તાલીમ અને કારકિર્દી સ્ક્રિયાબિનની તાસીરને અનુકૂળ નહિ આવતાં તેમણે એ લશ્કરી શાળાનો અભ્યાસ અધૂરો મૂક્યો અને 1888માં મૉસ્કો ખાતેની જાણીતી સંગીતશાળા ‘મૉસ્કો કૉન્ઝર્વેટરી’માં તેઓ વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં સંગીતકારો સર્ગેઈ તાનાયેવ અને ઍરેન્સ્કી પાસે તેમણે ચાર વરસ સુધી સંગીતનિયોજનનો તથા સાફોનૉવ પાસે તેમણે પિયાનોવાદનનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ પૂરો કરીને 1896થી એમણે પ્રવાસી પિયાનોવાદક અને સંગીતનિયોજકની કારકિર્દી આરંભી. યુરોપના ઘણા દેશોમાં એમણે પિયાનોવાદનના જલસા કર્યા, જેમાં એમણે મુખ્યત્વે સ્વનિયોજિત સંગીત વગાડ્યું. તેઓ પોલિશ રંગદર્શી પિયાનોવાદક અને સંગીતનિયોજક શોપાંના ઊંડા ચાહક હતા અને તેથી શોપાંનું સંગીત પણ વગાડતા. એમની આરંભિક સ્વનિયોજિત કૃતિઓ પર શોપાંનો ગાઢ પ્રભાવ જોવા મળે છે. પ્રકાશક બેલાયેવે એમની કૃતિઓનાં મ્યુઝિકલ સ્કોર-નોટેશનનું પ્રકાશન શરૂ કર્યું; પછી એમનું નામ યુરોપભરમાં જાણીતું થયું. 1898થી 1903 સુધીનાં પાંચ વરસ તેમણે મૉસ્કો ખાતેની મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં પિયાનોવાદનના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું.

સ્ક્રિયાબિનના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ નાણાકીય સગવડ કરી આપી, જેથી સ્ક્રિયાબિન 1903માં સ્વિટ્ઝર્લૅન્ડમાં સ્થિર થયા. અહીંથી જર્મની, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ઇટાલી, બેલ્જિયમ, નેધર્લૅન્ડ્ઝ અને હંગેરી જેવા દેશોમાં જઈ તેઓ પિયાનોવાદન કરતા રહ્યા. 1906–1907માં તેઓ બે વરસ માટે અમેરિકામાં પિયાનોવાદનની યાત્રાએ ગયા. અમેરિકામાં ઑર્કેસ્ટ્રા સંચાલક કૂસેવ્સ્કીએ (Koussevitzky) હવે સ્ક્રિયાબિનની કૃતિઓના મ્યુઝિકલ સ્કોર-નોટેશન પ્રકાશિત કરવા માંડ્યાં. 1910માં કૂસેવ્સ્કીના ઑર્કેસ્ટ્રા સાથે પિયાનો પર સંગત કરવા માટે તેઓ મૉસ્કો ગયા. સ્ક્રિયાબિનની મૌલિક સંગીતનિયોજિત કૃતિઓનું ઍમ્સ્ટરડૅમ, પૅરિસ અને લંડનમાં પ્રથમ વાદન-ગાયન થયું. ઉત્તરોત્તર એમની કૃતિઓમાં સપ્તકના તેર સ્વરો સમાનાધિકાર ભોગવતા થયા અને તેમની વચ્ચેના કોમળ–મધ્યમ–તીવ્રના ભેદભાવ દૂર થયા. આમ, એટોનલ સંગીતની પહેલ કરનારા અગ્રણીઓમાં સ્ક્રિયાબિન એક છે. તેમની જાણીતી કૃતિઓ આ છે : (1) સિમ્ફની નં. 1 (કોરસ સાથે), સિમ્ફની નં. 2, સિમ્ફની નં. 3; (2) સિમ્ફનિક પોએમ્સ : ‘પોએમ ઑવ્ એક્સ્ટસી’ અને ‘પ્રોમિથિયુસસિમ્ફની ઑવ્ ફાયર’; (3) કન્સર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા; (4) દસ પિયાનો સૉનાટા; (5) 24 એત્યુદસ (Etudes); (6) 85 પ્રિલ્યુડસ (Preludes); (7) 3 વોલ્ટ્ઝ (waltz) અને (8) 13 માઝુર્કાઝ (mazurkas).

અમિતાભ મડિયા