સ્કૉશિયા સમુદ્ર (scotia sea) : દક્ષિણ ઍટલૅંટિક મહાસાગરના જળવિસ્તાર સાથે સંકળાયેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 56° દ. અ. અને 40° પ. રે.ની આજુબાજુનો આશરે 9 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દક્ષિણ ઍટલૅંટિક મહાસાગરના તળ પર લાવાનાં પ્રસ્ફુટનોથી તૈયાર થતી જતી મધ્ય મહાસાગરીય ડુંગરધારના દક્ષિણ છેડારૂપ હારમાળા આ સમુદ્ર હેઠળ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભાગોમાં પથરાયેલી છે. પશ્ચિમ તરફ આ અધોદરિયાઈ ડુંગરધાર દક્ષિણ અમેરિકામાં આવેલા ટેરા ડેલ ફ્યુયેગો (Tierra del Fuego) ટાપુ સાથે તથા ઍન્ટાર્ક્ટિકા દ્વીપકલ્પમાં આવેલી ઉત્તર પાલ્મેર લૅન્ડ સાથે સળંગ ગૂંચળાં સ્વરૂપે વિસ્તરેલી છે. તેની લંબાઈ આશરે 4,350 કિમી. જેટલી છે. ડ્રેક પૅસેજ નામનો વિભાજક ઉત્તર અને દક્ષિણ ડુંગરધારોને અલગ પાડે છે. સ્કૉશિયા સમુદ્ર હેઠળ ચાપ-સ્વરૂપે ગોઠવાયેલી આ ડુંગરધાર જ્વાળામુખી થરોના બંધારણવાળી છે.

સ્કૉશિયા સમુદ્ર પશ્ચિમ સ્કૉશિયા થાળાને પૂર્વ સ્કૉશિયા થાળાથી જુદો પાડે છે. આ સમુદ્રની પૂર્વ સીમા પર દક્ષિણ જ્યૉર્જિયા તથા દક્ષિણે દક્ષિણ ઑર્કની ટાપુઓ આવેલા છે. અહીંના જળની ઊંડાઈ આશરે 3,000થી 4,000 મીટર જેટલી છે; જ્યારે પૂર્વમાં સૅન્ડવિચ ટાપુઓ નજીક સમુદ્રનું ઊંડાણ 8,264 મીટર જેટલું છે.

દક્ષિણી સમુદ્રોનાં જળ કોઈ પણ જાતના અવરોધ વિના ઍન્ટાર્ક્ટિકા ખંડની આજુબાજુ દક્ષિણાવર્તી (clockwise direction) દિશામાં ઘૂમતાં રહે છે. આ જળ 960 કિમી. પહોળા ડ્રેક પૅસેજ અને સ્કૉશિયા સમુદ્ર મારફતે આગળ ધપે છે; વચ્ચેની અધોદરિયાઈ ડુંગરધારના અનેક માર્ગોમાં થઈને તે પસાર થાય છે.

સ્કૉશિયા ડુંગરધાર અને દક્ષિણ જ્યૉર્જિયા વિસ્તાર ઉપ-ઍન્ટાર્ક્ટિક આબોહવાના વિભાગમાં જ્યારે દક્ષિણ સ્કૉશિયા સમુદ્રનો વિસ્તાર ઍન્ટાર્ક્ટિક આબોહવાના વિભાગમાં આવેલાં છે. દક્ષિણ જ્યૉર્જિયા ટાપુ પર 50 પ્રકારની વનસ્પતિ જ્યારે દક્ષિણ ઑર્કની અને દક્ષિણ શેટલૅન્ડ ટાપુઓ પર માત્ર લીલ અને શેવાળ જ ઊગે છે. કોઈક કોઈક જગાએ ઘાસ પણ ઊગે છે, તેની ખૂબ કાળજીપૂર્વક માવજત કરવામાં આવે છે. આ ટાપુઓ પર પેટરેલ્સ, પગ્વિન, ગુલ્સ, ટર્ન્સ, સ્કુઆ જેવાં પક્ષીઓ જોવા મળે છે. આ સમુદ્રમાં અનેક પ્રકારની માછલીઓ, વ્હેલ, સીલ અને વૉલરસ પણ જોવા મળે છે. કોઈક ટાપુ પર કૂતરાં, બિલાડાં અને ઉંદર પણ વસે છે. અહીં વસતા માનવોએ ઘેટાં અને સસલાંનો ઉછેર કરીને ઘાસના પ્રદેશોને સાફ કરી નાખ્યા હોવાથી ઍન્ટાર્ક્ટિક ટાપુઓની કુદરતી પરિસ્થિતિની સંતુલિતતા ખોરવાઈ છે અને ત્યાંના પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે.

1902થી 1904ના ગાળા દરમિયાન ‘સ્કૉશિયા’ જહાજ દ્વારા સ્કૉટિશ રાષ્ટ્રીય ઍન્ટાર્ક્ટિક અભિયાન યોજવામાં આવ્યું હતું. સત્તરમી સદીમાં કરવામાં આવેલી અભ્યાસ-નોંધને આધારે વિલિયમ એસ. બ્રુસની રાહબરી હેઠળ આ અભિયાન સફળ નીવડ્યું હતું. ઓગણીસમી સદીમાં દક્ષિણ જ્યૉર્જિયા અને ફૉકલૅન્ડ ટાપુઓ પર કેટલીક કાયમી વસાહતો સ્થપાઈ હતી. ત્યાર બાદ વીસમી સદીમાં વૈજ્ઞાનિક ઢબે સંશોધન–અભ્યાસ કરવામાં આવેલો. 1957–1959ના આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષ દરમિયાન ચિલી, આર્જેન્ટિના, બ્રિટિશ અને અમેરિકી વિજ્ઞાનીઓએ આ સમુદ્રનો ઝીણવટભર્યો અભ્યાસ પણ કર્યો છે.

નીતિન કોઠારી