સ્કોર્સિસ, માર્ટિન (જ. 17 નવેમ્બર 1942, ફ્લશિંગ, લૉંગ આઇલૅન્ડ, ન્યૂયૉર્ક, અમેરિકા) : હોલીવૂડના પ્રભાવશાળી ચલચિત્ર-દિગ્દર્શક. માર્ટિન સ્કોર્સિસે સર્જેલાં ચિત્રો તેમના વિષયવૈવિધ્ય તથા અમેરિકન સંસ્કૃતિને એકદમ નિષ્ઠુર રીતે નિરૂપતી તેમની દિગ્દર્શનની શૈલીને કારણે હંમેશાં ધ્યાનાકર્ષક બની રહેતાં હોય છે. લાંબા ‘ટ્રૅકિંગ શૉટ’ તેમની વિશેષતા ગણાય છે.
માર્ટિન સ્કોર્સિસ
અમેરિકામાં ઇટાલિયનોની વસ્તીવાળા વિસ્તારમાં તેમનું બાળપણ વીત્યું હતું. ત્યાં તેમણે જે ગુંડાગીરી અને હિંસા જોયાં તેનું ચિત્રણ અવારનવાર તેમનાં ચિત્રોમાં જોવા મળે છે. નાનપણથી અસ્થમાનો ભોગ બનેલા સ્કોર્સિસ પાદરી બને એવું તેમનાં માતા-પિતા ઇચ્છતાં હતાં, પણ પહેલેથી જ કળા પ્રત્યે તેમને લગાવ હોઈ તેમણે ચલચિત્રકળાના ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું. 1966માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી ચલચિત્રના વિષય સાથે તેઓ સ્નાતક થયા. 1964માં તેઓ આ કળાના વિદ્યાર્થી હતા ત્યારે જ અભ્યાસના ભાગરૂપ તેમણે કેટલાંક વિદેશી અને કેટલાંક હોલીવૂડનાં સંગીતપ્રધાન ચિત્રોના પ્રભાવ હેઠળ સર્જેલાં ચિત્રો અને 1970માં સહસંપાદન કરેલા ચિત્ર ‘વૂડસ્ટૉકે’ નિર્માતા રોજર કોરમૅનનું ધ્યાન ખેંચ્યું હતું. કોરમૅન માટે 1972માં તેમણે ‘બૉક્સકાર બર્થા’નું દિગ્દર્શન કર્યું અને એ પછીના વર્ષે સર્જેલા ચિત્ર ‘મીન સ્ટ્રીટ’માં તેમની સર્જનશૈલી બરાબર મુખર થઈ ઊઠી. તેમાં અમેરિકામાંના લઘુ ઇટાલીમાં ચર્ચ અને સામાન્ય માણસની જિંદગી વચ્ચેનો સંઘર્ષ નિરૂપાયો છે. પોતે મહિલાપ્રધાન ચિત્ર પણ બનાવી શકે છે એ બતાવી આપવા 1974માં તેમણે ‘એલિસ ડઝન્ટ લિવ હિયર એનીમૉર’ બનાવી હતી. નજીકના ભૂતકાળમાં વિધવા થયેલી એક મહિલા પોતાના પુત્ર સાથે પોતાની જાતની ખોજમાં નીકળે છે એવું કથાનક ધરાવતા એ ચિત્રે એલિસની ભૂમિકા ભજવનાર ઇલેન બર્સ્ટિનને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કાર અપાવ્યો હતો.
1976માં સ્કોર્સિસે બનાવેલા ‘ટૅક્સી ડ્રાઇવર’ ચિત્રે તેમને અગ્ર હરોળના દિગ્દર્શક બનાવી દીધા હતા. માનસિક રીતે વિકૃત એક ટૅક્સીચાલક એ ચિત્રના કેન્દ્રમાં હતો. ચિત્રનાં કેટલાંક દૃશ્યોમાં અગાઉ ક્યારેય જોવા ન મળી હોય એવી હિંસા પહેલી વાર પડદા પર દર્શાવાઈ હતી. આ ચિત્ર હંમેશ માટે સ્કોર્સિસનાં શ્રેષ્ઠ સર્જનોમાં સામેલ કરાતું રહ્યું છે. એક મુક્કાબાજ જેક લા મોટ્ટાના જીવન પરથી બનાવાયેલું ચિત્ર ‘રેજિંગ બુલ’ પણ સ્કોર્સિસનું એક શ્રેષ્ઠ સર્જન ગણાય છે. અમેરિકામાં સતત વધતી જતી હિંસા અને તેને પગલે સર્જાતી સમસ્યાઓને અવનવી રીતે તેઓ પડદા પર રજૂ કરતા રહ્યા છે. સ્કોર્સિસનાં ઘણાં ચિત્રોમાં કામ કરનાર અને લગભગ પ્રારંભથી જ તેમની સાથે સંકળાયેલા અભિનેતા રૉબર્ટ ડી નીરોને ‘રેજિંગ બુલ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર મળ્યો હતો. એ જ રીતે 1986માં ‘ધ કલર ઑવ્ મની’ ચિત્રે પોલ ન્યૂમૅનને શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર અપાવ્યો હતો. 1988માં સ્કોર્સિસે નિકોસ કઝાનત્ઝાકિસની નવલકથા પર આધારિત ચિત્ર ‘ધ લાસ્ટ ટેમ્પટેશન ઑવ્ ક્રાઇસ્ટ’ બનાવ્યું હતું. ઈસુના પાત્રનું તેમાં જે નિરૂપણ હતું તેણે ભારે વિરોધ ખડો કર્યો હતો, પણ 1990માં સ્કોર્સિસે ફરી એક વાર તેમના મનપસંદ વિષયને હાથમાં લઈ ‘ગુડ ફેલાસ’નું સર્જન કર્યું, જેમાં ન્યૂયૉર્કના ત્રણ ગૅંગસ્ટરોની હિંસક જિંદગી નિરૂપાઈ હતી. 1990ના દાયકામાં સ્કોર્સિસે જે ચિત્રો બનાવ્યાં તેમાં વિષયવૈવિધ્ય તો હતું જ, પણ તેમાં સૌથી નોંધપાત્ર હતું 1997માં બનેલું 14મા દલાઇ લામાના જીવન પર આધારિત ચિત્ર ‘કુન્ડુન’. આ ચિત્ર સામે તિબેટના સત્તાવાળાઓ ખફા થતાં તેમને તિબેટમાં પ્રવેશ કરવા સામે પ્રતિબંધ ફરમાવાયો છે.
સ્કોર્સિસનાં ચિત્રોમાં કામ કરીને ઘણા કલાકારો અને કસબીઓને ઑસ્કાર મળ્યા છે, પણ તેમને પોતાને ઑસ્કાર મેળવવામાં લાંબો સમય રાહ જોવી પડી. તેમને એ પહેલાં છ વાર ઑસ્કાર નામાંકન મળ્યાં હતાં, જેમ કે ‘રેજિંગ બુલ’ (1981), ‘ધ લાસ્ટ ટેમ્પટેશન ઑવ્ ક્રાઇસ્ટ’ (1989), ‘ગૅંગ્ઝ ઑવ્ ન્યૂયૉર્ક’ (2003) અને ‘ધ એવિયેટર’ (2005) માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શનના; ‘ગુડ ફેલાસ’ (1991) માટે શ્રેષ્ઠ દિગ્દર્શન અને શ્રેષ્ઠ પટકથાનાં અને ‘ધ એજ ઑવ્ ઇનોસન્સ’ (1993) માટે શ્રેષ્ઠ પટકથાનાં ઑસ્કાર-નામાંકન મળ્યાં હતાં. અંતે 2007માં ‘ધ ડિપાર્ટેડ’ ચિત્ર માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઑસ્કાર મળ્યો હતો.
હરસુખ થાનકી