સ્કોરોડાઇટ (scorodite) : ફેરિક આર્સેનેટ. રાસા. બં. : FeAsO4·2H2O. આર્સેનિક પેન્ટોક્સાઇડ 49.8 %, લોહ સિક્વિઑક્સાઇડ 34.6 %, જળમાત્રા : 15.6 %. સ્ફ. વર્ગ : ઑર્થોરહોમ્બિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ત્રિપાર્શ્વીય, અષ્ટકોણીય, મૃણ્મય, દળદાર. સંભેદ : (120) અપૂર્ણ, (010) અને (100) પર આંશિક. પ્રભંગ : ખરબચડો, બરડ. ચમક : કાચમયથી આછા હીરક કે આછા રાળમય. રંગ : આછો લીલો, આછો કથ્થાઈ. ચૂર્ણરંગ : સફેદ. દેખાવ : પારદર્શકથી આછો પારદર્શક. કઠિનતા : 3.5થી 4. વિ. ઘ. 3.1થી 3.3. પ્રકા. સંજ્ઞા : +Ve; કેટલાક પ્રકારોમાં
–Ve. ગંધ : ફૂંકણીથી ગરમ કરતાં લસણ જેવી ગંધ આપે (તેથી આ નામ પડેલું છે).

પ્રાપ્તિસ્થિતિ : ગરમ પાણીના ઝરા(ફુવારા)[વાયોમિંગ, યુ.એસ.ના યેલોસ્ટોન નૅશનલ પાર્ક]માંથી અવક્ષેપિત દ્રવ્ય તરીકે મળે છે.

પ્રાપ્તિસ્થાનો : કૉર્નવૉલ (ઇંગ્લૅન્ડ), સેક્સની, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ગ્રીસ, અલ્જિરિયા, નસાઉ, મિનાસ જેરાઇસ (બ્રાઝિલ), જાપાન.

ગિરીશભાઈ પંડ્યા