સૌર જ્યોતિ (solar facula) : સૂર્યના વિસ્તારો, જેની તેજસ્વિતા તેની આજુબાજુના તેજકવચ(photosphere)ના વિસ્તારોની સરખામણીમાં લગભગ દસ ટકા જેટલી વધારે હોય તેવા વિસ્તારો મોટે ભાગે સૌરકલંકોની સીમાની નજીક દેખાતા હોય છે અને સામાન્ય ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. સૂર્યના પરિસર ઉપર સૌર પ્રદ્યુતિક તેજસ્વી વાદળાં જેવાં સ્પષ્ટ દેખાતાં હોય છે અને સૂર્યના વાતાવરણમાં ઝૂલતાં દેખાય છે. સૌર પ્રદ્યુતિકમાં સંરચનાત્મક વિગતો જોઈ શકાય છે, જે તેજ-કવચની જેમ દાણાદાર પ્રકારની હોય છે; પરંતુ વધારે તેજસ્વી હોય છે અને વધારે લાંબા સમય સુધી ટકે છે. સૂર્યકલંકો ન્યૂનતમ હોય છે ત્યારે સૂર્યના ધ્રુવોની નજીકમાં નાના, વિખરાયેલા પ્રદ્યુતિક વિસ્તારો (ધ્રુવીય પ્રદ્યુતિક) જોવા મળે છે, જે તેજાવરણીય પ્રવાહો (coronal streamers) સાથે સંબંધિત હોય છે. સૌર પ્રદ્યુતિક પણ સૂર્યકલંકો અને અન્ય સૌર ઘટનાઓની જેમ અગિયાર વર્ષનું ચક્ર ધરાવે છે. કૅલ્શિયમની K–વર્ણરેખા(3,934 Å)માં લીધેલાં સૂર્યવર્ણચિત્રો(spectroheliograms)માં આખા સૌર બિંબ (disk) પર પ્રદ્યુતિક દેખાય છે. હાઇડ્રોજનની H–વર્ણરેખામાં લીધેલાં રંગકવચ(chromosphere)નાં સૂર્યવર્ણચિત્રોમાં રંગકવચના પ્રદ્યુતિક સ્પષ્ટ જોવા મળે છે.
પરંતપ પાઠક