સૌરાષ્ટ્ર દર્પણ : માસિક. પંડિત મણિશંકર જટાશંકર કીકાણી દ્વારા 1865માં જૂનાગઢમાં પ્રારંભ. પંડિત મણિશંકર કીકાણી જૂનાગઢના એક જાણીતા સાક્ષર હતા અને તેમણે સમાજસુધારણાની ભાવનાથી પ્રેરાઈને આ સામયિક શરૂ કર્યું હતું. તેના તંત્રી વલ્લભજી હરદત્ત આચાર્ય હતા. આ માસિકમાં નૃસિંહપ્રસાદ હરિપ્રસાદ નામના અન્ય એક વિદ્વાનની પણ મહત્વની ભૂમિકા હતી. બ્રિટિશ સરકારની નોકરી દરમિયાન ગુજરાતનાં જુદાં જુદાં શહેરોમાં રહેતા મણિશંકર કીકાણી સામાજિક સુધારાની મશાલ ઉઠાવનાર પ્રારંભિક અગ્રણીઓમાંના એક હતા. તે સમયે તળ ગુજરાતમાં અર્થાત્ સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ગુજરાતના વિસ્તારોમાં; ઉપરાંત, મુંબઈમાં સુધારાની પ્રવૃત્તિઓ ચાલતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી નામે એક સંસ્થા પણ સ્થપાઈ હતી, જેનું મુખપત્ર ‘બુદ્ધિપ્રકાશ’ અત્યંત જાણીતું છે. કદાચ તેનાથી જ પ્રેરાઈને શ્રી કીકાણીએ જૂનાગઢમાં 1864માં ‘જ્ઞાનગ્રાહક સભા’ની સ્થાપના કરી હતી અને તેના નેજા હેઠળ ‘સૌરાષ્ટ્ર દર્પણ’નું પ્રકાશન શરૂ કર્યું હતું. શ્રી કીકાણીએ જ્ઞાનગ્રાહક સભા ઉપરાંત અન્ય બે સંસ્થા – બુદ્ધિવર્ધક સભા તથા સુપંથ પ્રવર્તક મંડળની પણ રચના કરી હતી.
‘સૌરાષ્ટ્ર દર્પણ’ આજથી બે સદી પહેલાંનું અર્થાત્ છેક 19મી સદીના ઉત્તરાર્ધમાં શરૂ થયું હતું તેથી તેમાં તે સમયની છબિ જોઈ શકાય છે. આ બાબત ખાસ કરીને માસિકની સામગ્રીમાં જોવા મળે છે. શ્રી કીકાણી એક સુધારાવાદી વિદ્વાન હતા છતાં તેમાં સામાજિક અથવા રાજ્યવ્યવસ્થાની કોઈ બદીઓ સામે કટાક્ષ કરવાને બદલે ‘સૌરાષ્ટ્ર દર્પણ’માં બોધવાર્તાઓ, સુવાક્યો, દોહા, નાટકો ઉપરાંત ક્યારેક માહિતીલેખો અને પ્રવાસવર્ણનો પ્રકાશિત થતાં. આ સામયિક કદાચ આર્થિક સંકડામણ અનુભવતું હશે તેથી જૂનાગઢના તે સમયના નવાબની આર્થિક સહાય તેને મળી હોય તેવું ‘સૌરાષ્ટ્ર દર્પણ’ના મુખપૃષ્ઠ ઉપરથી સ્પષ્ટ થાય છે, જેના ઉપર સ્પષ્ટ અને મોટા શબ્દોમાં લખવામાં આવ્યું છે – સૌરાષ્ટ્ર સરકારની મદદથી. આ સૌરાષ્ટ્ર સરકાર એટલે તે સમયના જૂનાગઢના નવાબ.
આ માસિકનો હેતુ સ્પષ્ટપણે સુધારા અને સમાજમાં પ્રવર્તમાન કુરિવાજો સામે ચળવળ ચલાવવાનો હતો; પરંતુ તેમાં નર્મદના ‘ડાંડિયા’ જેવી કે અમૃતલાલ શેઠના ‘સૌરાષ્ટ્ર’ જેવી આક્રમકતા નહોતી. ‘સૌરાષ્ટ્ર દર્પણ’ એકંદરે 25 વર્ષ ચાલ્યું હોવાનું વરિષ્ઠ કટારલેખક અને પત્રકારત્વનાં કેટલાંક પુસ્તકોના લેખક યાસીન દલાલે નોંધ્યું છે. જોકે એ ગાળા દરમિયાન વચ્ચે વચ્ચે કેટલીક વાર તે બંધ પડ્યું હતું અને ચાલુ થતું રહ્યું હતું.
અલકેશ પટેલ