‘સૌદા’, મિર્ઝા મુહમ્મદ રફી (જ. 1707, દિલ્હી; અ. 27 જૂન 1781, લખનૌ) : ઉર્દૂના વિશિષ્ટ કવિ. મુઘલ સૈનિકમાંથી વેપારી બનેલા તેમના પિતા મિર્ઝા મુહમ્મદ શફી કાબુલથી ભારતમાં દિલ્હી આવીને વસેલા. સૌદા ઔરંગઝેબના વંશજ બહાદુરશાહ પહેલાના સૈન્યમાં ટૂંક સમય માટે જોડાયેલા. તેમણે ફારસી ભાષામાં કાવ્યરચના માટે મિર્ઝા મુહમ્મદ ઝમાન ઉર્ફે સુલેમાન કુલીખાન વિદદ પાસેથી માર્ગદર્શન મેળવ્યું. જ્યારે ઉર્દૂ ભાષામાં કાવ્યરચના માટે શાહ હાતિમ તેમના ગુરુ હતા. ટૂંક સમયમાં દિલ્હીના વજીર નવાબ ઇમાદુલ મુલ્કની બિરાદરીમાં જોડાયા અને 1754માં કાવ્યરચનામાં તેમની બુદ્ધિપ્રતિભા પિછાણીને તેમને ‘મલિકુસ શો’રા’(કવિસમ્રાટ)નો ખિતાબ આપવામાં આવ્યો.
1771માં તેઓ ફર્રુખાબાદ ગયા. ત્યાં નવાબના સંપર્કમાં રહ્યા બાદ અવધની રાજધાની ફૈઝાબાદ ગયા. ત્યાંથી નવાબ સુજાઉદ્દૌલાએ બહુમુખી પ્રતિભા ધરાવતા ‘સૌદા’નું ભારે સ્વાગત કરીને દરબારમાં માનવંતું સ્થાન આપ્યું. ત્યાંથી નવાબના વંશજે રાજધાની લખનૌમાં ખસેડતાં તેમની સાથે લખનૌ ગયા. ત્યાં તેઓ ફારસી, ઉર્દૂ કવિઓ અને શાયરોના ગાઢ સંપર્કમાં રહ્યા. તેમની કાવ્યકૃતિ ‘કુલીયાત’માં ગઝલો ઉપરાંત હજ્વિયાત (નિંદાકાવ્ય); કસીદા, રુબાયત, કતાત, મર્સિયા અને મસનવી જેવા બધા પ્રકારોનો સમાવેશ થાય છે. વળી દીવાને-મરાસી તેમજ ફારસી ગઝલોના દીવાન જેવી લઘુ ગદ્યકૃતિઓ તથા અનેક ‘રુબાયત’, કતાત અને ઉખાણાં પણ તેમણે રચ્યાં છે. તેમનો દીવાન ઉર્દૂ શીખવા માટે પાઠ્યપુસ્તક તરીકે વ્યાપકપણે વપરાતો. તેની સંખ્યાબંધ હસ્તપ્રતો વિદેશી વિદ્વાનો ઉપાડી ગયા હતા.
કસીદાની રચનામાં તેઓ ‘કસીદાસમ્રાટ’ ગણાય છે અને શ્રેષ્ઠ સ્થાને રહ્યા છે. કસીદામાં તેમણે આશ્રયદાતાઓની પ્રશંસા કરી છે. તેમાં તશબીબોનો એક મોટો ભાગ વસંતઋતુ અને આનંદપ્રમોદ જેવા આનંદદાયક વિષયો પર આધારિત છે. તેમાં તેમની આનંદમય પ્રવૃત્તિ તથા કલાની પરાકાષ્ઠાએ વસંત તથા આનંદપ્રમોદનાં એ દૃશ્યો પર તેમની વૈયક્તિકતાની સ્થિર છાપ ઉપસાવી છે. તેમાં ઉપવન, ફૂલ, પાંજરું, વીજળી, વરસાદ, ગુલશન, બહાર, મહેફિલ, ઝનૂન, શેખ અને બ્રાહ્મણ, મૂર્તિ, સમુદ્ર વગેરેનાં વર્ણનોની શૈલી અજોડ છે. તેમાં તેમણે નૈતિક મૂલ્યોના આદર્શની પ્રતીતિ કરાવી છે તે તેમનું અનોખાપણું છે. તેઓ રંગીન કલ્પનાઓ માટે ખૂબ જાણીતા છે. તેમણે શબ્દસૌષ્ઠવ અને અતિશયોક્તિનો કસીદામાં એટલો અધિક પ્રયોગ કર્યો છે કે ગાલિબ સિવાય ઉર્દૂનો એવો કોઈ ઉલ્લેખનીય કવિ થયો નથી જેણે કસીદામાં તેનો ઉપયોગ કર્યો હોય.
ગઝલરચનાના ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેમની ગઝલોમાં તેમના વિવિધ અનુભવોની ભાવનાઓ વ્યક્ત થાય છે. તેઓ ઉર્દૂ ગઝલના સ્થપતિ ગણાય છે. તેમની વર્ણનની નવીન શૈલીએ આ પરંપરાગત વિષયોને પણ એક નવતર અને નિરાળું કાવ્યસૌંદર્ય આપીને ખુદ વર્ણનસૌંદર્યને તેમણે કલાની ચરમ સીમાએ પહોંચાડ્યું છે. સૌદાના શેરોમાં પ્રેમિકાના ગુણો કરતાં અધિક તેનાં અંગોની પ્રશંસા કરવામાં આવી છે. તેમણે તેમની ગઝલોમાં રિયાયત લફ્જી, તજાદ, તજનીસ અને લફ-ઓ-નસ્ર નામના અલંકારોનો છૂટથી ઉપયોગ કર્યો છે. તેમની આ શૈલી પાછળથી અનેક શાયરોની રચનાઓમાં વિભિન્ન રંગોમાં અભિવ્યક્ત થઈ છે.
હજ્વિયાતક્ષેત્રે પણ તેમનું પ્રદાન ઉલ્લેખનીય છે. તેમનાં ઉત્તમ વ્યંગ્ય કાવ્યો ઘોડો, રાજા નરપત સિંઘના હાથી જેવાં પ્રાણીઓ પર રચાયેલાં છે. તેમાં તેમની વ્યક્તિગત ઘૃણા નહિ, પરંતુ સામાજિક અસમાનતા અંગે નિર્ણાયક ટીકામાં પતિત સમાજના વૈભવના હાસ્યાસ્પદ ઢોંગના ઠઠ્ઠાચિત્રનું નિરૂપણ કરાયું છે.
મર્સિયાના તો તેઓ અગ્રેસર હતા. તેમણે પરંપરાગત વિષયોથી ભિન્ન 12 સલામો રચી છે; જેમાં પરમાત્માથી માંડીને ચંદ્રમા વગેરે જેવાં પ્રકૃતિનાં અંગોને હજરત હુસૈન અને હુસૈનનાં સંતાનો પર શ્રદ્ધા વ્યક્ત કરતી દર્શાવી છે. તેમણે ઘણી મોટી સંખ્યામાં મર્સિયા રચ્યાં છે, તેમાં તેમણે ઉત્તમ કાવ્યાત્મક સૌંદર્યનું સર્જન કર્યું છે. માત્ર વિલાપના માધ્યમથી પર રૂપ અને રચના ઉપરાંત અભિવ્યક્તિ અને વર્ણનના સારા પ્રયોગો કર્યા છે. તેમાં ભારતીય સ્ત્રીઓની ભાવનાઓનાં ચિત્રણ પર વધુ ધ્યાન આપ્યું છે તથા સ્થાનિક રીતરિવાજોનું આબેહૂબ નિરૂપણ કર્યું છે.
તેમનો વ્રજ ભાષા અને પંજાબી શબ્દો અને શબ્દસમૂહોનો ઉપયોગ સ્વયંસ્ફૂર્ત અને યથાર્થ છે. અનેક મર્સિયાની રચના તેમણે આ ભાષામાં કરી છે.
તેમનાં ઉખાણાં અને ગીતો પણ ધ્યાન ખેંચે છે. તેમની ગદ્ય-રચનાઓ લઘુ હોવા છતાં ઐતિહાસિક અને ભાષાસાહિત્ય-વિષયક મહત્વ ધરાવે છે. ઉર્દૂ કવિઓની ‘તઝકીરા’ તેમણે રચી હોવાનું કહેવાય છે. તેમણે ઉર્દૂ કવિતાનાં વિવિધ સ્વરૂપોનો વિકાસ સાધીને સમૃદ્ધ બનાવ્યાં અને તેમની સર્જનાત્મક શક્તિ દ્વારા સાહિત્યિક વિકાસનો પાયો નાખ્યો. આમ તેઓ ઉર્દૂના મોટા ગજાના કવિ લેખાયા.
તેમણે ‘શહર આશોબ’ના શીર્ષક હેઠળ 96 શેરોનો એક કસીદો અને એક મુખમ્મસ 36 બંદોની રચી છે. શહર આશોબ ઐતિહાસિક સત્ય પ્રસ્તુત કરતો એક મહત્વનો સંદર્ભાત્મક પદ્યબદ્ધ કાવ્યપ્રકાર છે. તેમાં તેમણે 1857 સુધીના કાળમાં બાદશાહ તથા નવાબ સાથે સંકળાયેલ સિપાહી, વેપારી, લહિયા, વકીલ, મુલ્લા, કવિ અને શેખ જેવા દરેક વર્ગનાં દુ:ખ, દર્દ અને મુશ્કેલીઓ, સામંતોની સામાજિક દુર્બળતા, શાહજહાંબાદનું પતન અને બરબાદી, પશુ તેમજ મનુષ્યનાં અન્ન માટેનાં વલખાં, રાજગાદી માટે પરસ્પર ષડ્યંત્ર અને લડાઈ, તળિયે ગયેલા રાજકોષને કારણે અહમદશાહે મહેલનાં મૂલ્યવાન આભૂષણો, રાચરચીલું, વાસણો, અસ્ત્ર-શસ્ત્ર, ગાલીચા, વાદ્યો, પુસ્તકો વગેરે વેચી દઈને મળેલ ધન વડે સૈનિકોનો ચઢેલો પગાર ચૂકવ્યા વિશેની દુર્દશાનું કટુતારહિત અત્યંત સ્પષ્ટ અને બોલચાલની પરિચિત ભાષામાં તત્કાલીન આબેહૂબ ચિત્રાંકન કર્યું છે, જે ખૂબ રોચક છે.
બળદેવભાઈ કનીજિયા