સોહની–મહિવાલ : હાસિમ શાહ (1753–1823) રચિત કિસ્સા પ્રકારની અતિશયોક્તિભરી અને અવિશ્વસનીય પ્રણયકથા. દંતકથાઓ લોકકથાઓનો સૌથી વધુ રસપ્રદ અને પ્રેરણાદાયી ભાગ રચે છે. તેમાં મહદંશે પ્રેમીઓ, યોદ્ધાઓ, સાહસિકો, સંતો અને પીરોની કથાઓનો સમાવેશ થાય છે. એવા પ્રકારની આ એક પ્રણયકથા છે. આ કિસ્સામાં અવનતિને માર્ગે ગયેલ સામાજિક સરંજામશાહી સામે વ્યક્તિગત બંડ વ્યક્ત થાય છે.
તેનું કથાવસ્તુ આ પ્રમાણે છે : બુખારાનો એક યુવાન વેપારી ઇજ્જત બેગ ખૈબરઘાટ ઓળંગી દિલ્હી થઈને જેલમ નદીને કિનારે ગુજરાત નગરમાં પડાવ નાખે છે. અહીં તેને તેનો માલ ખપે અને નફો મળે તેમ લાગતું નથી. શહેરમાં એક કુંભારની સુંદર છોકરી સોહની પર તેની નજર ઠરે છે. તેને મળવાના બહાને રોજ તેના પિતા પાસેથી મોંઘા મૂલે માટીનાં પાત્રો ખરીદીને સોંઘા ભાવે વેચી દે છે; આમ પ્રેમની ઘેલછામાં પૈસેટકે બરબાદ થાય છે. તેનું પાગલપણું જોઈ તેના સાથીઓ બુખારા તરફ રવાના થઈ જાય છે.
હવે બેગ સોહનીના પિતાને ત્યાં ગોવાળની નોકરીમાં જોડાય છે. ધીમે ધીમે સોહનીનો પ્રેમ જીતવામાં સફળ થાય છે. આ વાતની સોહનીના પિતાને જાણ થતાં તેને છૂટો કરે છે અને સોહનીને અન્યત્ર પરણાવી દેવામાં આવે છે. બેગ સોહનીના પતિના ગામ પહોંચી જાય છે. મહિવાલ નામથી તેના પતિને ત્યાં ગોવાળની નોકરીમાં જોડાય છે. ત્યાં પણ તે બંનેના પ્રેમની વાતની જાણ થતાં તેને નોકરીમાંથી રૂખસદ મળે છે.
તેથી બેગ ફકીર બનીને નદીને સામે પાર ઝૂંપડીમાં જઈ રહે છે. ત્યાં રોજ રાતના સોહની તેને મળવા આવે અને મહિવાલ નદી ઓળંગી તેને મળે. ઘણા વખત પછી સોહનીએ માટીના મોટા પાકા પાત્રમાં બેસી નદી ઓળંગી સામે કિનારે મહિવાલને મળવા જવા માંડ્યું. તેની નણંદને આ વાતની ખબર પડતાં તેણે એક દિવસ પાકું પાત્ર બદલી કાચું પાત્ર ત્યાં ગોઠવી દીધું. અંધારી રાતે કાચા પાત્રમાં બેસી સોહની નદી ઓળંગવા જતાં પાત્ર ફાટતાં સોહની નદીના પ્રવાહમાં તણાઈ ગઈ. મહિવાલ પણ તેના શબ સાથે નદીના પ્રવાહમાં તણાઈ ગયો.
આ વાર્તા દ્વારા લેખકે એક તરફ મુસ્લિમ હુમલાખોરોનો ઇરાદો ભારત પર ચડાઈ કરી વિજય મેળવવાનો અને બીજી તરફ હુમલાખોરોમાં વેપારી વર્ગે ભારતના લોકો માટે આપેલ ભોગનું બીજું પાસું રજૂ કર્યું છે. આમ, આ કથા રાજસ્થાન તથા પંજાબના વાચકવર્ગમાં વધુ લોકપ્રિય બની છે. પંજાબી કથાના આધારે ‘સોહનીમહિવાલ’ નામે ચલચિત્રનું નિર્માણ થયું હતું.
સોહનીની આ કથા સિંધી લોકકથાઓમાં ‘સુહિણી–મેહાર’ નામે બેનમૂન પ્રેમકથા ગણાય છે. આ કથા યુરોપની લોકકથા ‘હીરો લિએન્ડર’ અને સૌરાષ્ટ્રની લોકકથા ‘મોરણી–ભભૂતગર’ની સાથે સામ્ય ધરાવે છે.
જયન્ત રેલવાણી