સોસિજિનિસ (Sosigenes of Alexandria) (જ. ઈ. પૂ. આશરે 90; અ. ?) : ઇજિપ્તનો ગ્રીક મૂળનો ખગોળવિદ. રોમનોએ ભલે યુદ્ધકળા, રાજ્યશાસનકળા અને વ્યવહારશાસ્ત્ર (કાયદા) જેવી બાબતોમાં નિપુણતા મેળવી હોય, પણ હકીકત એ છે કે વિજ્ઞાનમાં તેઓ નબળા હતા. વિજ્ઞાનના ઇતિહાસમાં મહત્ત્વનું પ્રદાન કર્યું હોય તેવો એક પણ પ્રાચીન રોમન વિજ્ઞાની નોંધાયો નથી. વિજ્ઞાન માટે રોમનો ગ્રીકો પર આધાર રાખતા હતા; પણ પછી ગ્રીકોની પડતી થઈ અને રોમનોની ઉન્નતિ થઈ. ગ્રીકોની પડતીને કારણે રોમમાં વિજ્ઞાનની પણ પડતી આરંભાઈ અને આખરે સમગ્ર યુરોપમાં અંધારયુગ (ઈ. સ. 395થી ઈ. સ. 1000 સુધી) છવાયો. આની અસર રોમનોના પંચાંગ પર પણ પડી. તેમનું પંચાંગ અનેક ખામીઓ ધરાવતું હતું. તેમાં પણ રાજકીય પુરોહિતો પોતાના ફાયદા માટે તેમાં વારંવાર ફેરફાર કરતા હતા. તેમના આવા પક્ષપાતી હસ્તક્ષેપને કારણે સમય જતાં રોમનોનું પંચાંગ સુધરવાને બદલે વધુ બગડતું ગયું. વળી ગ્રીકોનું પંચાંગ પણ પ્રાથમિક સ્વરૂપનું જ હતું. તેમનું પંચાંગ ચાંદ્ર-માસ અને 19 સૌર વર્ષના બનેલા ‘મેટન ચક્ર’ (Metonic cycle) પર આધારિત હતું.
વર્ષમાનની શુદ્ધ લંબાઈની જ વાત કરીએ તો, લગભગ ઈ. પૂ. 35ની સાલ સુધી તો રોમન લોકોને આ બાબતનો બહુ સ્પષ્ટ ખ્યાલ પણ ન હતો. ઈ. પૂ. 33ની સાલમાં જુલિયસ સીઝરે ઇજિપ્ત ઉપર વિજય મેળવ્યો ત્યારે ત્યાં વપરાતા સૂર્યઆધારિત પંચાંગથી તે પ્રભાવિત થયો. આથી, સોસિજિનિસની સલાહ મુજબ તેણે પોતાના પંચાંગમાં પ્લુત વર્ષ યા અધિવર્ષ(leap year)ની વ્યવસ્થા દાખલ કરી.
સોસિજિનિસે સૂચવ્યું કે વર્ષમાનની સરેરાશ લંબાઈ 3653 દિવસની ગણવી અને તેમ કરવા માટે સામાન્ય વર્ષની લંબાઈ 365 દિવસની રાખીને દર ચાર વર્ષે એક વધારાનો દિવસ દાખલ કરવો. આમ કરવા માટે મહિનાઓની લંબાઈ જેમ હતી તેમ રાખીને પ્લુત વર્ષનો વધારાનો દિવસ માર્ચના ‘કાલેન્દૂસ’(મહિનાની પહેલી તારીખ)ની પહેલાંના છઠ્ઠા દિવસે બેવડાવીને મેળવવામાં આવ્યો.
ઈ. પૂ. 33ની સાલમાં જુલિયસ સીઝરના માનમાં માર્ચ માસ પછીના પાંચમા માસ ‘ક્વિન્ટિલિસ’નું નામ બદલી જુલિયસ સીઝર પરથી ‘જુલાઈ’ રાખવામાં આવ્યું અને ઈ. પૂ. 8ની સાલમાં જુલિયસના વંશજ ઑગસ્ટસના માનમાં છઠ્ઠા મહિના ‘સેક્સટિસિસ’નું નામ બદલીને ‘ઑગસ્ટસ’ રાખવામાં આવ્યું. વળી રોમના જુલિયસ સીઝર અને ઑક્ટેવિયસ સીઝર(જે ઑગસ્ટસના નામથી પણ ઓળખાય છે)ને રાજી કરવા જુલાઈ તથા ઑગસ્ટ મહિનાઓના દિવસ વધારીને 31 કરવામાં આવ્યા અને તે માટે ફેબ્રુઆરીમાંથી બે વધારાના દિવસ લઈ લેવામાં આવ્યા. આમ ફેબ્રુઆરીના 28 દિવસ કરવામાં આવ્યા.
જુલિયસ સીઝરના માનમાં રોમનોના આ પંચાંગને ‘જુલિયન પંચાંગ’ (Julian calendar) નામ આપવામાં આવ્યું. આ પંચાંગ ઇજિપ્તવાસીઓના પંચાંગ કરતાં ચડિયાતું હતું. આ પંચાંગ બાદમાં સમગ્ર રોમન સામ્રાજ્યમાં ચલણમાં આવ્યું અને ઈસાઈ ધર્મની સ્થાપના અને ફેલાવા પછી પણ તે ચાલુ રહ્યું હતું. પાછળથી ઈસાઈઓએ તેમના પોતાના ઉત્સવના દિવસો પણ પંચાંગમાં દાખલ કર્યા. આ ઉત્સવદિવસો અંશત: યહૂદીઓ તરફથી સાંપડ્યા હતા અને એ રીતે ચાંદ્ર-સૌર ગણતરી તથા અઠવાડિયાના વાર પણ પંચાંગમાં દાખલ થયા.
સોસિજિનિસે સૂચવેલી આ પદ્ધતિ પશ્ચિમમાં ઈ. સ. 1582 સુધી, એટલે કે ગ્રેગૉરિયન સુધારા (Gregorian reforms) ન થયા ત્યાં સુધી ચાલુ રહી અને કેટલાક સૂક્ષ્મ સુધારા પછી અમુક અંશે આજે પણ વપરાશમાં છે. ઘણું ઉપયોગી હોવા છતાં પણ સમયમાપનની વ્યવસ્થા તરીકે ગ્રેગૉરિયન (કે ક્રિશ્ચિયન) પંચાંગ અગવડભરેલું તથા ગોટાળો ઉત્પન્ન કરે તેવું છે, કારણ કે તેમાં મહિનાની લંબાઈ સ્વચ્છંદી રીતે 28થી 31 વચ્ચે નક્કી થયેલી છે. આ પંચાંગમાં સુધારા કરવાની ઘણી યોજનાઓ સૂચવવામાં આવી છે.
રોમનોના પંચાંગમાં સુધારા સૂચવવા ઉપરાંત સોસિજિનિસે ખગોળવિદ્યા ઉપર પણ કેટલાક પ્રબંધો લખ્યા હતા, પણ તેમાંનો એક પણ આજે ઉપલબ્ધ નથી. તેણે કહ્યું હતું કે બુધ સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. ઈ. પૂ. પહેલી સદીમાં ઍલેક્ઝાન્ડ્રિયા(ઇજિપ્ત)ના પણ ગ્રીક મૂળના સોસિજિનિસ અંગે આથી વિશેષ માહિતી મળતી નથી. તેનું અવસાન ક્યારે અને ક્યાં થયું તે સંબંધી પણ પ્રમાણભૂત માહિતી મળતી નથી.
સુશ્રુત પટેલ