સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (SID) (1957)

January, 2009

સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (SID) (1957) : એક બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા. તેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ સભ્યપદ મેળવે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય માટે તેમજ લોકશાહીકરણ માટે પ્રયત્નશીલ રહેવાનો છે. વિશ્વભરમાં જ્ઞાનવિતરણ તથા સંવાદની ભૂમિકા સર્જવામાં અને સમૂહોની સંઘર્ષશક્તિમાં બળ પૂરવાનું કામ કરવાનો આ સંસ્થાનો ઉદ્દેશ છે. બહુમુખી ક્ષેત્રોના પ્રશ્નો હલ કરવાની નેમ રાખીને આ સંસ્થા પોતાની પ્રવૃત્તિ દ્વારા સામાજિક અને સંસ્થાકીય પરિવર્તન અંગે દૂરવર્તી અભિગમ અપનાવે છે. નવા સામાજિક સંબંધો નિર્માણ કરવા તથા નિભાવવા માટેના કાર્યક્રમો વિશ્વભરમાં ઠેરઠેર યોજવા અંગેની યોજનાઓ સંસ્થાએ ઘડી છે. વિચારોનું આદાનપ્રદાન તથા વિવિધ વર્ગો વચ્ચે જ્ઞાનવિતરણના કાર્યક્રમો સાથે સંસ્થા સમાનતા, વિવિધતા માટેની સહિષ્ણુતા અને સહભાગીપણાનાં મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરે છે. સંસ્થાનું આંતરરાષ્ટ્રીય સચિવાલય રોમમાં છે અને તેનું સ્થાનિક કાર્યાલય નૈરોબીમાં કાર્યરત છે. હાલ SID સંસ્થાની 65 શાખાઓ છે. 55 જેટલી સંસ્થાઓ અને 3000 જેટલી વ્યક્તિઓ તેનું સભ્યપદ ધરાવે છે. વિશ્વના 125 દેશોમાં આ સંસ્થા પોતાના સભ્યો દ્વારા પ્રવૃત્તિ ચલાવે છે. પોતાનું ‘ડેવલપમૅન્ટ’ નામનું મુખપત્ર પણ પ્રકાશિત કરે છે.

પંકજ જ. સોની