સોલ્ડરિંગ ગન : ઝારણ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન. આ સોલ્ડરિંગ ગન એ ગરમી ઉત્પન્ન કરતું વિદ્યુત ગૂંચળું અને ધાતુના સળિયાની બનેલી હોય છે. આ ધાતુનો સળિયો વધારે તાપમાન સહન કરી શકે તેવી રીતે તેની રચના (ડિઝાઇન) તૈયાર કરવામાં આવે છે.
સોલ્ડરિંગ ગન એ વીજાણુ (electronics) અને વિદ્યુતના અલગ અલગ પુરજાઓને જોડીને વાપરવામાં આવે છે. જુદાં જુદાં ઍલિમૅન્ટ્સ જેવાં કે ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ્ઝ, વિદ્યુત અવરોધ (resister) વગેરેના જોડાણ માટે અને વિદ્યુતનાં નાનાં જોડાણો જેવાં કે વિદ્યુતતારનાં જોડાણ વગેરે કરવા માટે સોલ્ડરિંગ ગનનો ઉપયોગ કરવામાં આવે છે. જોડાણ ઢીલું ન રહે અને મજબૂત થાય તે હેતુથી સોલ્ડરિંગ કરવામાં આવે છે. જો જોડાણ ઢીલું રહે તો તણખા થવાની શક્યતા રહે છે.
ધાતુઓના બે કે તેથી વધારે ભાગો, પુરજાઓ કે તારોનું ચુસ્ત જોડાણ કરવા માટે સોલ્ડરિંગ ગન વપરાય છે. તે માટે નીચાં ગલનબિંદુ ધરાવતી ધાતુ કે મિશ્રધાતુને સોલ્ડરિંગ ગનની ગરમીથી પિગળાવી તેના વડે ઉપર્યુક્ત જે ભાગોને જોડવા હોય તેને ભીગવવામાં આવે છે અને તેમને સાથે રાખી પીગળેલ ધાતુ કે મિશ્રધાતુનું ઠારણ થવા દેવામાં આવે છે. ઠારણ થતાં તે ભાગો ચુસ્ત રીતે જોડાઈ જાય છે. આમ જોડાણ કરવા જે ધાતુ કે મિશ્રધાતુ વપરાય છે તેને સોલ્ડર એટલે કે ઝારણ કહે છે. સોલ્ડર માટે જે દ્રવ્ય વપરાય છે તેનું ગલનબિંદુ 427° સે.થી નીચે હોય છે. કેટલીક મિશ્રધાતુનું ગલનબિંદુ તેનાથી ઊંચું હોય છે. સૌથી સામાન્ય વપરાતા સોલ્ડર ટિન અને સીસાની મિશ્રધાતુ છે. સીસાનું ગલનબિંદુ તો ટિન કરતાં પણ નીચું હોય છે. ઘણી વાર ઍન્ટિમની, બિસ્મથ, કૅડ્મિયમ, સિલ્વર કે આર્સૅનિક મજબૂતાઈ વધારવા કે અમુક ગલનબિંદુ મેળવવા ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત ફ્લક્સ(flux)નો પણ જોડાણ કરવા ઉપયોગ થાય છે. ફ્લક્સ તરીકે અત્યંત મૃદુ પદાર્થથી માંડી આત્યંતિક રાસાયણિક સક્રિયતાવાળા પદાર્થ વપરાય છે. સદીઓથી ચીડ(pine)ની નીપજ રાળ (resin) અસરકારક અને બિનહાનિકારક ફ્લક્સ તરીકે જાણીતી છે. જે વિદ્યુત જોડાણો અત્યંત ટકાઉ, ક્ષારણરહિત અને વિદ્યુત લીકેજ વગરનાં આવશ્યક હોય ત્યાં બહોળા પ્રમાણમાં ફ્લક્સ વપરાય છે. સોલ્ડર ઘણી વાર તાર રૂપે વપરાય છે. આવા તારના હાર્દ તરીકે રેઝિન પ્રકારના ફ્લક્સ વપરાય છે. આ ઉપરાંત વધારે મજબૂત ફ્લક્સ તરીકે અકાર્બનિક ક્ષારો વપરાય છે. તેમાં ઝિંક ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ, અલગ અલગ કે સાથે સામાન્ય રીતે વપરાય છે. તે તાર રૂપે વપરાતાં સોલ્ડરના હાર્દ રૂપે, પેટ્રોલિયમ જેલી રૂપે કે પેસ્ટ રૂપે વપરાય છે.
સોલ્ડરિંગ કરવાની પદ્ધતિમાં જ્યારે વિદ્યુતપ્રવાહ ગનમાં પસાર કરવામાં આવે છે ત્યારે સોલ્ડરિંગ ગનની અંદર રહેલું ત્રાંબાનું ગૂંચળું ગરમ થાય છે અને તેની સાથે રહેલ ધાતુનો સળિયો પણ ગરમ થાય છે. જ્યારે સોલ્ડરિંગના તારને તેના ઉપર રાખવાથી તે પીગળે છે અને જે બે છેડાનું જોડાણ કરવાનું હોય તેના પર રૉડ સાથે પીગળેલા તાર મૂકવાથી છેડાનું જોડાણ જેની સાથે કરવાનું હોય તેની સાથે થાય છે. આ સોલ્ડરિંગ સારી રીતે થાય તે માટે વૅક્સ(wax)નો ઉપયોગ કરવામાં આવે છે.
ડિઝાઇન કરેલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (P.C.B.), આઇ.સી. ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC), ફ્લેક્સિબલ સર્કિટ વગેરેનાં જોડાણ માટે સોલ્ડરિંગ ગનનો ઉપયોગ થાય છે.
સોલ્ડરિંગ ગનની મદદથી, બે અલગ અલગ પ્રકારના પૂર્જાઓનું જોડાણ કરી શકાય છે. હવે આ જોડાણ કરેલા પુરજાને જ્યારે છૂટા પાડવા માટે, ડિસ્પોઝલ સોલ્ડરિંગની મદદથી, સર્કિટનાં જોડાણો જુદાં કરી શકાય છે. તેને ‘સોલ્ડર વેટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાધનની મદદથી સર્કિટ બોર્ડ તથા ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઉપર કરેલ સોલ્ડરિંગને પિગળાવીને શોષણ કરવામાં આવે છે, જેથી ફરીથી આ પૂર્જાનો ઉપયોગ કરી શકાય.
સોલ્ડરિંગ ગનની મદદથી જોડાણ કરવા માટે રાખવી પડતી સાવચેતીઓ : (1) સોલ્ડરિંગ ગન બરાબર ગરમ થાય ત્યારે જ તેનો ઉપયોગ કરવો; (2) સોલ્ડરિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતું દ્રવ્ય સારું અને ટકાઉ હોવું જોઈએ; (3) સોલ્ડરિંગ કરતી વખતે બે જોડાણનું શૉર્ટ સર્કિટ (short circuit) ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ; (4) સોલ્ડરિંગ કર્યા બાદ કોઈ જોડાણ ઢીલું ન રહી જાય તે ચકાસવું જોઈએ; (5) સોલ્ડરિંગ ગનનો ઉપયોગ ધાતુને પિગાળવા માટે કરવામાં આવે છે. ધાતુને અનુરૂપ તેને ગરમ કરવું અને વૅક્સ પણ લગાડવું જેથી સોલ્ડરિંગની સપાટી ચળકાટવાળી બને.
રાજેશ રાદડીયા