સોલો, રૉબર્ટ મૉર્ટન (જ. 23 ઑગસ્ટ 1924, બ્રુકલીન, ન્યૂયૉર્ક, અમેરિકા) : 1987ના વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. સમગ્ર ઉચ્ચ શિક્ષણ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં લીધું, જ્યાંથી 1947માં બી.એ., 1949માં એમ.એ. અને 1951માં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી સંપાદન કરી. દરમિયાન 1949માં તેઓ કેમ્બ્રિજ ખાતેના મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માં અધ્યાપક તરીકે જોડાયા, જ્યાં 1958માં તેમને બઢતી મળતાં અર્થશાસ્ત્રના પ્રોફેસર બન્યા. સાથોસાથ તેમણે વિદેશની કેટલીક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓની શૈક્ષણિક હેતુસર મુલાકાત પણ લીધી. 1961–1962 દરમિયાન તેમનો ‘કાઉન્સિલ ઑવ્ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર્સ’માં સમાવેશ થયો હતો તથા 1962–1968નાં છ વર્ષના ગાળામાં તેમણે તે જ સંસ્થાના સલાહકાર તરીકે કામ કર્યું.
રૉબર્ટ મૉર્ટન સોલો
ટકાઉ રાષ્ટ્રીય આર્થિક વિકાસની પ્રક્રિયામાં કયાં પરિબળોનો ફાળો હોય છે તે સમજાવવા માટે સોલોએ વીસમી સદીના પાંચમા દાયકામાં એક ગાણિતિક મૉડલ વિકસાવ્યું. આર્થિક વિકાસની પ્રક્રિયા અંગેનો તેમનો વૈચારિક અભિગમ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના આ અંગેના અભિગમ કરતાં જુદો પડે છે. દા. ત., પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મત મુજબ આર્થિક વિકાસ મૂડીસર્જન અને તેના સંચય તથા શ્રમના પુરવઠાને આભારી હોય છે. જ્યારે સોલોએ સિદ્ધ કરી બતાવ્યું છે કે તેમાં ટૅકનૉલૉજિકલ પ્રગતિના દરનો સાપેક્ષ રીતે વધારે મહત્વનો ફાળો હોય છે, જે અદ્યતન, સુધારેલાં યંત્રો તથા શ્રમના કૌશલ્યમાં સુધારા કરીને મેળવી શકાય છે. સોલો એવું માને છે કે આમ કરવાથી અર્થતંત્રની કાર્યક્ષમતા તથા ઉત્પાદકતામાં વધારો નોંધાય છે. સોલોના આર્થિક વિકાસના મૉડલમાં જે ધારણાઓ કરવામાં આવી છે તે ધારણાઓ ‘હૅરૉડ-ડોમર’ મૉડલમાં કરવામાં આવેલી ધારણાઓ કરતાં તદ્દન જુદી પડે છે. તેવી જ રીતે શ્રમબજારમાં થતા ભરાવાને દૂર કરવા બજારતંત્રની અસરકારકતા અંગે પણ સોલોએ કેટલાક મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા છે.
સોલોએ વિપુલ લખાણ કર્યું છે. તેમના ગ્રંથોમાં ‘લિનિયર પ્રોગ્રામિંગ ઍન્ડ ઇકૉનૉમિક ઍનાલિસિસ’ (આર. ડૉર્ફમન અને પૉલ સૅમ્યુલસનના સહયોગથી 1958), ‘કૅપિટલ થિયરી ઍન્ડ રેટ ઑવ્ રિટર્ન’ (1963), ‘નેચર ઍન્ડ સોર્સિસ ઑવ્ અનઍમ્પ્લૉયમૅન્ટ ઇન યુ.એસ.’ (1964) તથા ‘ગ્રોથ થિયરી : ઍન એક્સ્પોઝિશન’ (1970) વિશેષ ઉલ્લેખનીય છે. 1974માં ‘અમેરિકન ઇકૉનૉમિક રિવ્યૂ’માં તેમના કેટલાક લેખો પ્રકાશિત થયા હતા, જેમાં ‘ડિપ્લીશન થિયરી’ તથા ‘ધ ઇકૉનૉમિક્સ ઑવ્ રિસૉર્સિસ’ અથવા ‘રિસૉર્સિસ ઑવ્ ઇકૉનૉમિક્સ’નો સમાવેશ થાય છે.
ટૅકનૉલૉજિકલ પ્રગતિ અને શ્રમકૌશલ્યમાં સુધારાથી આર્થિક વિકાસનો દર વધે છે. તેમની આ શ્રદ્ધાને કારણે તેમણે 1960 પછીના ગાળામાં પોતાનાં નાણાકીય સાધનો તે દિશામાં વાળવા વિશ્વના દેશોને પ્રોત્સાહિત કરવા સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે