સોલી (2) : સાયપ્રસ ટાપુ પરનું પ્રાચીન ગ્રીક શહેર. ગ્રીક નામ સોલોઈ. તે મૉર્ફોઉના ઉપસાગર પરના આજના કારાવૉસ્તાસીથી પશ્ચિમ તરફ આવેલું હતું. ટ્રોજનના યુદ્ધ પછીના ગાળામાં અતિક (Attic) વીર દ્વારા પરંપરાગત રીતે તેને વસાવવામાં આવેલું, તેથી જ તે કદાચ સાયપ્રસના દરિયાખેડુઓ (ઈ. પૂ. 1193) જેવા નિવાસીઓની યાદ અપાવે છે. બીજી એક દંતકથા મુજબ સાયપ્રસની મુલાકાત લેનાર ઍથેનિયન કાયદાશાસ્ત્રી સોલોન(ઈ. પૂ. છઠ્ઠી સદી)ના નામ પરથી ‘સોલી’ નામ પડ્યું હોવાનું પણ કહેવાય છે. ઈ. પૂ.ની સાતમી સદીમાં સોલી સંભવત: ઍસિરિયા સાથે જોડાયેલું હતું.
સોલીમાં આવેલી નાટ્યગૃહની પ્રાચીન ગૅલરી
હેલેનિક સમયગાળામાં તેની તાંબાની ખાણો જાણીતી હોવા છતાં આ શહેરનું કોઈ ખાસ રાજકીય મહત્વ ન હતું. અહીં ઉત્ખનન દ્વારા મળી આવેલાં સ્મારકોમાં એક થિયેટર, ઍફ્રોડાઇટ અને ઇસિસનું મંદિર તથા વાઉની ખાતે આવેલા નગરની પશ્ચિમે 8 કિમી.ને અંતરે પાંચમી સદીના એક મહેલનો સમાવેશ થાય છે.
જાહનવી ભટ્ટ