સોલહૉફેન ચૂનાખડક (Solnhofen Limestone)
January, 2009
સોલહૉફેન ચૂનાખડક (Solnhofen Limestone) : જર્મનીના સોલહૉફેન વિસ્તારમાં પથરાયેલા ઊર્ધ્વ જુરાસિક (વ. પૂ. 19થી 13.6 કરોડ વર્ષ) કાળનો ખડકવિભાગ. અહીંના ઊર્ધ્વ જુરાસિક ખડકો જીવાવશેષયુક્ત છે અને પરવાળાંના ખરાબાથી બનેલા છે. જુરાસિક કાળ દરમિયાન તેમાં ખાડીસરોવરો અસ્તિત્વ ધરાવતાં હતાં. આ સરોવરોમાં ચૂનાયુક્ત નિક્ષેપો એકઠા થયે જતા હતા, જેમાંથી અતિસૂક્ષ્મ ચૂનાખડક તૈયાર થયેલો. આજે આ ચૂનાખડક શિલામુદ્રણ માટેના અક્ષરો (lithographic units) બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ ચૂનાખડકની અતિસૂક્ષ્મ કણરચનાને કારણે તેમાં ઊર્ધ્વ જુરાસિક કાળના જીવાવશેષો જળવાઈ રહ્યા છે; એટલું જ નહિ, તેમાં સામેલ જીવોના આંતરિક મૃદુ ભાગોની જાળવણી પણ શક્ય બની છે. ઉપલબ્ધ જીવાવશેષો પૈકી સરીસૃપોનાં લક્ષણ અને દેખાવવાળા સર્વપ્રથમ પક્ષી ‘આર્કિયૉપ્ટેરિક્સ’નો જીવાવશેષ મહત્વનો ગણાય છે. અન્ય જીવાવશેષોમાં પાંખોવાળા પ્ટેરોસોર અથવા પાંખોવાળાં સરિસૃપ, કીટકોની એકસોથી વધુ જાતિઓ(મુખ્યત્વે કંસારી, પતંગિયાં અને માખીઓની વિરલ જાતિઓ)નો સમાવેશ થાય છે. સમગ્રપણે જોતાં, આ ખડક જુરાસિક પ્રાણીઓની 450થી વધુ જાતિઓ (તે પૈકી જળવાયેલા મૃદુ ભાગોવાળી જેલીફિશની આઠ સહિત) પણ ધરાવે છે.
ગિરીશભાઈ પંડ્યા