સોલન (સોલોન) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 05´થી 31° 15´ ઉ. અ. અને 76° 42´થી 77° 20´ પૂ. રે. વચ્ચેનો 1,936 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ બિલાસપુર, ઈશાન તરફ મંડી, પૂર્વ તરફ સિમલા અને અગ્નિ તરફ સિરમોર જિલ્લાઓ તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ હરિયાણા અને પંજાબ રાજ્યોની સીમા આવેલાં છે. જિલ્લામથક સોલન જિલ્લાના અગ્નિભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર પહાડી છે. બાહ્ય હિમાલયની શિવાલિક ટેકરીઓ અહીં આવેલી છે. અમુક ભાગોમાં દૂન અને ખીણો પણ છે. ઉત્તર, ઈશાન અને પૂર્વમાં વધુ ઊંચાઈવાળી જ્યારે દક્ષિણ અને પશ્ચિમ તરફ ઓછી ઊંચાઈવાળી ટેકરીઓ આવેલી છે. દૂન અને ખીણની જમીનો ફળદ્રૂપ છે. પહાડી ઢોળાવો ઉગ્ર કે મધ્યમસરના છે. 500 મી.થી 2,300 મી.ની ઊંચાઈ વચ્ચે જંગલો જોવા મળે છે. સતલજ અને યમુના નદીના તથા યમુના અને ઘગ્ગર નદીના સ્રાવ-વિસ્તારો મુખ્ય ડુંગરધારથી અલગ પડે છે. અહીંનાં મુખ્ય શિખરોમાં સિધબાવા (2,300 મીટર), કારોલ (2,250 મીટર), તારાદેવી મંદિર (2,150 મીટર), રાજગઢ (2,100 મીટર) અને પચમંદ(2,000 મીટર)નો સમાવેશ થાય છે. ઊંચાઈના તફાવત પ્રમાણે જિલ્લામાં ચીલ, દેવદાર, કૈલ, ઓક, વાંસ, ખેર જેવાં વૃક્ષો જોવા મળે છે. જંગલોમાંથી રાળ, ચીલનાં લાકડાં; કાગળના માવા માટેનાં લાકડાં; ઇંધન તથા કોલસા માટેનાં લાકડાં; વાંસ, ઘાસ અને કાથા જેવી પેદાશો મળે છે.
સોલન જિલ્લો
આબોહવા : જિલ્લાનાં વધુ ઊંચાઈવાળાં સ્થાનોમાં ઠંડી તથા ઓછી ઊંચાઈવાળાં સ્થાનોમાં ગરમ આબોહવા પ્રવર્તે છે. ઉનાળાનાં અને શિયાળાનાં તાપમાન અનુક્રમે 14° અને 33° સે. તથા 0°થી 15° સે. વચ્ચેનાં રહે છે. અહીં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડે છે.
જળપરિવાહ : આ જિલ્લામાં સતલજ, યમુના અને ઘગ્ગર મુખ્ય નદીઓ છે. શિવાલિકમાંથી નીકળતી ઘણી સહાયક નદીઓ સતલજ, યમુના અને ઘગ્ગરને મળે છે.
ખેતી : જિલ્લામાં રેતાળ, રેતાળ-માટીવાળી અને રેતાળ-ગોરાડુ જમીનો જોવા મળે છે. ખેતીનો મુખ્ય આધાર અહીં જમીન, વાતાવરણ અને પાણી પર રહેલો છે. અહીં ઘઉં, મકાઈ, ડાંગર, કઠોળ, શાકભાજી, આદું, જરદાળુ (આલુબુખારા), પીચનો પાક લેવાય છે. આ જિલ્લામાં ખેતીની પેદાશોને અનુલક્ષીને ત્રણ વિભાગો (ખીણવિસ્તારો, મધ્યમ ઊંચાઈના વિસ્તારો અને તેથી વધુ ઊંચાઈના વિસ્તારો) છે. વીસમી સદીના ઉત્તરાર્ધથી અહીં મશરૂમની ખેતી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં ખાટાં અને અષ્ઠિલ (કવચયુક્ત) ફળોની વાડીઓ આવેલી છે; અષ્ઠિલ ફળોમાં પ્લમ, જરદાળુ, લીલી બદામ, અખરોટ તેમજ સફરજનનો સમાવેશ થાય છે. આ ફળોનો વેપાર અહીં સારા પ્રમાણમાં થાય છે.
પશુપાલન : જિલ્લામાં ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ વિકસેલો છે. ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, ડુક્કર અને મરઘાં-બતકાંનો ઉછેર કરવામાં આવે છે. જિલ્લામાં પશુઓ માટે પશુદવાખાનાં અને ચિકિત્સાલયોની સુવિધા છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લામાં સારા પ્રમાણમાં મળતા ચૂનાખડકો, ડોલોમાઇટયુક્ત ચૂનાખડકો અને ચિરોડીનું ખનનકાર્ય ચાલે છે. ભારત સ્વતંત્ર થયું તે અગાઉ અહીં દારૂ બનાવવાના એકમો તથા કુટિર-ઉદ્યોગો ચાલતા હતા. 1975 પછી અહીં નાના, મધ્યમ અને મોટા પાયા પરના ઉદ્યોગોનો વિકાસ થયો છે. આજે અહીં ટ્રૅક્ટર અને ઑટોમોબાઇલના ભાગો, બેરિંગ, ફિલ્ટર, કાંડાઘડિયાળો, ઘડિયાળના જ્વેલ અને અન્ય પુરજા, ફળોની પેદાશો, પોલિથિલીન-ફિલ્મ વગેરે જેવી પેદાશોનું ઉત્પાદન લેવાય છે. આ ઉપરાંત અહીં ટેલિવિઝન સેટ, ટ્રાન્ઝિસ્ટર, સૂક્ષ્મદર્શકો, વીજળીની મોટરો, વીજાણુ-સામગ્રી, ટેપ-રેકર્ડર, ઊન અને તેનાં કપડાં વગેરેનું ઉત્પાદન થાય છે. પેપરની મિલો, કાપડ બનાવવાના, ઊન પ્રક્રમણના અને પોલાદનાં પતરાં બનાવવાના એકમો પણ કાર્યરત છે.
અહીંથી ઊનની શાલ, ગાલીચા, હોઝિયરી, મીણબત્તી, પરદેશી પ્રકારનો ભારતીય બનાવટનો દારૂ, ટ્રૅક્ટર, એંજિન-બેરિંગ, ફિલ્ટર, ધાતુનાં પતરાં, ખેતીની પેદાશો, ફળો, શાકભાજી, કાંડાઘડિયાળોની જિલ્લા બહાર નિકાસ થાય છે. ખાદ્યાન્ન અને લોખંડ-પોલાદની આયાત કરવામાં આવે છે. વેપારની સુવિધા માટે જિલ્લામાં વાણિજ્ય તથા સહકારી બૅન્કો આવેલી છે.
પરિવહન : આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 22 તથા રેલમાર્ગ પસાર થાય છે. જિલ્લાનાં બધાં જ નગરો તેમજ મોટા ભાગનાં ગામો પાકા રસ્તાઓથી જોડાયેલાં છે. જિલ્લામાં કુલ 1,340 કિમી.ના માર્ગો આવેલા છે. અંતરિયાળમાં આવેલાં નાનાં ગામડાંમાં પણ કાચા માર્ગો અને કેડીઓની સગવડો પૂરી પાડવામાં આવેલી છે.
પ્રવાસન : આ જિલ્લામાં ચૈલ, કુંડઘાટ, સોલન, કસૌલી, દગ્શાઈ, સબાથુ, પર્વણુ અને નાલાગઢ જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે. આ પૈકી ચૈલ, સોલન, દગ્શાઈ જેવાં પ્રવાસી-વિશ્રામસ્થળો અને કસૌલીનું આરોગ્યધામ વધુ જાણીતાં છે. જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે અને જુદા જુદા ઉત્સવો યોજાય છે. આ પૈકી શરદપૂર્ણિમાનો મેળો, દેવબડા મેળો, બડી મેળો, બૈશાખી મેળો, બાનલી મેળો, પશુમેળો, સાડીમેળો, કોટી મેળો, સલોનીદેવીનો મેળો વધુ મહત્વના છે.
મધ્યસ્થ સંશોધનસંસ્થા, કસૌલી
વસ્તી : 2001 મુજબ સોલન જિલ્લાની વસ્તી 4,99,380 જેટલી છે. જિલ્લામાં હિન્દુઓની વસ્તી વિશેષ, મુસલમાનો અને શીખોની વસ્તીનું પ્રમાણ મધ્યમ તથા ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈનોની વસ્તી ઓછી છે. અહીં હિન્દી અને પહાડી ભાષાઓ બોલાય છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 50 % જેટલું છે. સોલન ખાતે હૉર્ટિકલ્ચરલ-ફૉરેસ્ટ્રી યુનિવર્સિટી તથા સરકારી કૉલેજ આવેલી છે. જિલ્લામાં 2,501 ગામડાં પૈકી 284 ગામોમાં તથા શહેરો અને નગરોમાં તબીબી સેવાની સુવિધા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 7 તાલુકા અને 5 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 7 નગરો અને 2,501 (153 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
સોલન (નગર) : જિલ્લાનું વડું વહીવટી મથક સોલન છે. આ નગર સિમલાથી 45 કિમી. નૈર્ઋત્ય તરફ સિમલા-કાલકા નૅરોગેજ રેલમાર્ગ તેમજ સિમલા-કાલકા સડકમાર્ગ પર આવેલું છે. સોલન નામ હિન્દુ દેવી ‘સલોની’ પરથી રખાયેલું છે. આ શહેર હિમાલયની બાહ્ય હારમાળામાં 1,360 મીટરની ઊંચાઈ પર વસેલું છે. અહીંની ટેકરીઓ પાઇન, જરદાળુ અને અખરોટનાં વૃક્ષોવાળાં વનથી આચ્છાદિત છે. સિમલા કે નજીકનાં અન્ય સ્થળોના પ્રવાસે આવતા લોકો આ માર્ગેથી જાય છે. તેઓ કારોલ અને મતિયોલ ટેકરીઓ, સપ્રુન ઝરો અને હૅપી ખીણ જોવા આવે છે.
અહીંના ઉદ્યોગોમાં આલ્કોહૉલિક અને સાદાં પીણાં, વૈજ્ઞાનિક/વીજાણુ સાધનો તેમજ પ્લાસ્ટિક માલસામાનનો સમાવેશ થાય છે. અહીં સંસ્કૃત શિક્ષણની કૉલેજ, હિમાચલ પ્રદેશ કૃષિ યુનિવર્સિટી અને સંશોધન-સંસ્થા આવેલી છે. અહીં દારૂ ગાળવાની ભઠ્ઠીમાં બિયર અને વ્હિસ્કીનું ઉત્પાદન લેવાય છે. 19મી સદી દરમિયાન અંગ્રેજોએ અહીં નાની લશ્કરી છાવણી સ્થાપેલી.
ઇતિહાસ : ઓગણીસમી સદીની છેલ્લી પચીસી(quarter)માં હિમાચલ પ્રદેશમાં આવેલા સોલન નગરમાં કૅન્ટોનમેન્ટ બાંધવામાં આવ્યું. 1 સપ્ટેમ્બર 1972ના રોજ હિમાચલ પ્રદેશમાં જિલ્લાઓની પુનર્રચના થઈ ત્યારે સોલન જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. મહાસુ જિલ્લાના તથા સિમલા જિલ્લાના બે બે તાલુકા લઈને સોલન જિલ્લાની રચના કરવામાં આવી. આ જિલ્લામાં અગાઉનાં ભાગલ, ભાગત, કુનીહાર, કુથાર, મંગલ, બેજા, મહલોગ વગેરે નાનાં દેશી રાજ્યોનો સમાવેશ થાય છે. ઈ. સ. 1803થી 1805 દરમિયાન આ રાજ્યો ગુરખાઓનાં આક્રમણોનો ભોગ બન્યાં હતાં. ઈ. સ. 1815માં અંગ્રેજોએ ગુરખાઓને હરાવ્યા બાદ, તે રાજ્યો સ્વતંત્ર થયાં અને ત્યાંના રાજાઓની સત્તા પ્રવર્તી. આ રાજ્યો વસ્તી અને વિસ્તારમાં નાનાં હતાં અને સ્વતંત્રતા મળતાં અગાઉ સુપરિન્ટેન્ડેન્ટ ઑવ્ સિમલા સ્ટેટ્સના અંકુશ હેઠળ હતાં.
ઈ. સ. 1948ના એપ્રિલ મહિનામાં હિમાચલ પ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી, ત્યારે આ રાજ્યો મહાસુ જિલ્લામાં હતાં. સપ્ટેમ્બર 1972માં સોલન જિલ્લાની રચના થતાં તે રાજ્યો તેમાં સમાવી લેવામાં આવ્યાં.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ