સોરોખૈબામ, લલિતસિંઘ (જ. 1893, ઇમ્ફાલ; અ. 1955) : મણિપુરી નાટ્યકાર, અભિનેતા અને દિગ્દર્શક. નાની વયથી તેમની રુચિ રંગમંચ તરફ રહી હતી અને તેમણે કેચર, આસામના બિહારીસિંઘ દ્વારા મણિપુરીમાં અનૂદિત બંગાળી નાટક ‘પાગલિની’માં અભિનય આપ્યો હતો. 1931માં મણિપુરના જાણીતા રંગમંચ એમ.ડી.યુ.ની સ્થાપના સાથે તેઓ સક્રિયપણે સંકળાયેલા હતા અને તેમણે તેમાં નાટ્યકાર, દિગ્દર્શક જેવી વિવિધ હેસિયતથી સેવા આપી હતી. તેમને મણિપુર રંગમંચની પરંપરામાં ખૂબ વિશ્વાસ હતો અને તેમણે તેના ઉત્તેજન માટે તેમનું સમગ્ર જીવન સમર્પિત કર્યું.
એમ.ડી.યુ. ખાતે તેમણે લખેલાં અને ભજવણી કરેલ કેટલાંક મહત્વનાં નાટકોમાં ‘ખમ્બા શમુ ખોન્ગ્યાત્પા’ મોઈરંગના ખમ્બા અને થોઈબીની વાર્તામાંથી લીધેલ લોકકથાના વિષયવસ્તુવાળી છે. ઐતિહાસિક નાટકોમાં ‘સતી ખોંગ્નાંગ’ (ધ પીપલ ટ્રી ઇન ધ મેમરી ઑવ્ અ સતી), મણિપુરના મહાન રાજાના જીવન પર આધારિત ‘ભાગ્યચંદ્ર’ અને ‘પુરાણ મૈથબા’(બર્નિંગ ઑવ્ પુરાણ)નો સમાવેશ થાય છે. ‘મૈનુ પેમ્ચા’ સામાજિક–ઐતિહાસિક નાટક, ‘અરેપ્પા મરુપ’ (કોન્સ્ટંટ ફ્રેંડ) સામાજિક નાટક અને ‘માથુર’ કૃષ્ણ આખ્યાનમાંના વિષયવસ્તુ પર આધારિત નાટક છે.
આ નાટકો અદ્યતન મણિપુરી નાટકના વિકાસમાં શરૂઆતના તબક્કે છે. અદ્યતન મણિપુરી નાટકનો પ્રારંભ રૂઢ શૈલીમાં લખાયેલ લોકકથા અને ઇતિહાસના વિષયવસ્તુ તરફનો ઝોક દર્શાવે છે અને લલિતસિંઘે તેના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેમણે અનેક નાટકોનું દિગ્દર્શન કર્યું છે અને તેમાંનાં ઘણાં નાટકોને પ્રાદેશિક અને રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમને 1960માં મણિપુરી સાહિત્ય પરિષદનો નાટ્યવિશારદ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
બળદેવભાઈ કનીજિયા