સોયુઝ (Soyuz) : સોવિયેત સંઘના સ-માનવ અંતરીક્ષ યાનોની શ્રેણી. ‘સોયુઝ’નો અર્થ મેળાપ અથવા મિલન (union) થાય છે. લાંબા સમય સુધી એક કરતાં વધારે યાત્રીઓ તેમાં રહીને અંતરીક્ષમાં વૈજ્ઞાનિક અને ઇજનેરી વિષયનાં સંશોધનો કરી શકે તથા અંતરીક્ષમાં તેની કક્ષાનું નિયંત્રિત રીતે પરિવર્તન કરીને અન્ય યાન સાથે જોડાણ કરી શકે તે હેતુ માટે ‘સોયુઝ’ની રચના કરવામાં આવી હતી. સોયુઝ અંતરીક્ષ યાનના મુખ્ય ત્રણ ભાગ છે : કક્ષીય એકમ (orbital module), પુન:પ્રવેશ એકમ (re-entry module) અને પ્રચાલક/ઉપકરણ એકમ (propulsion/instrument module). કક્ષીય એકમનો ઉપયોગ પ્રયોગશાળા તરીકે તથા યાત્રીઓના આરામ અને નિદ્રા માટે કરવામાં આવે છે. પૃથ્વી પર પાછા આવવા માટે પુન:પ્રવેશ એકમનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં વધારેમાં વધારે ત્રણ યાત્રીઓનો સમાવેશ થઈ શકે છે. પુન:પ્રવેશ એકમની બહારની દીવાલ ઉપર ઉષ્ણતાવરોધક પદાર્થનો ઢોળ ચડાવેલો હોવાથી વાતાવરણના ઘર્ષણથી ઉત્પન્ન થતી ગરમીનું શોષણ થતું હતું, જેથી અંદરનું તાપમાન વધતું નહોતું. આ ઉપરાંત, તેનો આકાર એવો હતો કે જેથી વાતાવરણમાં પ્રવેશ દરમિયાન તેની ગતિ ઓછી થાય. છેલ્લે પેરાશૂટ અને ઊર્ધ્વ-રૉકેટના ઉપયોગથી ઉતરાણ વખતે તેની ગતિ 23 મીટર પ્રતિ સેકંડ જેટલી ધીમી થતી હતી. પ્રચાલક/ઉપકરણ એકમમાં મોટા ભાગનાં ઉપકરણો અને પ્રચાલક રૉકેટ-એન્જિન રાખવામાં આવે છે. પ્રચાલકની મદદથી 1300 કિમી. જેટલી મહત્તમ કક્ષીય ઊંચાઈ મેળવી શકાતી હતી. સમગ્ર સોયુઝ અંતરીક્ષ યાનનું વજન લગભગ 6.5 ટન જેટલું હતું અને તેમાં યાત્રીઓને રહેવા માટે 9 ઘનમીટર જેટલી જગા ઉપલબ્ધ હોય છે.
સોયુઝ–1નું પરીક્ષણ-ઉડ્ડયન 23 એપ્રિલ, 1967ના રોજ કરવામાં આવ્યું હતું. એક દિવસના અંતરીક્ષ-ઉડ્ડયન બાદ પૃથ્વી પર ઉતરાણ કરતી વખતે પેરાશૂટ-તંત્રમાં ક્ષતિ ઉત્પન્ન થવાથી તેના અંતરીક્ષયાત્રી વ્લાદીમિર કોમોરૉવનું મૃત્યુ થયું હતું. ત્યાર પછીનાં સોયુઝનાં અંતરીક્ષ-ઉડ્ડયનોની કામગીરી નીચેની સારણીમાં આપી છે :
તારીખ | સોયુઝ-ક્રમાંક | કામગીરી |
25 ઑક્ટોબર,
1968 |
સોયુઝ – 2, 3 | બંને યાનોનું અંતરીક્ષમાં જોડાણ,
ઉતરાણ – 30 ઑક્ટોબર |
14 જાન્યુઆરી,
1969 તથા 15 જાન્યુઆરી, 1969 |
સોયુઝ – 4, 5 | બંને યાનોનું જોડાણ, યાત્રીઓની
ફેરબદલ, બંને યાનોનું સંયુક્ત વજન લગભગ 13 ટન, અંતરીક્ષમાં વૈજ્ઞાનિક પ્રયોગો, ભૂ-અવલોકન તથા ભૂમિની તસવીરો, ઉતરાણ – 17 જાન્યુઆરી, 1969 |
11 ઑક્ટોબર
12 ઑક્ટોબર 13 ઑક્ટોબર, 1969 |
સોયુઝ – 6
સોયુઝ – 7 સોયુઝ – 8 |
ત્રણેય યાનોનું અંતરીક્ષમાં અલગ-અલગ
સહ-ઉડ્ડયન, કક્ષાની ઊંચાઈ200થી 225 કિમી., કુલ સાત યાત્રીઓ, ત્રણેય યાન વચ્ચે તથા ભૂમિ સાથે રેડિયો- સંપર્ક, ઉતરાણ – સોયુઝ – 6 (16 ઑક્ટોબર) સોયુઝ – 7 (17 ઑક્ટોબર) સોયુઝ – 8 (18 ઑક્ટોબર) |
1 જૂન, 1970 | સોયુઝ – 9 | અંતરીક્ષમાં બે યાત્રીઓનું 425 કલાકનું
ઉડ્ડયન, વૈજ્ઞાનિક તથા ઇજનેરી પ્રયોગો, ઉતરાણ 19 જાન્યુઆરી, 1970 |
23 એપ્રિલ,
1971 |
સોયુઝ – 10 | સેલ્યુટ – 1 સાથે અંતરીક્ષમાં સહ-
ઉડ્ડયન તથા જોડાણ. જોડાણ બાદ 5 કલાક 30 મિનિટનું ઉડ્ડયન, ત્યાર બાદ સોયુઝ – 10 અલગ થયા બાદ ઉતરાણ – 25 એપ્રિલ, 1971 |
સોયુઝ
ત્યાર પછીનાં સોયુઝનાં ઉડ્ડયનો ‘સેલ્યુટ’ અને ‘મિર’ અંતરીક્ષ મથકોની મુલાકાત લેનારા અંતરીક્ષયાત્રીઓની આવન-જાવન માટે કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, ‘આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ-મથક’ (International Space-Station – ISS) તૈયાર કરવા માટે ‘સોયુઝ’નો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને, ફેબ્રુઆરી 2003 દરમિયાન અમેરિકાના ‘સ્પેસ શટલ’ કોલંબિયાનો નાશ થયા પછી ‘સ્પેસ-શટલ’નાં ઉડ્ડયનો સ્થગિત કરી દેવામાં આવ્યાં હોવાથી, ISS તૈયાર કરવા માટે ફક્ત ‘સોયુઝ’ ઉપર જ આધાર રાખવામાં આવે છે.
પરંતપ પાઠક