સોમેશ્વર : સોલંકીકાળના ગુજરાતી વિદ્વાન મહાકવિ. તેમનું વતન આનંદપુર એટલે વડનગર હતું. તેઓ વસિષ્ઠ ગોત્રના અને ગુલેચા કુળના હતા. તેમના પૂર્વજો અને તેઓ પોતે ગુર્જરેશ્વરના પુરોહિત હતા. સોલંકી વંશના સ્થાપક રાજા મૂળરાજ સોલંકીના રાજપુરોહિત સોલશર્મા સોમેશ્વરના પૂર્વજ હતા. સોલશર્માએ વાજપેય યજ્ઞ અને પ્રયાગમાં પિતૃપિંડદાન કરેલું. ઋગ્વેદના જ્ઞાતા અને સો યજ્ઞો કરનારા લલ્લશર્મા સોલશર્માના પુત્ર અને ચામુંડરાજના પુરોહિત હતા. લલ્લશર્માના પુત્ર મુંજ દુર્લભરાજના પુરોહિત હતા. મુંજના પુત્ર સોમશર્મા દુર્લભરાજ અને ભીમદેવના રાજપુરોહિત હતા અને તેમણે કોટ્યર્કમાં યજ્ઞ કરેલો અને જૈન સાધુઓને ઉપાશ્રય વગેરે અપાવેલાં. સોમશર્માના પુત્ર આમશર્મા યજ્ઞો કરનારા અને પુરોહિત તરીકે શત્રુરાજાની કૃત્યાને પાછી વાળી રાજા કર્ણદેવનું અને સેનાનું રક્ષણ કરનારા હતા. આમશર્માના પ્રથમ પુત્ર કુમાર સિદ્ધરાજના પુરોહિત તરીકે શત્રુઓને જીતવામાં સિદ્ધરાજને દૈવી સહાય પૂરી પાડનારા હતા. આમશર્માના દ્વિતીય પુત્ર સર્વદેવે ઘણા યજ્ઞો કરેલા. સર્વદેવના પુત્ર આમિગે હેમચંદ્રાચાર્ય પર સિદ્ધરાજની રાજસભામાં આક્ષેપો કરેલા. આમિગના પુત્ર કુમાર બીજાએ કુમારપાળનાં અસ્થિનું વિસર્જન કરેલું. તે શિવભક્ત અને દાનવીર બ્રાહ્મણ હતા અને મહાકવિ સોમેશ્વરના પિતા હતા. અજયપાળ અને મૂળરાજ બીજાના ફક્ત રાજપુરોહિત જ નહિ, વીર સેનાપતિ તરીકે અનેક વિજયો મેળવનાર કર્મકાંડી છતાં અપરિગ્રહી બ્રાહ્મણ હતા. આમ સોમેશ્વરના પિતાનું નામ કુમાર અને માતાનું નામ લક્ષ્મી હતું. સોમેશ્વર વચેટ ભાઈ હતા. તેમના મોટા ભાઈનું નામ મહાદેવ અને નાના ભાઈનું નામ વિજય હતું.
પંડિત કવિ અને ગુર્જરેશ્વર પુરોહિત સોમેશ્વર લવણપ્રસાદ, વીરધવલ અને વીસલદેવ એ ધોળકાના રાણાઓ સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા. વિદ્વાન મહાકવિ મહામાત્ય વસ્તુપાલ વિશે સોમેશ્વરે ‘કીર્તિકૌમુદી’ નામનું મહાકાવ્ય લખ્યું છે. એટલે ઇતિહાસકારોના મતે સોમેશ્વરનો જીવનકાળ 1180થી 1256 સુધીનો લેખાય છે.
સોમેશ્વરે માર્કંડેયપુરાણમાંની રાજા સુરથની વાર્તાના આધારે ‘સુરથોત્સવ’ નામનું મહાકાવ્ય, મહામાત્ય અને ‘નરનારાયણનંદ’ નામના મહાકાવ્યના રચયિતા વિદ્વાન કવિ વિશે ‘કીર્તિકૌમુદી’ નામનું બીજું મહાકાવ્ય, ‘રામાયણ’ના આધારે ‘રામશતક’ કાવ્ય અને ‘ઉલ્લાઘરાઘવ’ નામનું નાટક, સુભાષિતસંગ્રહ ‘કર્ણામૃતપ્રપા’, ‘નેમિનાથચૈત્યનિર્માણપ્રશસ્તિ’, ‘વસ્તુપાલપ્રશસ્તિ’, ‘વસ્તુપાલગુણ-પ્રશસ્તિસુભાષિત’, ‘વસ્તુપાલતેજપાલપ્રશસ્તિ’, ‘દર્ભાવતીવૈદ્યનાથ-નિર્માણપ્રશસ્તિ’, ‘વીરનારાયણપ્રાસાદનિર્માણપ્રશસ્તિ’ વગેરેની રચના કરી છે.
પ્ર. ઉ. શાસ્ત્રી