સોમેઝ (નદી) : વાયવ્ય રુમાનિયાના ટ્રાન્સિલ્વેનિયામાં આવેલી મહત્વની નદી. તેનું હંગેરિયન નામ સ્ઝેમોસ છે. તેના ઉપરવાસના ભાગમાં તે બે નદીઓથી તૈયાર થાય છે : સોમેઝુ મેર (મહા સોમેઝ) મન્ટી રોડનીમાંથી નીકળીને નૈર્ઋત્ય તરફ વહે છે; જ્યારે સોમેઝુ મિક (લઘુ સોમેઝ) મન્ટી અપુસેનીમાંથી બે ઝરણાં રૂપે નીકળીને ઈશાન તરફ વહે છે. ઉપરવાસની આ બંને નદીઓ ખૂબ જ વેગવાળી છે. તે ટ્રાન્સિલ્વેનિયાના થાળામાં આવેલા ડેજ નગર ખાતે સંગમ પામે છે. અહીંથી તેનો વહનપથ વાયવ્ય તરફ વળાંકોવાળો બને છે. 400 કિમી. લંબાઈમાં વહ્યા પછી હંગેરીમાં તે તિસા(તિસ્ઝા)માં પ્રવેશે છે. ડેજ અને તિસા વચ્ચે તેને બીજી ઘણી સહાયક નદીઓ મળે છે. સતુ મેર નામનું શહેર સોમેઝ નદીના કાંઠે આવેલું છે.
જાહનવી ભટ્ટ