સોમાલીલૅન્ડ (જિબુટી)

January, 2009

સોમાલીલૅન્ડ (જિબુટી) : સોમાલિયા અને જિબુટીને આવરી લેતો ઐતિહાસિક વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 6° ઉ. અ. અને 48° પૂ. રે. આજુબાજુનો વિસ્તાર. પ્રાચીન મિસરવાસીઓમાં આ વિસ્તાર ‘Land of Punt’ના એક ભાગ તરીકે જાણીતો હતો. સાતમી અને બારમી સદીના વચ્ચેના ગાળામાં અરબી–મુસ્લિમ વેપારીઓ અહીંના દરિયાકિનારે આવીને વસ્યા. તેમણે હિન્દી મહાસાગરને કાંઠે બ્રેવા, મરકા અને મોગાદિશુ તથા એડનના અખાતને કાંઠે ઝીલા અને બરબેરા જેવાં શહેરો વસાવ્યાં. તેઓ ત્યારે કીમતી ગુંદર, શાહમૃગનાં પીછાં અને ગુલામોની નિકાસ કરતા. અંતરિયાળમાં રહેતા ખ્રિસ્તી ઇથિયોપિયનો સામે તેમણે લડાઈ પણ કરેલી. ઝીલા ખાતે અદલની સલ્તનત તથા મોગાદિશુ ખાતે અજુરનની સલ્તનત સ્થાપેલી. દસમી અને પંદરમી સદીના ગાળા દરમિયાન આ વિસ્તારના ઉત્તર ભાગમાં વસતા, પરંતુ વિચરતા રહેતા સોમાલી લોકોએ ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો. તેઓ સલ્તનતમાં સેવા આપતા. સમય વીતતાં અહીંની સલ્તનત સોમાલીઓના કાબૂમાં આવી. સોમાલીઓએ આ વિસ્તારને દક્ષિણમાં આવેલા કેન્યા સુધી વિસ્તાર્યો.

1862થી રાતા સમુદ્રના મુખ નજીક ઓબોક ખાતે ફ્રેન્ચોનું મથક હતું, તે પછીથી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના અંતિમ ચરણમાં યુરોપના દેશોએ આફ્રિકાને અંદરોઅંદર વહેંચી લેવાનું શરૂ કર્યું. ઉત્તર કાંઠાના બીજા કેટલાક પ્રદેશો ઇજિપ્તે પોતાને હસ્તક લઈ લીધા; દક્ષિણ સોમાલીલૅન્ડ પર ઝાંઝીબારના સુલતાનનું પ્રભુત્વ રહેલું. 1880ના દાયકાના અંતભાગમાં ફ્રાન્સે આજના જિબુટી પ્રદેશ પરના તેના અધિકારને વિસ્તાર્યો હતો, બ્રિટને તેના એડન ખાતેના મથકની સામેના ઉત્તર કાંઠા પર રક્ષિત પ્રદેશની પકડને મજબૂત બનાવી, જ્યારે ઇટાલીએ દેશના બાકીના ભાગ પર વર્ચસ્ જમાવ્યું. ઉત્તરમાં મુસ્લિમ નેતા મુહમ્મદ ઇબ્ને (અબ્દ અલ્લાહ હસને) 1899માં બ્રિટન સામે યુદ્ધ શરૂ કર્યું. 1920માં તેનું મરણ થયું ત્યાં સુધી દેશના અંદરના ભાગો પરની પકડ જમાવી રાખેલી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઇટાલિયનોએ સોમાલીલૅન્ડના છેક દક્ષિણમાં આવેલા જુબાલૅન્ડનો કબજો લીધો. 1935માં ઇટાલિયનોએ તેમના સોમાલી પ્રદેશોને ઇથિયોપિયામાં ભેળવીને તેની ઇટાલિયન પૂર્વ આફ્રિકા તરીકે રચના કરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટને ઇટાલિયન વિભાગ જીતી લીધો. 1960માં બ્રિટિશ સોમાલીલૅન્ડ અને ઇટાલિયન સોમાલીલૅન્ડ જોડાયાં, તેમાંથી સ્વતંત્ર સોમાલિયા પ્રજાસત્તાક રચાયું.

જાહનવી ભટ્ટ