સોમાલી (થાળું) : હિન્દી મહાસાગરના ફાંટારૂપ અરબી સમુદ્રના નૈર્ઋત્ય ભાગના તળ પર આવેલું અધોદરિયાઈ થાળું. તે સોમાલિયાની ભૂશિરથી પૂર્વ તરફ આવેલું છે. કાર્લ્સબર્ગ ડુંગરધાર તેને ઈશાન તરફ આવેલા અરબી ગર્તથી અલગ પાડે છે. આ થાળું દક્ષિણમાં રહેલા મૅસ્કેરીન અને માડાગાસ્કર થાળાંને સાંકળે છે. અહીંની તળ-ઊંડાઈ 3,600 મીટર જેટલી છે. સોમાલી અને અરબી થાળાંની તળ-ઊંડાઈ આ બે વિસ્તારોમાં રહેતાં લઘુતમ તાપમાન પરથી તારવવામાં આવેલી છે.
સોમાલી (પ્રવાહ) : હિન્દી મહાસાગરના પશ્ચિમ ભાગમાં જળસપાટી પર વહેતો સમુદ્રપ્રવાહ. આ પ્રવાહ ઉત્તર ગોળાર્ધમાં પ્રવર્તતા ઉનાળા દરમિયાન વાતા નૈર્ઋત્યના મોસમી પવનોને કારણે ઉદભવે છે અને પૂર્વ આફ્રિકાના કાંઠે કાંઠે વહે છે. પવનોની અસર હેઠળ તે આશરે 1,500 કિમી.ના અંતર સુધી કાંઠાનાં જળને આગળ ધપાવે છે. સોમાલિયાથી થોડે દૂર સમુદ્ર ભાગમાં 6°થી 10° ઉ. અક્ષાંશ ખાતે ઈશાની સોમાલી પ્રવાહ મોસમી પ્રવાહ રૂપે પૂર્વ તરફ ફંટાય છે. સપ્ટેમ્બરમાં મોસમી પવનોની દિશા બદલાતાં આ પ્રવાહ મંદ પડે છે, શિયાળો બેસવાની સાથે તે લગભગ બંધ પડી જાય છે. તેને બદલે તેના સ્થાને તદ્દન ધીમો નૈર્ઋત્યગામી પ્રવાહ વહેતો રહે છે.
ગિરીશભાઈ પંડ્યા