સોમાલિયા : આફ્રિકાખંડની મુખ્ય ભૂમિ પર છેક ઈશાનકોણમાં આવેલો દેશ. હિંદ મહાસાગર અને એડનના અખાત વચ્ચે આવેલી તેની ભૂશિર શિંગડાનો આકાર રચે છે. તે 2° 00´ દ. અ.થી 12° 00´ ઉ. અ. તથા 41° 00´થી 51° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 6,37,657 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર–દક્ષિણ લંબાઈ 1,529 કિમી. અને પૂર્વ–પશ્ચિમ પહોળાઈ 1,175 કિમી. જેટલી છે. તેને 2,408 કિમી. લાંબો દરિયાકિનારો મળેલો છે.
સોમાલિયા
ભૂપૃષ્ઠ : સોમાલિયાનો મોટો ભાગ સવાના નામે ઓળખાતાં સૂકા ઘાસનાં મેદાનોથી બનેલો છે. ઉત્તર તરફ સાંકડી કિનારાપટ્ટીની પાછળ ડુંગરધાર ચાલી જતી જોવા મળે છે. ઉત્તર સોમાલિયાના કેટલાક ભાગોની ઊંચાઈ 2,100 મીટર જેટલી છે. માઉન્ટ સુરુદ અદ અહીંનું સર્વોચ્ચ (2,408 મીટર) શિખર છે. મધ્યના અને દક્ષિણના સમતળ વિસ્તારોની સરેરાશ ઊંચાઈ 180 મીટરથી પણ ઓછી છે.
આબોહવા : ઉત્તર અને દક્ષિણ સોમાલિયાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 30°થી 40° સે. અને 18°થી 40° સે. જેટલાં રહે છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ 280 મિમી. જેટલો પડે છે. દક્ષિણ સોમાલિયા વધુ વરસાદ મેળવતું હોવા છતાં ત્યાં પણ ભાગ્યે જ 500 મિમી.થી વધુ વરસાદ પડે છે. ઉત્તર સોમાલિયાના કેટલાક ભાગોમાં તો વાર્ષિક માત્ર 50થી 80 મિમી. જેટલો જ વરસાદ પડે છે. સામાન્ય રીતે જોતાં, સોમાલિયામાં માર્ચથી મે અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન બે વર્ષાઋતુઓ પ્રવર્તતી હોવા છતાં દુકાળનાં વર્ષો અહીં અવારનવાર આવ્યા કરે છે.
સોમાલિયાની મોટા ભાગની ભૂમિ પશુઓના ચરિયાણ માટે અનુકૂળ છે. દેશના દક્ષિણ ભાગમાં, જુબા અને વૅબ શેબેલ નામની મુખ્ય બે નદીઓ આવેલી છે, તેમાંથી સિંચાઈ ઉપલબ્ધ કરાય છે, ખેડૂતો અહીં માત્ર સિંચાઈ મેળવીને જ પાક ઉગાડે છે.
સોમાલિયામાં વન્ય પ્રાણીજીવન અને વનસ્પતિનું વૈવિધ્ય ખૂબ જોવા મળે છે. વન્ય પ્રાણીઓમાં મગર, હાથી, હરણ, જિરાફ, હિપોપૉટેમસ, જરખ અને સિંહનો સમાવેશ થાય છે. દેશના સૂકા ભાગોમાં બાવળ, એલોઝ, બાઓબાબ અને ઇન્સેન્સ જેવાં વૃક્ષો થાય છે, જ્યારે નદીકિનારાના ભાગોમાં મૅંગ્રોવ, કપોક અને પપૈયાં ઉગાડાય છે.
અર્થતંત્ર : સીમિત આર્થિક સંપત્તિને કારણે સોમાલિયાની ગણતરી વિકાસશીલ દેશમાં થાય છે. અગાઉ તેનું અર્થતંત્ર ઊંટ, ઢોર, ઘેટાંબકરાંના ધણથી ચાલતું હતું. સોમાલિયાના વસાહતી કાળ દરમિયાન ત્યાંના ઇટાલિયન વસાહતીઓએ જુબા અને વૅબ શેબેલ નદીઓ નજીક કેળાંની વાડીઓ વિકસાવેલી. આજે અહીંના નિવાસીઓએ પણ કેળાં, ખાટાં ફળો અને શેરડીનાં વાવેતર ચાલુ રાખ્યાં છે. અન્ય પાકોમાં મકાઈ, કપાસ અને જુવાર ઉગાડાય છે.
ઉત્તર સોમાલિયાના થોડાક લોકો માછીમારીના વ્યવસાયમાં રોકાયેલા છે. દેશમાં નાના પાયા પરના ઔદ્યોગિક એકમો કામ કરે છે, તેમાં માંસપ્રક્રમણ, મત્સ્યપ્રક્રમણ, ખાંડનાં કારખાનાં તથા કાપડની મિલોનો સમાવેશ થાય છે. સોમાલિયામાં ચિરોડી, લોહઅયસ્ક, યુરેનિયમના નિક્ષેપો તો છે; પરંતુ તે પૈકીના એકનું પણ ખનન થતું નથી.
પ્રાણીઓની ખાલ અને ચામડાં, ઊંટ, ઘેટાં-બકરાં અને કેળાંની નિકાસ અરેબિયા ખાતે થાય છે. ઇટાલીમાંથી તેમજ અન્ય વિકસિત દેશોમાંથી ખાદ્ય ચીજવસ્તુઓ, કાપડ અને પેટ્રોલિયમની આયાત કરવામાં આવે છે.
સોમાલિયામાં રેલમાર્ગોની વ્યવસ્થા વિકસી નથી, પરંતુ 21,300 કિમી.ની લંબાઈના માર્ગોની સુવિધા છે, તે પૈકી 5,850 કિમી.ના માર્ગો વર્ષભર ઉપયોગી બની રહેલા છે. દેશના માત્ર 1 % લોકો જ પોતાની મોટરગાડીઓની સગવડ ધરાવે છે. દેશનાં બે રેડિયોમથકો સરકાર હસ્તક ચાલે છે. સોમાલિયામાંથી માત્ર એક દૈનિકપત્ર બહાર પડે છે. અન્ય પત્રિકાઓ (દૈનિક નહિ) અરબી, ઇંગ્લિશ, ઇટાલિયન અને સોમાલી ભાષામાં પ્રગટ થાય છે.
શાંત ગામડાનું એક દૃશ્ય
વસ્તી : 2000 મુજબ સોમાલિયાની વસ્તી 1,15,30,000 જેટલી છે. તે પૈકી 64 % વસ્તી ગ્રામીણ અને 36 % વસ્તી શહેરી છે. વસ્તીની ગીચતા દર ચોકિમી.દીઠ 12 વ્યક્તિની છે. દેશના 95 % લોકો સોમાલી ભાષા બોલે છે, સુન્ની મુસ્લિમ ધર્મ પાળે છે અને એકસરખી સંસ્કૃતિની રહેણીકરણીમાં રહે છે. તેમ છતાં તેઓ તેમનાં પરંપરાગત ચાલ્યાં આવતાં જૂથોમાં વહેંચાયેલા છે. મોટા ભાગના સોમાલી લોકો ચાર જૂથ પૈકી ગમે તે એક જૂથના હોય છે. તેમને બધાને ‘સમાલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય ‘સાબ’ (Saab) નામનાં બીજાં બે જૂથ દક્ષિણ સોમાલિયામાં નદીકાંઠે વસે છે. અહીંના મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. વર્ષો સુધી અહીંના જુદા જુદા જૂથના લોકો પોતપોતાના જૂથને વફાદાર રહેતા આવેલા; જોકે જૂથો વચ્ચે ઘણા સંઘર્ષો ચાલતા. આજે હવે સરકાર તેમને બધાંને રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રએકતાને નામે પરોવેલા રાખે છે. ઘણા સોમાલીઓ ઇથિયોપિયા, જિબોટી અને કેન્યામાં પણ રહે છે; એ જ રીતે આરબો, હિન્દીઓ, પાકિસ્તાનીઓ અને ઇટાલિયનો સોમાલિયામાં વસે છે.
પાટનગર મોગાદિશુનો એક ભાગ
દરિયાકિનારાના ભાગો તેમજ થોડાંક વેપારી મથકો અને ખેતી-વિસ્તારો સિવાય દેશના બાકીના ભાગોમાં દેશની કુલ વસ્તીના 60 % જેટલા વિચરતી જાતિના લોકો પોતાનાં પશુઓને લઈને ચરિયાણ મળી રહે ત્યાં અવરજવર કરતા રહે છે, તેમની કોઈ સ્થાયી વસાહતો નથી. તેમનો મુખ્ય ખોરાક દૂધ, ચોખા, અન્ય અનાજ તેમજ માંસ છે.
દેશના મોટા ભાગના લોકો પરંપરાગત વસ્ત્રો પહેરે છે. શરીર પર કપડું વીંટાળે છે. પુરુષો લુંગી પહેરે છે. માત્ર શહેરો અને નગરોમાં વસતા લોકો જ પશ્ચિમી ઢબનો પોશાક પહેરે છે. સોમાલી સ્ત્રીઓને પરંપરાગત રીતે કોઈ અધિકારો અપાતા ન હતા. 1970ના દાયકામાં સરકારે તેમને અમુક અધિકારો આપ્યા છે, કેટલીક સોમાલી સ્ત્રીઓ હવે નોકરીઓ કરતી થઈ છે, કેટલીક લશ્કરમાં પણ સેવા આપે છે.
સોમાલિયાની સત્તાવાર ભાષા સોમાલી છે; તેમ છતાં કેટલાક લોકો અરબી, અંગ્રેજી અને ઇટાલિયન ભાષા પણ બોલે છે. માત્ર 20 % બાળકો જ શાળામાં જાય છે. 1974થી સરકારે વિચરતી જાતિના લોકોને લખવા-વાંચવાનું શીખવાની સગવડો ઊભી કરી આપી છે. 1980ના દાયકામાં અભણ માણસોની ટકાવારી ઘટીને 60 % સુધી આવેલી. પાટનગર મોગાદિશુમાં સોમાલી નૅશનલ યુનિવર્સિટી આવેલી છે. દેશમાં હવે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
સોમાલી કારીગરો ચામડાની ઘણી ચીજવસ્તુઓ બનાવે છે. લોકો કુસ્તી તેમજ અન્ય રમતોને માણે છે. મનોરંજનમાં કાવ્યપઠન અને ગીતોનો સમાવેશ થાય છે. અહીંનાં ઘણાંખરાં કાવ્યો અને ગીતો પ્રેમ, મૃત્યુ, યુદ્ધ, ઘોડા કે ઊંટ પર લખાયેલાં છે.
સોમાલિયા 1960માં સ્વતંત્ર બન્યું છે. સ્વાતંત્ર્ય મળતાં અગાઉ ઉત્તર સોમાલિયા પર ગ્રેટ બ્રિટનનું અને દક્ષિણ સોમાલિયા પર ઇટાલીનું શાસન હતું. લશ્કરી નેતાઓએ 1969માં સરકાર પર કાબૂ જમાવેલો. અહીંનું મોટામાં મોટું શહેર મોગાદિશુ છે, તે દેશનું પાટનગર પણ છે. દેશનું સત્તાવાર નામ સોમાલી ડેમૉક્રેટિક રિપબ્લિક છે. 1969થી 1991 સુધી અહીં લશ્કરી શાસન ચાલેલું. 1991માં યુનાઇટેડ સોમાલી કૉંગ્રેસના બળવાખોર જૂથે લશ્કરી સત્તાને ઉથલાવી, પાટનગર અને આજુબાજુના વિસ્તારને કબજે કર્યો. પ્રમુખની નિયુક્તિ કરી તેમજ સરકાર ચલાવવા પ્રધાનમંડળ રચ્યું. અન્ય બળવાખોર જૂથોએ પાટનગર વિસ્તારની બહારના ભાગોનો કબજો મેળવી લીધેલો.
ઇતિહાસ : આજે જ્યાં ઉત્તર સોમાલિયા આવેલું છે તે પ્રદેશનું સ્થાન ભૂમધ્ય સમુદ્ર અને પૂર્વ ગોળાર્ધ વચ્ચેના મુખ્ય વેપારી માર્ગ પર આવેલું હતું, તેથી તેનું મહત્ત્વ હતું. નવમી/દશમી સદી દરમિયાન સોમાલી લોકોએ એડનના અખાતના કિનારાથી દક્ષિણ તરફ સ્થળાંતર શરૂ કરેલું. તે જ રીતે આરબો અને ઈરાનીઓએ પણ અરબી સમુદ્રકાંઠે વસાહતો શરૂ કરેલી. 1100થી 1300ના અરસામાં સોમાલી લોકોએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. સોળમી સદીમાં અહીં પોર્ટુગીઝો આવ્યા અને અહીંના તટપ્રદેશનો સંપર્ક કર્યો. 1880માં ઇટાલી અને બ્રિટને સોમાલિયાના જુદા જુદા પ્રદેશો પર સત્તા સ્થાપી. તેમનું પ્રભુત્વ બીજા વિશ્વયુદ્ધ સુધી રહ્યું. 1941માં બ્રિટને ઇટાલી હસ્તકના સોમાલિયા પર કબજો જમાવ્યો. 1948માં ઇથિયોપિયાને ઓગાડેન પ્રદેશ સુપરત કરવામાં આવ્યો. આ વિસ્તારમાં મોટે ભાગે સોમાલિયાના નાગરિકો વસતા હતા. 1950માં યુનો દ્વારા સોમાલિયાને સ્વતંત્રતા મળી. 1963માં કેન્યા સાથે સીમાના સંદર્ભમાં મતભેદ સર્જાતાં તેમના રાજકીય સંબંધો વણસી ગયેલા. 1969માં ત્યાં લશ્કરી શાસન સ્થપાયું. તે વખતે બળવાનું નેતૃત્વ મેજર જનરલ મુહમ્મદ સઈદ બારેએ સંભાળેલું. 1972માં દુષ્કાળને કારણે અહીંના 20,000 લોકો મૃત્યુ પામેલા. 1978માં ઇથિયોપિયા સાથે યુદ્ધ થયું, જે આઠ માસ સુધી ચાલેલું. 1979માં અહીં સમાજવાદી સરકાર રચાઈ, જે સોમાલી રેવૉલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (SRSP) તરીકે ઓળખાઈ. 1991માં અલી મહદી મુહમ્મદની પ્રમુખ તરીકે નિમણૂક થઈ. તેમણે મુક્ત ચૂંટણી આપવાની બાંયધરી આપી. 1992માં યુનો દ્વારા દુષ્કાળનો સામનો કરવા અમેરિકાના નૌકાદળની સહાય લેવામાં આવી. 1995માં યુનોના શાંતિદળને પાછું ખેંચવામાં આવ્યું. 2000માં અબદીક કાસિમ સલાટ હુસેન પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા, જ્યારે વડાપ્રધાન તરીકે અલી ખલીફ ગાલાઈદની નિમણૂક થઈ છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી