સોમશર્મા (2) : પુરાણો મુજબ રુદ્ર-શિવનો 27મો અવતાર. પ્રભાસ-પાટણના ઈ. સ. 1169ના એક લેખ મુજબ સોમે પ્રભાસમાં સોમનાથનું સોનાનું મંદિર બંધાવ્યું હતું. શિવની આજ્ઞાથી ત્યાં પોતાની પદ્ધતિના સંપ્રદાયની પરંપરા સ્થાપી તથા તે સ્થાન પાશુપતોને અર્પણ કર્યું. પૌરાણિક ઉલ્લેખો પણ કહે છે કે શિવે પોતે પ્રભાસમાં સોમશર્મા રૂપે આવી આ મંદિર બંધાવ્યું હતું. આ બંને પરંપરાઓને સંકલિત કરતાં એમ સૂચિત થાય છે કે સોમ અથવા સોમશર્મા નામે ઐતિહાસિક વ્યક્તિ થઈ હોય, જેણે પ્રભાસમાં સોમસિદ્ધાંત પ્રવર્તાવ્યો હોય.
જયકુમાર ર. શુક્લ