સોમલતા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ક્લેપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sarcostemma acidum Voigt syn. S. brevistigma Wight & Arn. (સં. સોમવલ્લી, સોમક્ષીરી; મ. રાનશેર, સોમવલ્લી; તે. કોન્ડાપાલા, પાલ્માકાશ્તામ; ક. હંબુકલ્લી, સોમલતા; અં. મૂન પ્લાન્ટ) છે. તે સામાન્યત: પર્ણવિહીન સંધિમય ક્ષુપ છે અને 1.0 મી. કે તેથી વધારે લંબાઈ ધરાવે છે. તેની લીલી શાખાઓ (ખરસાણી થોર જેવી) પુષ્કળ દૂધવાળી અને આડીઅવળી ફેલાતી હોય છે. તે શુષ્ક ખડકો ઉપર બિહાર, બંગાળ અને દક્ષિણમાં તમિળનાડુ અને કેરળ સુધી થાય છે. તેનાં પુષ્પો સફેદ કે આછાં લીલાશ પડતાં સફેદ, સુગંધિત હોય છે અને છત્રક-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ એકસ્ફોટી (follicle) પ્રકારનું અને યુગ્મમાં હોય છે. તે બંને છેડેથી અણીદાર અને 10થી 12 સેમી. લાંબું હોય છે. બીજ ચપટાં, અંડાકાર અને ગુચ્છકેશી (comose) હોય છે. કેશ 2.0 સેમી. જેટલા લાંબા હોય છે.
તેનું શુષ્ક પ્રકાંડ વમનકારી (emetic) હોય છે. તેના મૂળનો આસવ હડકાયું કૂતરું કરડવા પર વિષઘ્ન (antidote) તરીકે ઉપયોગી છે.
આ વનસ્પતિના સક્રિય ઘટકો મનુષ્ય માટે ઝેરી હોવાનું મનાય છે. શેરડીનાં ખેતરોમાં ઊધઈનો નાશ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. છોડમાં મૅલિક ઍસિડ, સક્સિનિક ઍસિડ, રિડ્યુસિંગ શર્કરા, સુક્રોઝ, ટેનિન, આલ્કેલૉઇડ, ફાઇટોસ્ટૅરોલ, ∝ અને β-એમાયરિન, લ્યુપિયોલ, લ્યુપિયોલ ઍસિટેટ અને β-સીટોસ્ટૅરોલ હોય છે. પ્રકાંડમાંથી સ્રવતો ક્ષીરરસ 4.1 % કૂચુક (caoutchouc) ધરાવે છે. સ્કંદ (coagulum) કૂચુક 16 %, રાળ (resin) 68.1 % અને અદ્રાવ્ય પદાર્થો 15.9 % ધરાવે છે. સ્રાવમાંથી પ્રાપ્ત થતા મીણયુક્ત દ્રવ્યની સલ્ફર, ફૉર્માલ્ડિહાઇડ કે ફ્થેલિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી સંયુક્ત (composite) રાળ બનાવી શકાય છે. મીણયુક્ત ઊપજનો સુઘટ્યતાકારક (plasticizer) તરીકે ઉપયોગ કરી નકામા રબરમાંથી નવસાધ્ય (reclaimed) રબર બનાવાય છે. મીણયુક્ત ઊપજનું ગ્લાયકોલ સાથે ઘનીકરણ (condensation) કરતાં ગ્લાયપ્ટલ પ્રકારની રાળ બને છે; જેનો વાર્નિશ અને લાખના ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. મીણની ક્લોરિનયુક્ત ઊપજ વસ્ત્રતંતુઓને અદાહ્ય (fire-proof) બનાવવામાં ઉપયોગી છે.
સોમલતા(Sarcostemma acidum)ની પુષ્પ અને ફળસહિતની શાખા
S. brunonianum, S. intermedium (મ. ફોક, ક. કોનાડાબટ્ટી) અને S. stocksii ડેકન દ્વીપકલ્પ(peninsula)માં થાય છે. તેઓ સોમલતા (s. acidum) સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને સોમલતાની જેમ ઉપયોગી છે.
સમગ્ર આર્ય જાતિના ગૌરવરૂપ ઋગ્વેદ ગ્રંથમાં સોમલતાનું ખાસ વર્ણન આપવામાં આવ્યું છે. યજ્ઞાદિ કર્મો વખતે સોમરસનું પાન પહેલાં કરવામાં આવતું. તેનાથી પીનારને ખૂબ આનંદ થતો. આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથો ‘ચરકસંહિતા’ તથા ‘સુશ્રુતસંહિતા’કારે ‘સોમ’ને ઔષધિનો રાજા (‘औषधीनां पति:’) કહેલ છે. ‘સુશ્રુતસંહિતા’માં ‘સોમ’નું વર્ણન આ શબ્દોમાં કરેલું છે : ‘‘બ્રહ્માદિ દેવતાઓએ અમૃત સમાન ગુણવાળી ‘સોમ’ સંક્ષક ઔષધિને વૃદ્ધાવસ્થા અને મૃત્યુના વિનાશ (અમરત્વ) માટે ઉત્પન્ન કરી છે.’’
મહર્ષિ સુશ્રુતે સોમલતાની 24 જાત ગણાવી છે. તેને શુક્લ પક્ષમાં એકમથી શરૂ કરીને દરરોજના એક પાનદીઠ પૂનમના દિવસ સુધીમાં 15 પાન આવે છે; ત્યાર પછી કૃષ્ણ પક્ષમાં દરરોજનું એક પાન ખરવા લાગતાં અમાસના દિવસે પર્ણવિહીન બની જાય છે. સોમલતા દેખાવે ખરસાણી જેવી હોય છે. તેનો રંગ લીલો હોય છે. તેને ‘અપત્રવલ્લિકા’ અને ‘બ્રાહ્મી’ પણ કહે છે. આ વેલ ક્ષીરરસયુક્ત અને ભૂમિગત કંદ ધરાવે છે. ‘રસસાર’ ગ્રંથકારે તેના સફેદ કંદવાળી અને લાલ કંદવાળી એવા બે ભેદો જણાવ્યા છે.
ગુજરાતના અગ્રણી વનસ્પતિશાસ્ત્રી બાપાલાલ ગ. વૈદ્યે ‘નિઘંટુ આદર્શ’ ગ્રંથ 2માં સોમલતા વિશે વિસ્તૃત માહિતી આપી છે. સોમલતા વિશે આજે પણ ઘણી અસ્પષ્ટતાઓ છે. ‘આર્યભિષક’ ગ્રંથમાં આપેલી માહિતી પ્રમાણે નીચેની વનસ્પતિઓને સોમલતા તરીકે ઓળખાવવામાં આવે છે :
(1) સોમલતા (Sarcostemma acidum) : તેનું વર્ણન પ્રારંભમાં આપવામાં આવ્યું છે. તે તીખી, શીતળ, મધુર, પાચનકારી અને રસાયન હોય છે. તે દાહ, તરસ, શોષ અને ત્રિદોષનો નાશ કરે છે. લઘુ સોમવલ્લી (જેને મરાઠીમાં ‘રાનશેર’ કહે છે) રસ, વીર્ય અને ગુણમાં સોમલતા જેવી જ હોય છે. સોમલતાનો ઉપયોગ કમળા અને યકૃતવિકાર ઉપર તથા તાવ ઉપર થાય છે.
(2) સોમવેલ [Ipomoea bonanox (મુંબઈ – સોમવેલ, ચંદ્રકાંત; મ. ચાંદણી; કોં. ચંદ્રકાંતિ, ગુલચાંદની; ક. ચંદ્રકાંતિ; તે. નગરમુકટ્ટે; મલા. નંડવલ્લિ; અં. મૂન ફ્લાવર)] : આ વેલ કાંટાળી હોય છે. પર્ણો મોટાં, લીસાં, હૃદયાકાર, જાડાં અને અણીદાર હોય છે. પુષ્પો 1થી 5ના ગુચ્છમાં ગોઠવાયેલાં, મોટાં, સુવાસિત, સુંદર અને સાંજે ઊઘડતાં હોય છે. પ્રત્યેક ફળમાં 4 વૃક્કાકાર બીજ હોય છે. તેનો ઉપયોગ બધી જાતનાં ઝેર ઉપર થાય છે. માત્રા : ત્રણ સૂકવેલાં બીજનું ચૂર્ણ.
(3) સોમલતા [Ehedra vulgaris (ઈરાન હુમ, હોમ; પં. અમ્સાનિયા, ભૂતશૂર, ચેન; અફ. ફોંક)] : તે એક નીચો, ગુચ્છિત ક્ષુપ છે અને હિમાલય, તિબેટ, સિક્કિમ અને ઈરાનમાં થાય છે. તેનો દેખાવ થોર જેવો હોય છે. શાખાઓ લીલી, બારીક રેખાવાળી અને લાલ રસવાળી હોય છે. પર્ણો અત્યંત નાનાં, ચક્રીલ, તલભાગેથી પરસ્પર જોડાયેલાં અને ત્વચીય આવરક(sheath)માં ફેરવાયેલ તથા મોટે ભાગે પર્ણપાતી (deciduous) હોય છે. શૂકિકાઓ (spikelets) લગભગ અદંડી, ચક્રીલ અને મોટે ભાગે દ્વિગૃહી (dioecious) હોય છે. બીજની ફરતે રસાળ, લાલ નિપત્રો(bracts)નું આવરણ હોય છે. બીજ દ્વિ-અથવા સમતલ-બહિર્ગોળ (plano-convex) હોય છે. તેનાં પંચાંગનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે. તે પાચક, સારક, મૂત્રલ, યકૃત માટે ઉત્તેજક, જ્વરઘ્ન, આમનાશક, ત્રિદોષહર, વાતશામક, શોથહર અને મગજ માટે ઉત્તેજક છે. તેના ગુણ તદ્દન સ્પષ્ટ હોવાથી તેને રસાયન કહે છે. રસ આંખમાં નાખવાથી ડોળો વિકસિત થાય છે. સોમલતાથી શ્વાસાવરોધ ઓછો થાય છે. 300થી 400 ગ્રા. પંચાંગચૂર્ણ પાણીમાં મેળવી મંદાગ્નિ ક્વાથ કરવામાં આવે છે. પાણી અડધું બળી જાય પછી ઉતારી પાણી ગાળી લેતાં હુમ ક્વાથ બને છે. માત્રા : 28 ગ્રા. દિવસમાં ત્રણ વાર.
હુમ ક્વાથ આમવાત(સંધિવાત અને સ્નાયુવાત)માં અપાય છે. નવા અને તીક્ષ્ણ પ્રકોપવાળા આમવાતમાં તે મૂલ્યવાન ઔષધ છે. જીર્ણ આમવાતમાં ઉપયોગી નથી. હુમના સેવનથી વેદના ઓછી થાય છે અને નાડી મૃદુ બને છે. શ્વાસોચ્છવાસથી થનારો ત્રાસ ઓછો થઈ જાય છે. ઔષધ શરૂ કર્યા પછી 5થી 6 દિવસમાં તાવ એકદમ ઊતરી જાય છે, ભૂખ લાગે છે, પેશાબ વધે છે અને દસ્ત સાફ આવે છે. પાન અને શાખાઓના કોમળ છોડાંનો રસ તાવમાં આપવામાં આવે છે. પર્ણદંડોનું ચૂર્ણ કમળા અને યકૃતવૃદ્ધિ પર આપવામાં આવે છે. તેનો રસ પીવાથી મગજ તેજ બને છે. પર્ણરસ આંખમાં એટ્રોપિનના બદલામાં નાખવામાં આવે છે. ઉપદંશમાં ડોળાના પડદા પર સોજો આવી ડોળો સંકોચાય છે ત્યારે તેના રસનાં ટીપાં નાખવામાં આવે છે. ઉપદંશમાં હુમ પેટમાં પણ આપવામાં આવે છે.
(4) સોમલતા [Periploca aphylla (અફ. હુમ, હુમા; બલુ. હુમ, હુમા, બર્રર, બટાહ, ગિરતર, શબ્બી; પં. બરીરા)] : તે ઊભી શાખાવાળો ક્ષુપ છે. તેમાંથી દૂધ જેવો રસ નીકળે છે. છાલ લીલાશ પડતી કાળી હોય છે. પર્ણો લગભગ 0.6 સેમી. લાંબાં, જાડાં અને લંબગોળ હોય છે. પુષ્પો સુગંધિત અને 1.2થી 2.5 સેમી. લાંબાં હોય છે. તેનું દૂધ ગૂમડા અને સોજા પર લગાડવામાં આવે છે. પુષ્પો ખાવામાં ઉપયોગી છે. છાલનો ક્વાથ રેચક હોય છે.
ઉપર્યુક્ત ચાર પ્રકાર પૈકી કોઈ પણ સોમ પ્રાચીન શાસ્ત્રોમાં કહેલ સોમ નથી.
ઋગ્વેદ મુજબ ‘સોમ બલ, વાગ્શક્તિ, સ્ફૂર્તિ અને મનને આનંદ તથા પાંડિત્યશક્તિ આપનાર છે. વળી, તે દરેક રોગને દૂર કરનાર, ઉગ્ર રોગોથી પીડિત પુરુષોને સુખ દેનાર અને તેનો વિધિપૂર્વકના પાનથી અમરત્વ આપનાર છે.’ સુશ્રુતે સોમલતાના ‘કુટિપ્રવેશપૂર્વકના પાન’પ્રયોગથી મનુષ્યને હજારો વર્ષનું આયુષ્ય, અપાર બળ, અપૂર્વ સૌંદર્ય તથા સર્વત્ર ગમનની શક્તિ ઉપરાંત અગ્નિ, જળ, વિષ, શસ્ત્ર-અસ્ત્ર કશાથી નાશ ન પામનાર જીવન મળવાનું વર્ણવ્યું છે.
ડૉ. ડીમક, ડબ્લ્યૂ. ટી. થિસેલ્ટનડાયર, પ્રા. મૅક્સમૂલર, ડૉ. વૉટ, ડૉ. આર. વૉન રૉથ, ડૉ. રાઇસ વગેરેએ સાચી સોમલતાના સંશોધન માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. આમ છતાં તે વિશે પૂરી ચોકસાઈપૂર્વક કહી શકાતું નથી. બાપાલાલ વૈદ્ય પણ આ વિશે પોતાનો અભિપ્રાય આપી શક્યા નથી. તેમણે બધાના અભિપ્રાયોનું સુંદર સંકલન કર્યું છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા
યોગેશ ડબગર
બળદેવભાઈ પટેલ