સોમદત્ત : કુરુવંશી રાજા ભૂરિશ્રવાનો પિતા. દેવકીના સ્વયંવરમાં જ્યારે શનિ નામના યાદવે વસુદેવ માટે દેવકીનું હરણ કર્યું તો સોમદત્તે એનો વિરોધ કર્યો પરંતુ શનિએ એને ભૂમિ પર પછાડી અનેક રીતે અપમાનિત કર્યો. આ અપમાનનો બદલો લેવા સોમદત્તે રુદ્રની ઉગ્ર તપસ્યા કરી અને રુદ્રની કૃપાથી એને ભૂરિશ્રવા જેવો તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો. મહાભારતના યુદ્ધમાં ભૂરિશ્રવા એક એક્ષૌહિણી સેના લઈને કૌરવોને પક્ષે લડ્યો હતો. શનિ યાદવના પુત્ર યુયુધાનુ સાત્યકિને એવી જ રીતે એપમાનિત કરીને પોતાના પિતાના અપમાનનો એણે બદલો લીધો. એ જાણી સાત્યકિની સહાયતા કરવા આવેલા અર્જુનની સહાયથી ભૂરિશ્રવાનો વધ સાત્યકિએ કર્યો.
પ્રવીણચંદ્ર પરીખ