સોબાત (નદી) : નાઇલની સહાયક નદી. તે મલકાલના ઉપરવાસમાં બહ્લ-અલ-જબલ(પહાડી નાઇલ)ને મળે છે. સુદાન ખાતે જોડાયા પછી તે શ્વેત નાઇલ કહેવાય છે. નાઝિટના અગ્નિભાગમાં ઇથિયોપિયાની સીમા પર ઉપરવાસની બે મુખ્ય નદીઓ – બારો અને પિબોર – ના સંગમથી સોબાત નદી બને છે. ઉપરવાસમાં બીજી ઇથિયોપિયન સહાયક નદીઓમાં જોકાઉ, ગિલો અને અકોબોનો સમાવેશ થાય છે. બારોપિબોરના સંગમ પછીથી બહવ-અલ-જબલ સાથેના તેના મુખભાગ સુધી તે ઠેકઠેકાણે સર્પાકાર પથમાં 354 કિમી.ના અંતર સુધી પશ્ચિમી-વાયવ્ય દિશામાં વહે છે.

નાઇલને મળે છે ત્યાં તે ખૂબ સાંકડી (120 મીટર) અને ઊંડી (5.5થી 9 મીટર) બની રહેલી છે. નવેમ્બર–ડિસેમ્બરમાં આવતાં પૂર સાથે તે સફેદ રંગનો કાંપ ખેંચી લાવતી હોવાથી ‘શ્વેત નાઇલ’ કહેવાય છે. ઇથિયોપિયાના ગામ્બેલા સુધીના ઉપરવાસ સુધી જૂનથી ડિસેમ્બર દરમિયાન સોબાત–બારો નદીઓમાં વહાણોની અવરજવર થઈ શકે છે; સોબાત–પિબોર જળમાર્ગમાં એ જ સમયગાળા દરમિયાન નાનાં વહાણો પિબોર મથક સુધી જઈ શકે છે, અર્થાત્ પિબોર–બારોના સંગમથી 200 કિમી. સુધી અવરજવર થઈ શકે છે. ખાવ્રના મુખથી હેઠવાસમાં સોબાતમાં ફેરીસેવા પણ ચાલે છે. સૂકી મોસમમાં નદીની જળસપાટી નીચી ઊતરે છે, ભૂમિ ખુલ્લી બને છે, તેથી ત્યાં ઢોર માટેનું ચરિયાણ-સ્થાન બની રહે છે.

જાહનવી ભટ્ટ