સોબાક પર્વતો (Sobaek mountains) : દક્ષિણ કોરિયાના દક્ષિણ ભાગમાં આવેલી વિશાળ પર્વતમાળા. ભૌગોલિક સ્થાન : 36° ઉ. અ. અને 128° પૂ. રે.. તેની લંબાઈ 350 કિમી. જેટલી છે. તે કાંગવૉન પ્રાંતમાંના 1,561 મીટર ઊંચા તિબાક પર્વતની ઉત્તરેથી નૈર્ઋત્ય તરફ યોશુ નજીકના કોહુંગ દ્વીપકલ્પ સુધી વિસ્તરેલી છે. આ પર્વતમાળામાંના સોબાક (1,428 મીટર), મુંજુ (731 મીટર), સોંગની (1,040 મીટર), ડોક્યુ (1,583 મીટર) અને બીગન (1,257 મીટર) જેવા પર્વતભાગો દક્ષિણ કોરિયાના દક્ષિણ ભાગ માટે જળવિભાજક (water-divider) બની રહેલા છે. આ હારમાળાના વાયવ્ય ફાંટા પર આવેલા ચીરી સાન પર્વત (1,885 મીટર) વિભાગને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવાયો છે. આ પર્વતમાળા સાનમાક (Sanmaek) નામથી પણ ઓળખાય છે.
જાહનવી ભટ્ટ