સોબતી, કૃષ્ણા (શ્રીમતી) (જ. 18 ફેબ્રુઆરી 1925, ગુજરાત [હવે પાકિસ્તાનમાં]; અ. 25 જાન્યુઆરી 2019) : હિંદીનાં પ્રસિદ્ધ લેખિકા. તેમની ‘જિંદગીનામા : જિંદા રુખ’ નામની નવલકથાને 1980ના વર્ષ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે દિલ્હી, સિમલા અને લાહોર ખાતે શિક્ષણ લીધું હતું. દિલ્હી વહીવટી તંત્રના શિક્ષણ વિભાગમાં ‘પ્રૌઢશિક્ષણ’ના તંત્રી તરીકે તેમણે કામ કર્યું હતું. તેઓ મહાત્મા ગાંધી હિંદી યુનિવર્સિટી, વર્ધાનાં સભ્ય; નૅશનલ બુક ટ્રસ્ટનાં ટ્રસ્ટી; 1980-82 પંજાબ યુનિવર્સિટીમાં ફેલો; સાહિત્ય કેન્દ્રીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં ફેલો રહ્યાં. 30 વર્ષના લેખનકાર્ય દરમિયાન તેમના પ્રસિદ્ધ થયેલા 8 જેટલા ગ્રંથોમાં 5 નવલકથાઓ તથા ટૂંકી વાર્તાના 2 સંગ્રહોનો સમાવેશ થાય છે. તેમાં ‘દર સે બિછુડી’ (1958); ‘મિત્રો મર્જાની’ (1967); ‘જિંદગીનામા – (1979); ‘યારોં કે યાર તિન-પહર’ (1989); ‘સોબતી એક સોહબાત’ (1989); ‘સૂરજમુખી અંધેરે કે’ (1990); ‘એ લડકી’ (1991) આ તમામ તેમની નવલકથાઓ છે. ‘હમ હશ્મત’ (1977) રેખાચરિત્ર; ‘બાદલોં કે ઘેરે’ (1980) વાર્તાસંગ્રહો છે. તેમની અનેક નવલકથાઓ અને વાર્તાઓ અંગ્રેજી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં અનૂદિત કરાઈ છે.
તેમને 1980માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત 1981માં સાહિત્યશિરોમણિ ઍવૉર્ડ; 1982માં હિન્દી અકાદમી ઓવેર્ડ, મૈથિલીશરણ ગુપ્ત ઍવૉર્ડ; સાહિત્ય કલા પરિષદ ઍવૉર્ડ; 1999ના વર્ષમાં કથાચૂડામણિ ઍવૉર્ડ, 2000-2001માં શલાકા પુરસ્કાર અને 2017માં જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. હિંદીમાં ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ મહિલા છે.
આ પુરસ્કૃત કૃતિ ‘જિંદગીનામા : જિંદા રુખ’ તેના વિષયની મહાકાવ્યોચિત માવજત, સામાન્ય જનજીવન વિશેની તેમની ઊંડી અભિજ્ઞતા અને તેને પ્રભાવકતાથી રજૂ કરતી સંવેદનસભર અભિવ્યક્તિરીતિના કારણે હિંદીમાં ઉલ્લેખનીય પ્રદાનરૂપ લેખાઈ છે.
મહેશ ચોકસી
બળદેવભાઈ કનીજિયા