સોફિયા : બલ્ગેરિયાનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 42° 41´ ઉ. અ. અને 23° 19´ પૂ. રે.. બલ્ગેરિયાના પશ્ચિમ ભાગમાં આવેલું આ શહેર બાલ્કન પર્વતો તેમજ અન્ય ગિરિમાળાઓથી ઘેરાયેલું છે. તે દેશના અર્થતંત્રનું તેમજ સાંસ્કૃતિક મથક પણ છે.
આબોહવા : અહીંની આબોહવા ભૂમધ્ય સમુદ્ર પ્રકારની છે. શિયાળા નરમ અને ભેજવાળા જ્યારે ઉનાળા ગરમ અને સૂકા રહે છે. જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 2.2° સે. તથા 20.6° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 635 મિમી. જેટલો પડે છે.
શહેરની નજીક આવેલાં ખેતરોમાં આ શહેર માટે જરૂરી શાકભાજી અને ફળોનું ઉત્પાદન લેવાય છે. દેશના આશરે પાંચમા ભાગના ઉદ્યોગો સોફિયામાં આવેલા છે. શહેરના 50 % લોકો અહીંના ઉદ્યોગોમાં તેમજ પરિવહનક્ષેત્રમાં રોકાયેલા હોય છે. સોફિયા ખાતે આવેલા ઉદ્યોગોમાં ખાદ્યપ્રક્રમણ તથા દૂધની પેદાશો, કાપડ અને કપડાં, યંત્રસામગ્રી, વીજસામગ્રી અને ધાતુઓ માટેના એકમોનો સમાવેશ થાય છે. અવરજવરની સુવિધા જાળવવા માટે બસો અને ટ્રામની વ્યવસ્થા છે.
તુર્કી શાસનમાંથી મુક્તિ મળ્યા નિમિત્તે આઝાદીની ઉજવણી માટે 19મી સદીના ઉત્તરાર્ધમાં બાંધવામાં આવેલું ઍલેક્ઝાન્ડર નેવસ્કી કેથીડ્રલ શહેરના મધ્ય ભાગમાં ઊભું છે. શહેરના જૂના વિભાગમાં રાષ્ટ્રીય સંગ્રહાલય તથા સેંટ જ્યૉર્જ ચર્ચ અને સેન્ટ સોફિયાનાં ચર્ચ આવેલાં છે. આ જ વિભાગમાં વાંકીચૂકી પસાર થતી ગલીઓ તેમજ નજીક નજીક બાંધેલા આવાસો પણ છે. સોફિયાના નવા વિભાગમાં પહોળા માર્ગો અને ઊંચી ઇમારતો જોવા મળે છે. નૅશનલ ઍસેમ્બ્લી બિલ્ડિંગ, નૅશનલ થિયેટર, નૅશનલ હિસ્ટોરિકલ મ્યુઝિયમ, નૅશનલ લાઇબ્રેરી અને અગાઉનો રૉયલ પૅલેસ અહીંનાં જોવાલાયક અને જાણીતાં સ્થળો છે. આ ઉપરાંત અહીં સોફિયા યુનિવર્સિટી અને બલ્ગેરિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ પણ આવેલાં છે.
નૅશનલ હિસ્ટોરિકલ મ્યુઝિયમ, સોફિયા
રોમન શહેનશાહ ટ્રેજને બીજા સૈકાની શરૂઆતમાં આ શહેર વસાવેલું. અટ્ટિલાની આગેવાની હેઠળ આવેલા હૂણોએ આ શહેરનો 447માં નાશ કરેલો. આ ઘટનાને થોડો સમય વીત્યા બાદ સોફિયા બાયઝૅન્ટાઇન સામ્રાજ્યનો એક ભાગ બનેલું. 809માં બલ્ગેરિયાવાસીઓએ આ શહેરનો કબજો લઈ લીધેલો, પણ ફરીથી 1018માં બાયઝૅન્ટાઇન લોકોએ તેનો કબજો મેળવી લીધેલો. 1382માં તુર્કોએ તેને ઑટોમન સામ્રાજ્યનો ભાગ બનાવી દીધો હતો; તેમ છતાં રશિયનોએ બલ્ગેરિયાના બળવાખોરોને તુર્કો સામે લડવામાં મદદ કરેલી, તેથી 1878માં તે બલ્ગેરિયાના શાસન હેઠળ આવ્યું. એ જ વર્ષમાં બલ્ગેરિયા એક રાષ્ટ્ર તરીકે સ્વતંત્ર થયું અને સોફિયા તેનું પાટનગર બન્યું.
1944થી ગામડાં છોડીને હજારો લોકો નોકરી અર્થે સોફિયા તરફ આવવા માંડેલા. આ કારણે સોફિયા શહેરની વસ્તી ઝડપથી વધી. શહેરમાં વધતી જતી વસ્તીનું પ્રમાણ અટકાવવા શહેરી આયોજકોએ પરા-વિસ્તારોમાં આવાસી ઇમારતો તેમજ ધંધાર્થે દુકાનોની વ્યવસ્થા કરી. 2005 મુજબ સોફિયા શહેરની વસ્તી 12,22,157 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા