સોનકંસારીનાં મંદિરો : મૈત્રક-સૈંધવ કાલના ગુજરાતનાં મંદિરો. જામનગર જિલ્લામાં આવેલ ઘૂમલીમાં પ્રાચીન સમયમાં સૈંધવ રાજાઓ અને જેઠવા રાજાએ શાસન કર્યું હતું. અહીંના ચૌલુક્યકાલીન નવલખા મંદિરની પશ્ચિમે કંસારી નામના તળાવના કાંઠે આવેલાં મંદિરોનો સમૂહ સોનકંસારીનાં મંદિરો તરીકે ઓળખાય છે. અહીં આવેલાં મંદિરો પૈકી મંદિર નં. 1, 2, 3, 4, 5 અને 8 સ્થાપત્યની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. મંદિર નં. 1 અહીંનું સૌથી મોટું મંદિર છે. તે ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ અને ગૂઢમંડપ ધરાવે છે.

સોનકંસારીનાં મંદિર નં. 1
આ ત્રણેય ભાગ સમચોરસ ઘાટના છે, પૂર્વાભિમુખ છે. મંડપ અને પ્રદક્ષિણાપથ પરનું છાવણ નાશ પામ્યું છે. ગૂઢમંડપની દીવાલની બંને બાજુએ ત્રણ ત્રણ બારીઓ છે. મંદિરનું ફાસનાકાર શિખર પાંચ આડા થર ધરાવે છે. થરોમાં ચંદ્રશાલાનું સાદું સુશોભન છે. મંદિર નં. 2માં સમચોરસ ગર્ભગૃહ અને પ્રદક્ષિણાપથની સામે લંબચોરસ ગૂઢમંડપ અને મુખમંડપ આવેલાં છે. મંદિર નં. 3ના ગર્ભગૃહ અને ગૂઢમંડપ સમચોરસ ઘાટનાં છે. મંદિર નં. 4નું મોટાભાગનું અધિષ્ઠાન દટાઈ ગયું છે. દીવાલો સાદી છે. છ તળનું શિખર ચંદ્રશાલાથી સુશોભિત છે. મંદિર નં. 5નું ગર્ભગૃહ સમચોરસ અને ગૂઢમંડપ લંબચોરસ ઘાટના છે. નં. 8નું મંદિર ગર્ભગૃહ અને મંડપનું બનેલું છે. ગર્ભગૃહના મથાળે સપ્તદલ સૂર્યાકાર છાવણની રચના છે.
થૉમસ પરમાર